Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં
જામનગર તા. ર૧: જામનગરમાં ગુજરાત આયુ. યુનિ.નો ર૯ મો પદવીદાન સમારંભ યોજાયો હતો, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં પદવી વિતરણ કરાયું હતુ
જામનગરમાં આજે ગુજરાત આયુર્વેદ યુનિ.નો ર૯મો પદવીદાન સમારંભ રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને તથા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં ગુલાબકુંવરબા સભાગૃહ (ધન્વન્તરિ ઓડિટોરિયમ) માં યોજાયો હતો. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, સાંસદ પૂનમબેન માડમ, આયુષના ગુજરાતના નિર્દેશક જયેશ પરમાર, યુનિવર્સિટીના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર ડો. નરેશકુમાર જૈન, આસી. રજિસ્ટ્રાર ડો. એ.પી. ચાવડા સહિતના મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રગટ્ય વડે કાર્યક્રમનો શુભાંરભ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમના અતિથિ-વિશેષ સ્થાને ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તથા રિવાબા જાડેજા, કલેક્ટર કેતન ઠક્કર, કમિશનર ડી.એન. મોદી, એસપી પ્રેમસુખ ડેલુ, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, ઈટ્રાના ડાયરેક્ટર ડો. તનુજા નેસરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. પ્રારંભમાં ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર ડો. નરેશકુમાર જૈન દ્વારા સ્વગત પ્રવચન કરવામાં આવ્યું હતું. આયુર્વેદિક અભ્યાસક્રમોમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવાના પ્રસ્તાવ વિવિધ હોદ્દેદારો-મહાનુભાવો દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતાં. આ તમામ પ્રસ્તાવને અધ્યક્ષ-સ્થાનેથી રાજ્યપાલ દ્વારા સ્વીકૃતિ આપવામાં આવી હતી, અને પદવીઓ એનાયત કરાઈ હતી.
પદવી મેળવવા કાર્યક્રમમાં હાજર નવોદિત વૈદ્યોએ પોતાના સ્થાન પર ઊભા રહી આયુર્વેદના માધ્યમથી જનસેવાની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યારપછી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું. તેમણે નવોદિત વૈદ્યોને આયુર્વેદમાં વિશ્વાસ રાખવાનું આહ્વાન કરી સમાજમાં પુનઃ પૂર્ણ પ્રતિષ્ઠિત અપાવવાની હાલક કરી હતી. તેમણે દાદીમાના વૈદુનો ઉલ્લેખ કરી રસોડામાં રહેલા મસાલિયાને ઔષધ બોક્ષ ગણાવ્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા અધ્યક્ષસ્થાનેથી કરાયેલા પ્રવચનમાં આયુર્વેદની પ્રાચીનતા અને ઉપયોગિતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમણે આયુર્વેદને સનાતન હિન્દુ ધર્મના વેદોનો ઉપવેદ ગણાવી આયુર્વેદને ઋષિ વિદ્યા ગણાવી હતી. ઋષિ શબ્દનું જ અપભ્રંશ રિસર્ચ સ્કોલર થયું હોવાનું જણાવી તેમણે આયુર્વેને અનુપમ-અદ્વીતીય વિદ્યા ગણાવી હતી.
તેમણે દાયકાઓ પહેલા પોતાને થયેલ આંતરડાની ગંભીર બીમારીનો ઉલ્લેખ કરી તેમને આયુર્વેદના માધ્યમથી નવજીવન પ્રાપ્ત થયું હોવાનું જણાવી આયુર્વેદ પર અતૂટ વિશ્વાસ રાખવા માટે નવોદિત વૈદ્યોને આહ્વાન કર્યું હતું. રાજ્યપાલે જામનગરને આયુર્વેદ તથા પરંપરાગત ચિકિત્સા પદ્ધતિના ગઢ સમાન ગણાવી શહેરને સૌભગ્યશાળી ગણાવ્યું હતું.
આયુર્વેદિક અભ્યાસ-ક્રમોમાં ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં. એ પછી સમાજમાં વિશેષ સેવા યોગદાન આપનાર ડો. બુધેન્દ્રકુમાર જૈન તથા વૈદ્ય મનમોહનભાઈ ભગવાનભાઈ પટેલને ડી.લીટની પદવી એનાયત કરવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે યુનિવર્સિટીના આસી. રજિસ્ટ્રાર ડો. અશોક ચાવડા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial