Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જેલમાંથી બહાર આવતા જ સક્રિયઃ બીજા જ દિવસે યોજી પ્રેસ કોન્ફરન્સઃ
નવી દિલ્હી તા. ૧૧ઃ સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ ગઈકાલે સાંજે તીહાર જેલમાંથી બહાર આવતા જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સક્રિય થઈ ગયા હતાં. આજે સવારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં નેતાઓ-કાર્યકર્તાઓ સાથે ચૂંટણીલક્ષી સ્ટેટેજિક મિટિંગ યોજ્યા પછી તેઓએ પત્રકાર પરિષદને સંબોધીને પ્રશ્નોના જવાબ આપ્યા હતાં. તે પહેલા કેજરીવાલે હનુમાજીના મંદિરે જઈને પૂજા-દર્શન કરીને પ્રાર્થના કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંતસિંહ માને કેજરીવાલને દેશના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી ગણાવીને કેજરીવાલને શુભેચ્છા પાઠવીને કહ્યું કે આ પ્રેસ કોન્ફરન્સ નહીં, પણ રેલી જ બની ગઈ છે. કેજરીવાલ એક વિચારધારા છે, તેને કેવી રીતે ગિરફ્તાર કરી શકાય?
આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઈન્કલાબ જિન્દાબાદના નારા ગુંજ્યા હતાં, અને કેજરીવાલ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ ના નારા ગૂંજ્યા હતાં.
કેજરીવાલે રણટંકાર કરતા દેશમાં બંધારણ અને લોકતંત્રની રક્ષા તથા દિલ્હીમાં આમ આદમી પાર્ટીની રાજ્ય સરકારે કરેલા કામોનો ઉલ્લેખ કરીને આ વખતે દેશમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો હોવાના સંકેતો આપ્યા હતાં અને કેન્દ્ર સરકારની નીતિ-રીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતાં.
કેજરીવાલે કહ્યું કે બજરંગબલીની કૃપાથી ચૂંટણી વચ્ચે હું તમારી વચ્ચે છું. આમ આદમી પાર્ટીને કચડવાના પ્રયાસોમાં વડાપ્રધાને કોઈ કસર છોડી નથી, જ્યારે ચાર મુખ્ય નેતાઓને જેલમાં ધકેલી દીધા, છતાં પાર્ટી ખતમ નહીં થાય, કારણ કે આ એક વિચારધારા છે.
કેજરીવાલે કહ્યું કે, વસુંધરારાજે, મુરલી મનોહર જોષી, અડવાણીને ઘરેભેગા કરનાર વડાપ્રધાન મોદીએ હવે યોગીને ઘરભેગા કર્યા છે. આપણા દેશના લોકોએ ઘણાં તાનાશાહોનો તખ્તો ઉખેડીને ફેંકી દીધા હતાં.
આજના આ તાનાશાહને ઉખેડીને ફેંકી દેવા હું ૧૪૦ કરોડ દેશવાસીઓની પાસે ભીખ માંગું છું. તેમણે કહ્યું કે સુપ્રિમ કોર્ટે મને ર૧ દિવસ દીધા છે, તે દરમિયાન હું દેશભરમાં ઘૂમીશ. મારી એક એક ક્ષણ કિંમતી છે. ભાજપમાં ૭પ વર્ષનો નિયમ બનાવ્યો છે, તેથી મોદીજીને આવતા વર્ષે ભાજપ રિટાયર કરી દેશે તે પછી ભાજપ માટે વડાપ્રધાન પદે અમિત શાહ આવશે તેવી મોદીની ગેરેંટી પૂરી થશે?
ત્રણ કલાકમાં મને ખબર પડી ગઈ છે. દેશમાં પરિવર્તનનો પવન ફૂંકાયો છે. તેથી જ રાત્રે આંધી આવી હતી, રાત્રે કરેલી તમામ વાતચીત મુજબ ૪ જૂન પછી દેશમાં મોદીની સરકાર સત્તામાં નહીં હોય.
"મોદીની તાનાશાહીને ખતમ કરવા માટે રાત-દિવસ એક કરીશ..."
તેમણે કહ્યું કે, મોદી 'વન નેશન, વન લીડર' ની નીતિ હેઠળ કામ કરી રહ્યા છે. તેમણે કેટલાક રાજ્યોમાં ભાજપના પ્રભાવ ઘટી રહ્યો હોવાનું જણાવીને કહ્યું કે, હવે સટ્ટાબજારમાં પણ એનડીએને ૨૨૦ થી ૨૩૦ બેઠકો જ જણાવાઈ રહી છે. ઈન્ડિયા ગઠબંધનની સરકાર હવે કેન્દ્રમાં બનશે અને 'આપ'નો તેમાં હિસ્સો હશે, ત્યારે દિલ્હીની પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાશે.
તેમણે કહ્યું કે, ભૂતકાળમાં ૪૯ દિવસમાં રાજીનામું આપવું પડ્યું હતું. પરંતુ આ વખતે એટલા માટે રાજીનામું ન આપ્યું કે દિલ્હીની જનતાએ મને તોતિંગ બહુમતીથી જીતાડશે. તેથી ષડ્યંત્ર રચીને જૂઠા કેસમાં ફસાવાયો. તેથી મેં રાજીનામું ન આપ્યું અને જેલમાંથી સરકાર ચલાવી છે અને તાનાશાહી સામે સંઘર્ષ કરું છું.
તેમણે કહ્યું કે, મને પદનો મોહ નથી. પરંતુ, હું તાનાશાહીને ઘરભેગી કરી દેવા સંઘર્ષ રહ્યો છું.
જેલ રિટર્ન ક્લબમાં એકનો વધારો ઃ ભાજપ
કેજરીવાલના રણટંકારનો જવાબ આપતા ભાજપના પ્રવક્તાએ કહ્યું કે જેલ રિટર્ન ક્લબમાં એકનો વધારો થયો છે, અને તેઓ ખોખલા દાવા અને આદત મુજબ તદ્દન જૂઠ્ઠું બોલી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial