Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક મહિલા સાથેના આડાસંબંધની શંકાથી કાયદાથી સંઘર્ષિત કિશોરે છરી હુલાવીઃ
જામનગર તા. ૧રઃ જામનગરના શંકરટેકરી શાસ્ત્રીનગરમાં ગઈકાલે ઢળતી સાંજે એક મહાજન કારખાનેદાર પર છરી વડે કાયદાથી સંઘર્ષિત કિશોરે હુમલો કરી ખચાખચ પાંચેક જેટલા ઘા ઝીંકી દેતા લોહીલુહાણ બની ઢળી પડેલા આ પ્રૌઢનું સારવાર મળે તે પહેલાં પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. હત્યાના બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડ્યો હતો. પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ પરથી કાયદાથી સંઘર્ષિત એક કિશોર સામે હત્યાનો ગુન્હો નોંધ્યો છે. આ કિશોરે મૃતકના એક મહિલા સાથેના આડા સંબંધના કારણે તેઓને મોતને ઘાટ ઉતારી દીધાનું તપાસના પ્રાથમિક તબક્કામાં બહાર આવવા પામ્યું છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪રમાં મહાવીર નામના મકાનમાં રહેતા અને ઉદ્યોગનગરમાં વર્ષાેથી કારાખાનુ ચલાવતા મનસુખલાલ કે. ખીમસીયા નામના પ્રૌઢ ગઈકાલે સાંજે પોણા આઠેક વાગ્યે શંકરટેકરી પાસે આવેલા શાસ્ત્રીનગરમાં ખોડિયાર માતાજીના મંદિર નજીકથી જતા હતા ત્યારે ત્યાં રહેતો કાયદાથી સંઘર્ષિત એક કિશોર છરી સાથે રાખી ધસી આવ્યો હતો.
આ કિશોરે અત્યંત ખુન્નસમાં આવી મનસુખલાલ પર છરી વડે પ્રાણઘાતક હુમલો કર્યાે હતો. ગણતરીની સેકન્ડોમાં તેણે કારખાનેદારને કપાળ, ગાલ, પડખા તેમજ પાછળના ભાગે અને વાંસામાં પાંચેક જેટલા ઘા ઝીંકી દીધા હતા. છરી શરીરમાં ઘૂસી જતા લોહીલુહાણ બની મનસુખલાલ ઢળી પડ્યા હતા અને આ શખ્સ ત્યાંથી પોબારા ભણી ગયો હતો. સ્થળ પર હાજર વ્યક્તિઓએ મનસુખલાલને સારવાર માટે નજીકમાં આવેલી ઓશવાળ હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી પરંતુ મનસુખલાલનું પ્રાણપંખેરૂ ઉડી જતાં આ બનાવ હત્યામાં પલટાઈ ગયો હતો.
બનાવની જાણ થતાં સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ધસી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પી.એમ. માટે મેડિકલ કોલેજમાં ખસેડ્યા પછી મોડી રાત્રે મૃતકના પુત્ર મહાવીર ખીમસીયાની ફરિયાદ પરથી ઈન્ચાર્જ પીઆઈ આઈ.એ. ધાસુરાએ કાયદાથી સંઘર્ષિત કિશોર સામે બીએનએસની કલમ ૧૦૩ તથા જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે.
શહેરમાં હત્યાના બનાવ અંગે એસપીને વાકેફ કરાતા તેઓની સૂચનાથી પોલીસ ટીમ આરોપીના સગડ શોધી રહી હતી. જેમાં આરોપી અટકાયતમાં આવી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ મૃતક મનસુખલાલ ગઈકાલે ઢળતી સાંજે શંકર ટેકરી શાસ્ત્રીનગરમાં ખોડિયાર માતાજીના મંદિરેથી દર્શન કરી પરત જતી વખતે ભરતસિંહ જયુભા જાડેજાના ઘર તરફ જતા હતા ત્યારે એક મહિલા સાથે તેઓને આડોસંબંધ હોવાની શંકા રાખી કાયદાથી સંઘર્ષિત કિશોર કાળ બની છરી સાથે ધસી આવ્યો હતો અને તેણે મનસુખલાલને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા. પોલીસે આરોપીની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે.
મૃતક મનસુખલાલ ખીમસીયા વર્ષાેથી કારખાનુ ચલાવતા હતા. મહાજન જ્ઞાતિના આ પ્રૌઢ છૂટા હાથે દાન-ધર્મ કરતા હતા અને જામનગરના જાણીતા સેવાભાવી ગ્રુપ મોક્ષ ફાઉન્ડેશન સાથે પણ સંકળાયેલા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial