Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પરિવારને તાંત્રિકવિધિથી મારી નાખવાની આપી હતી ધાકઃ
જામનગર તા.૨ : જામનગરના એક ગામની યુવતી પર ત્રણ વર્ષ પહેલાં ભૂવો બનીને આવેલા એક શખ્સે તાંત્રિકવિધિથી તેણીના પરિવારને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યા પછી તેણીનું અપહરણ કર્યું હતું. આ કેસ ચાલી જતાં અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી દુષ્કર્મના ગુન્હામાં ૧૪ વર્ષની અને અપહરણ ના ગુન્હામાં પાંચ વર્ષની કેદની સજા ફટકારી છે. બંને સજા સાથે ભોગવવાની રહેશે.
જામનગર-સમાણા ધોરી માર્ગ પર આવેલા એક ગામમાં વસવાટ કરતા પરિવારને પિતૃ નડતર થતી હોવાની શંકા પડતા તેઓએ પરિવારના જમાઈની ઓળખાણથી જીતુગીરી પૃથ્વીસિંહ પરમાર નામના વ્યક્તિને ખેતરે બોલાવ્યા હતા. જીતુગીરીએ તંત્રમંત્ર જાણતા હોવાનું કહી પિતૃ નડતર દૂર કરી આપશે તેવી વાત કર્યા પછી ત્યાં ખેતરમાં રહેવાની સગવડ મેળવી વિધિ શરૂ કરી હતી.
તે પછી આ પરિવારની યુવાન પુત્રીને બોલાવી જીતુગીરીએ તારા પરિવારને મારી પકડમાં લઈ લીધો છે, હું કહી તેમ કર નહીં તો તારા પરિવારનું મૃત્યુ થઈ જશે તેમ કહી રાત્રે માટીના ઢગલા પાસે આવવાનું જણાવ્યું હતું. ડરી ગયેલી આ યુવતી રાત્રે ત્યાં ગયા પછી જીતુગીરીએ દુષ્કર્મ ગુજાર્યા પછી ગઈ તા.૧૮-૬-૨૧ના દિને ધમકી આપી જીતુગીરી તે યુવતીને નસાડી ગયો હતો.
રાજસ્થાનથી અમદાવાદ તરફ આવેલા આ ભૂવા તથા યુવતીને અમદાવાદમાંથી પોલીસે પકડી લીધા હતા. તે પછી યુવતીની ફરિયાદ પરથી આઈપીસી ૩૭૬, ૫૦૬ (ર), ૩૬૫ હેઠળ ગુન્હો નોંધી તેની ધરપકડ કરી હતી.
ઉપરોક્ત કેસ અદાલતમાં ચાલવા પર આવતા ફરિયાદ પક્ષે ૧૫ સાક્ષી અને ૪૩ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા સરકાર તથા મૂળ ફરિયાદી તરફથી હાજર વકીલે દલીલ કરી હતી કે ભોળી પ્રજા સાધુ-સંત પર બહુ જ મોટો ભરોસો રાખતી હોય છે ત્યારે આવા ખોટા ભૂવાઓ અપહરણ કે દુષ્કર્મ જેવા ગુન્હા આચરે તો તેનો સમાજમાં ખોટો સંદેશો જાય છે. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી આરોપી જીતુગીરી પૃથ્વીસિંહ પરમારને આઈપીસી ૩૭૬ (ર)ના ગુન્હામાં ૧૪ વર્ષની કેદ અને રૂ.૧૫ હજારનો દંડ, આઈપીસી ૩૬૫ના ગુન્હામાં પાંચ વર્ષની કેદ અને રૂ.પ હજારનો દંડ ફટકાર્યાે છે. ભોગ બનનારને રૂ.ર લાખ વળતરપેટે ચૂકવવામાં આવશે. સરકાર તરફથી વકીલ રાજેશ વશીયર તથા મૂળ ફરિયાદી તરફથી વકીલ અશોક જોષી, કોમલ જોષી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial