Advertisement
Author: નોબત સમાચાર

પાક નુકસાની સહાય તથા સન્માન નીધિના નાણા કોઈપણ બેંક રોકી શકે નહીં: ધારાસભ્ય હેમંત ખવા

ખેડૂતોના બેંક ખાતામાં જમા થયેલ

                                                                                                                                                                                                      

જામનગર તા. રરઃ જામનગર કલેક્ટર કચેરીમાં યોજાયેલ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ પ્રજાલક્ષી અને ખાસ કરીને ખેડૂતોના હિતના વિવિધ પ્રશ્નો રજૂ કરી તંત્ર પાસે તાત્કાલિક ઉકેલની માંગ કરી હતી.

ઓક્ટોબર મહિનામાં પડેલા કમોસમી વરસાદના કારણે મોટાભાગના ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં આર્થિક નુકસાની થવા પામી હતી, જે અન્વયે સરકાર દ્વારા હેક્ટર દીઠ માત્ર રર૦૦૦ રૂપિયાની જ સહાય ચૂકવવામાં આવી રહી છે અને એ પણ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં જ.

પરંતુ દુખની વાત તો એ છે કે, આ રકમ જ્યારે ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય કે તરત જ બેંક દ્વારા જે ખેડૂતોના ખાતામાં ધિરાણ ભરાયું ના હોય તેવા ખેડૂતોના રૂપિયા હોલ્ડ કરી દેવામાં આવ્યા ત્યારે હેમંત ખવા દ્વારા આ બાબતે સંકલનમાં પ્રશ્ન રજૂ કરી ઉગ્ર ચર્ચાઓ કરવામાં આવી અને ચર્ચાઓના અંતે કલેક્ટર દ્વારા લીડ બેંક મેનેજરને સૂચના આપવામાં આવી કે ખેડૂતોના ખાતામાં જમા થયેલ પાક નુકસાનીની સહાય તેમજ પીએમ કિસાન સન્માન નિધિના રૂપિયા કોઈપણ બેંક હોલ્ડ ના કરી શકે અને તે રૂપિયા ખેડૂતોને આપી દેવા.

લાલપુર તાલુકાના વાવડી ગામના ગૌચર મુદ્દે પ્રશ્ન રજૂ કરી હેમંત ખવાએ ગૌચર નિમ કરવા રજૂઆત કરી હતી. લાલપુર તાલુકાના નવી પીપર ગામમાં પણ ગૌચરની જમીનના ગામ નમૂના નં. ૭/૧ર ના પાનિયા બંધ થઈ ગયા તે બાબતે ડીએલઆર દ્વારા વહેલી તકે માપણી કરી પાનિયા ચાલુ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.

ગૌચર બાબતે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, પ્રમોલગેશન કે ડિજિટલાઈઝેશન બાદ ઘણા ગામોમાં ગૌચરના ક્ષેત્રફળ ઘટી ગયા છે અથવા તો તેના પાનીયા બંધ થઈ ગયા છે ત્યારે આવા કિસ્સામાં તંત્ર દ્વારા તાલુકાના પ-૧૦ ગામોમાં રેન્ડમલી ખરાઈ કરી કાર્યવાહી કરવી જોઈએ. ઉક્ત બાબતે કલેક્ટર દ્વારા જિલ્લાના બધા તાલુકામાં આ પ્રકારે પ-૧૦ ગામોમાં રેન્ડમલી ખરાઈ કરાવવા અધિકારીઓને સૂચના આપી હતી.

જામનગર જિલ્લામાં અનેક ગામોમાં પવનચક્કી અને પવનચક્કીની ઈલેક્ટ્રીક લાઈનો ઊભી કરવા માટે જુદી-જુદી કંપનીઓ કામ કરી રહી છે ત્યારે ઘણા બધા ખેડૂતોની ફરિયાદ છે કે, કંપનીના અધિકારીઓ દ્વારા પોલીસ પ્રોટેકશનના નામે ડરાવી-ધમકાવી દાદાગીરીથી કામ કરવામં આવી રહ્યું છે. જેમાં પોલીસ પણ કંપનીનો સાથ આપી રહી છે અને જ્યારે વળતર ચૂકવવાની વાત આવે ત્યારે જંત્રી મુજબ વળતર ચૂકવવામાં આવે છે. આ બાબતે તંત્ર દ્વારા ખેડૂતોના હયાત રસ્તાઓને ધ્યાને રાખી ખેડૂતોનું હિત ના જોખમાય તેવી રીતે રૂટ બનાવવો જોઈએ તેમજ રાજય સરકારના પરિપત્રની જોગવાઈ મુજબ કલેક્ટરને સત્તા આપવામાં આવેલ છે કે, જો કોઈ ખેડૂત આ વળતરથી સહમત ના હોય તો જિલ્લા મૂલ્યાંકન સમિતિમાં આ જમીનનું મૂલ્યાંકન કરી તેમાં નક્કી થયેલા બજાર ભાવ પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવામાં આવે. હાલમાં જે વળતર ચૂકવવામાં આવે છે તે જંત્રીના ભાવ પ્રમાણે ચૂકવવામાં આવે છે, જેના લીધે ખેડૂતોમાં ખૂબ જ વિસંગતતા છે ત્યારે કલેક્ટર દ્વારા પણ આવા કિસ્સાઓમાં જિલ્લા મૂલ્યાંકન સમિતિમાં નક્કી કરી બજાર કિંમત મુજબ વળતર ચૂકવવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.

ફોરેસ્ટ ક્લીયરન્સના કારણે પડતર રહેલા રસ્તાઓ અનુક્રમે ધૂનડાથી ટેભડા, લાલવાડાનેશથી ઉદેપુર, સતાપર રોડ, લાલપુરથી ખટિયા રોડ, ખટિયાથી કાલાવડ રોડ અને મોટી ભરડથી ભરડકી રોડ અંગે ફરીથી બેઠકમાં પ્રશ્ન રજૂ કર્યા હતાં. કલેક્ટર દ્વારા બાંધકામ અને ફોરેસ્ટ વિભાગને સંકલનમાં રહી આ રસ્તાઓના કામ જલદી પૂરા થાય તે માટે સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં હેમંત ખવાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તંત્ર કંપનીઓને છારવાનું વલણ છોડી ખેડૂતોના હિતમાં પારદર્શક કામગીરી કરે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh