Advertisement
Author: નોબત સમાચાર

નબળા રહેવું એ ગુનો છે, હિન્દુઓ સંગઠિત થાયઃ સંઘના વડા ભાગવત

નાગપુરમાં આરએસએસના મુખ્યાલયમાં શસ્ત્રપૂજા પછી કરોડો સ્વયંસેવકોને સંબોધન

નવી દિલ્હી તા. ૧રઃ નાગરપુરમાં આરએસએસના મુખ્યાલયમાં શસ્ત્રપૂજન કરીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે સંઘની વિજ્યાદશમી રેલીને સંબોધી હતી. તેમણે કહ્યું કે હિન્દુઓએ સંગઠિત અને મજબૂત રહેવું જોઈએ. નબળા હોવું એ ગુનો છે. સમાજમાં વિખવાદ અને સંઘર્ષ ન હોવો જોઈએ. આપણો દેશ આગળ વધી રહ્યો છે. વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા ઊભી થઈ છે. ભારતની વિવિધતા એ ભારતની તાકાત છે. કેટલાક લોકોને ભારતની પ્રગતિમાં સમસ્યા છે, તેમમણે અનેકવિધ મુદ્દાઓ ઊઠાવીને પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતાં.

મહારાષ્ટ્રના નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યાલયમાં વિજ્યાદશમીનો કાર્યક્રમ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ ખાસ પ્રસંગે સ્વયંસેવકોએ શોભાયાત્રાનું આયોજન કર્યું હતું. સંઘના વડા મોહન ભાગવતે પોતે શસ્ત્રપૂજન કર્યું હતું. વિજ્યાદશમીના અવસર પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે સ્વયંસેવકોને કરેલા સંબોધન દરમિયાન વિશ્વના હિન્દુઓને એક થવાની અપીલ કરી હતી. બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ અને ભારત વિરૂદ્ધ ફેલાવવામાં આવી રહેલ કથા વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે, 'આજના સમયમાં નબળા અને અસંગઠિત હોવું એ ગુનો છે. તેથી પોતાને બચાવવા માટે સંગઠિત રહેવું જરૂરી છે.'

નાગપુરના રેશિમબાગ મેદાનમાં સવારે ૭-૪૦ કલાકે કાર્યક્રમ શરૂ થયો હતો. વાર્ષિક સંબોધન દરમિયાન સંઘ પ્રમુખ દેશના અનેક મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. વિજ્યાશમીના શુભ અવસર પર દેશના કરોડો સ્વયંસેવકોએ શસ્ત્ર પૂજા કરી હતી. ઈસરોના ભૂતપૂર્વ વડા રાધાકૃષ્ણન આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી રહ્યા છે. આરએસએસની સ્થાપના ૧૯રપ માં ડો. કેશવ બલિરામ હેડગેવાર દ્વારા દશેરાના દિવસે કરવામાં આવી હતી. દર વર્ષે સંઘના સ્વયંસેવકો વિજ્યાદશમીના તહેવારને ખૂબ જ ધામધૂમથી અને ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવે છે. સંઘનો આ સૌથી મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે વિજ્યદશમીના અવસર પર પોતાના સંબોધનમાં ઘણાં સમકાલીન મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતાં. પોતાના ભાષણમાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ યુદ્ધે સમગ્ર વિશ્વમાં ચિંતા વધારી છે અને આ આગ કોને ભડકાવશે તે કહેવું મુશ્કેલ છે. ભાગવતે આ સંઘર્ષને વૈશ્વિક સ્તરે અસ્થિરતાનું પ્રતીક ગણાવ્યું હતું.

ભાગવતે જમ્મુ-કાશ્મીરની શાંતિપૂર્ણ ચૂંટણીની પ્રશંસા કરી અને કહ્યું કે આનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રતિષ્ઠા વધી છે. તેમણે એમ પણ કહ્યું કે કેટલાક દેશો અને શક્તિઓ ભારતની પ્રગતિમાં અવરોધ લાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે ચેતવણી આપી હતી કે આવા દળો ભારતને રોકવા માટે વિવિધ યુક્તિઓનો ઉપયોગ કરશે.

મોહન ભાગવતે બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થતાં અત્યાચારનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે કટ્ટરવાદી શક્તિઓના કારણે લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે અને હિન્દુ સમાજને સંગઠિત કરવાની જરૂર છે. તેમણે કહ્યંુ કે સમાજ નબળો ન પડે તે માટે હિંસાનો આશરો લીધા વિના સંગઠિત રહેવું જરૂરી છે.

સંઘ પ્રમુખે બાંગ્લાદેશમાં ભારત વિરોધી ચર્ચાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં એવી ચર્ચા ચાલી રહી છે કે અમને ભારતથી ખતરો છે. તેથી પાકિસ્તાનને સાથે લેવું જોઈએ. તે અમારો સાચો મિત્ર છે અને સાથે મળીને આપણે ભારતને રોકી શકીએ છીએ. કારણ કે પાકિસ્તાન પાસે પરમાણુ હથિયાર છે.

આવી ચર્ચાઓ બાંગ્લાદેશમાં થઈ રહી છે, જેની રચનામાં ભારતે પૂરેપૂરી મદદ કરી હતી અને જેની સાથે ભારતે કયારેય કોઈ દુશ્મનાવટ રાખી નથી અને ભવિષ્યમાં પણ નહીં. દરેક વ્યક્તિ જાણે છે કે આ ચર્ચાઓનું આયોજન કોણ કરે છે અને જો આવા વર્ણનો ચાલ્યા કરે, તો તે કયાં દેશોના હિતમાં છે તેના માટે નામ લેવાની જરૂર નથી.

ભાગવતે બાંગ્લાદેશમાં ભારત વિરૂદ્ધ ચાલી રહેલી અફવાઓ પર ચિંતા વ્યકત કરી હતી, જેમાં ભારત તરફથી ધમકી દર્શાવીને પાકિસ્તાન સાથે ગઠબંધનની વાત કરવામાં આવી રહી છે. તેમણે તેને તે શક્તિઓનું ષડયંત્ર ગણાવ્યું જેઓ નથી ઈચ્છતા કે ભારત પ્રગતિ કરે. તેમણે કહ્યું કે ભારતના વિકાસથી ઘણાં દેશોના હિતોને નુકસાન થાય છે અને તેના કારણે તેમની દુકાનો બંધ થઈ જશે.

આરજી કાર હોસ્પિટલની ઘટના અંગે ચર્ચા કરતા ભાગવતે તેને સમાજ માટે શરમજનક ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આવી ઘટનાઓ સમાજને કલંકિત કરે છે અને આપણે સતર્ક રહેવાની જરૂર છે. ભાગવતે દેશના તહેવારોની વાત પણ કરી અને કહ્યું કે આપણે ભાગલાથી બચીને બધા તહેવારો સાથે મળીને ઉજવવા જોઈએ.

આપણે જોઈ રહ્યા છીએ કે ભારતમાં આ રીતે વિચારો અને શબ્દો પર વિપરીત અસર થઈ રહી છે. કશું છુપાયેલું નથી. બાળકોના હાથમાં મોબાઈલ પણ હોય છે. તેઓ શું જોઈ રહ્યા છે તેના પર કોઈનું નિયંત્રણ નથી. ઘર, પરિવાર અને કાયદો અને વ્યવસ્થામાં આને નિયંત્રિત કરવું જરૂરી છે. તેના પ્રતિકુળ પરિણામો પણ છે. ઘણી જગ્યાએ યુવા પેઢી ડ્રગ્સની જાળમાં ફસાઈ રહી છે.

મોહન ભાગવતે સિંગલ-યુઝ પ્લાસ્ટિકને તિલાંજલિ આપવા અને વધુમાં વધુ વૃક્ષો વાવવાનો અનુરોધ કર્યો હતો અને વૃક્ષો કાપવાની પ્રવૃત્તિઓની ટીકા કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh