Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકાના બે નાયબ ઈજનેરને કાર્યપાલક ઈજનેર તરીકે બઢતી

આજે મળેલી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં

જામનગર તા. ૧રઃ જામનગર મહાનગર પાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં બે નાયબ ઈનજનેરને કાર્યપાલક ઈજનેર તરીકે બઢતી આપવામાં આવી હતી. કચરા, બ્રીજ, આવાસ મુદ્દે વિપક્ષો દ્વારા આકરી પ્રશ્નોત્તરી કરી હતી. સેક્રેટરી અને ઓડીટ શાખાના રીક્રુટમેન્ટ રૂલ્સને પણ સામાન્ય સભામાં બહાલી આપવામાં આવી હતી.

જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા આજે કુંવરબાઈ ધર્મશાળામાં મેયર વિનોદ ખીમસૂર્યાના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં કમિશનર ડી.એન. મોદી, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતાં.

મહાનગરપાલિકાની ઓડીટ શાખાની બે સેક્રેટરી શાખાની જુદી જુદી જગ્યાઓ માટેના રીક્રુટમેન્ટ રૂલ્સને સામાન્ય સભામાં બહાલી આપવામાં આવી હતી.

આ પહેલા કોર્પોરેટર આશિષ જોષીના માતા, જેનબબેન ખફીના પિતા અને પૂર્વ નગરસેવક ડો. સાવલિયાના અવસાન અંગે શોક ઠરાવ પસાર કરાયો હતો અને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

જામનગર મહાનગર પાલિકાના બે નાયબ ઈજનેર દિનેશ પાઠક (સિવિલ) અને એનઆર દિલિપ (એસ્ટેટ) ને કાર્યપાલક ઈજનેર તરીકે બઢતી આપવામાં આવી હતી. આ માટેની દરખાસ્ત અધ્યક્ષસ્થાનેથી રજૂ કરવામાં આવી હતી જેને સર્વાનુમત્તે મંજુર કરાઈ હતી.

આ પછી પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી જેમાં આનંદ રાઠોડએ ચર્ચામાં જણાવ્યું હતું કે, ગાર્ડન શાખાની કામગીરી સદંતર નબળી છે અને નિષ્ફળ છે. વૃક્ષોના વાવેતરમાં માત્ર ફોટો પડાવી વૃક્ષ વાવીને ભૂલી જવાય છે. આ શાખામાં અનુભવી અધિકારીને મૂકવા જોઈએ.

અસ્લમ ખિલજીએ ચર્ચામાં ભાગ લેતા કહ્યું હતું કે, કાલાવડ નાકા બહારના જર્જરિત પુલ મુદ્દે ગઈકાલે સહી ઝુંબેશ કરાઈ હતી જે તમામ સહીઓ સાથેનો બંચ મેયરને સુપ્રત કરી સત્વરે આ કામ શરૂ કરવા માંગ કરી હતી.

તેના જવાબમાં મેયરે જણાવ્યું હતું કે, આ બાબત માત્ર જશ ખાટવાનો પ્રયત્ન છે. હકીકતે છ માસ પહેલા જ સત્તાધિશો દ્વારા પુલ બનાવવા માટે કામગીરીનો આરંભ કર્યો હતો. આથી અસ્લમ ખીલજીએ કહ્યું હતું કે અમારી રજૂઆત ચાર વર્ષથી ચાલે છે. જશ ખાટવા માટે કામ કરવામાં આવતું નથી પરંતુ લોકોની માંગણી છે. તો જેનબબેન ખફીએ પણ કહ્યુ હતુ કે લીંબડ જશ ખાટવાનો શબ્દ પ્રયોગ અવ્યવહારૂ છે.

આ પ્રશ્નનાં જવાબમાં અધિકારી ભાવેશ જાનીએ જણાવ્યું હતું કે, જાન્યુઆરીમાં ટેન્ડર બધા પડશે અને ફેબ્રુઆરીમાં કામ શરૂ થઈ જશે. અલ્તાફ ખફીએ પણ કહ્યું હતું કે આ પ્રશ્ને ૨ થી ૩ વર્ષથી રજૂઆત છે. વિપક્ષી કોર્પોરેટર આનંદ રાઠોડ સોલીડ વેસ્ટ શાખાનાં ભ્રષ્ટ્રાચાર મુદ્દે ચર્ચા કરી હતી. આજે અનેક સોસાયટીને સફાઈ કામદાર ફાળવાયા નથી. અને ડોર-ટુ-ડોર કચરો એકત્ર થતો નથી. અનેક વિસ્તારોમાં ઓપન પોઈન્ટ પણ નથી.

હાલ ૧૨૦૨ કાયમી અને ૯૯૯ અવેજી કામદારો કામ કરી રહ્યા છે. તો જીઆઈડીસી કેમીકલ્સવાળા ગંદા પાણીને કેનાલમાં ઠાલવે છે. જે તળાવમાં પહોંચે છે. અને પાણીના તળને બગાડે છે. તેના જવાબમાં અધિકારી ભાવેશ જાનીએ કહ્યુ હતું કે તળાવમાં આવા પાણી પહોંચતા નથી રસ્તામાં જ તેને ડાયવર્ટ કરીને નદીમાં પહોંચાડાઈ રહ્યા છે. અનેક વોર્ડનાં એસએસઆઈ ભ્રષ્ટ્રચાર આચરી રહ્યા છે. કારણ કે કોઈ અધિકારી જાત નિરીક્ષણ માટે જતા નથી. અગાઉના કમિશનરો સુનયના તોમર, પ્રદિપ શર્મા, વીઝીટ કરતા હતાં. આમ તેણે વર્તમાન કમિશનર ઉપર ચાબખા માર્યા હતાં.

વિપક્ષના નેતા ધવલ નંદાએ સીકયોરીટીનાં કોન્ટ્રકટ બાબતે પ્રશ્ન ઉઠાવી લાગવગના ધોરણે કરોડોનો કોન્ટ્રાકટ અપાયો હોવાનો આક્ષેપ કર્યો હતો. મેયરે આ આક્ષેપને નકારી કાઢયો હતો.

વિપક્ષના રચનાબેન નંદાણીયાએ ચર્ચાની શરૂઆત કરતા પહેલા વડાપ્રધાન નરેન્દ્રો મોદી ઝીંદાબાદના નારા લગાવ્યા હતાં. અને આવાસનાં મકાનોમાં અપૂરતી સુવિધા માટે પ્રશ્ન ઉઠાવી જવાબદાર અધિકારી પાસેથી જવાબો માંગ્યા હતાં.

હાલ ૫૦૦૦ મકાનો છે તેમાંથી ૮૭ મકાન ખાલી છે. તેવો જવાબ સ્લમ શાખાનાં અધિકારી અશોક જોષીએ આપ્યો હતો. તો ૧૪૦૪ આવાસ ધારકોને મકાન ફાળવાશે ? તેવા પ્રશ્નનાં નિયમ રજુ કરી દેવાયા હતાં. આવાસો ભાડે અપાતા હોવાનો મુદ્દો પણ ઉપસ્થિત કરાયો હતો.

આ દરમ્યાન સ્ટેન્ડીંગ ચેરમેન નિલેષ કગથરાએ પણ લાલબુક ધરાવનારાઓને નિયમ મુજબ આવાસ મળશે તેમ જણાવ્યુ હતું.

વિપક્ષના જેનબબેન ખફીએ ચર્ચામાં ભાગ લેતા કહ્યુ હતું કે રસ્તામાં ખાડા પડે છે તે માટે કોન્ટ્રાકટરને દંડ કરવો જોઈએ અથવા જવાબદાર ઈજનેરની જવાબદારી ફિકસ કરવી જોઈએ. તેવી માંગણી કરી હતી.

સત્યમ કોલોનીમાં ખાડાના કારણે બે વ્યકિત એટલે કે પિતા-પુત્રના મૃત્યુ થયા હતાં તેના જવાબમાં જણાવ્યુ હતું કે એ દુઃખદ બનાવ છે પરંતુ ખાડાનાં કારણે નહીં પરંતુ વરસાદી પાણીમાં તણાઈ જવાથી મૃત્યુ થયા હતાં.

આ પછી મ્યુનિ. કમિશ્નરે જાહેરાત કરી હતી કે ફુડ શાખાએ મેળવેલા ખાદ્યચીજોના નમુનાની તપાસ અને પૃથ્થકરણ માટે જામનગરમાં અદ્યતન લેબોરેટરી બનાવાશે. આ પછી સામાન્ય સભા સંપન્ન થઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh