Advertisement
Author: નોબત સમાચાર

'અમૂક સંબંધો જોતા એમ લાગે કે આ સંબંધોમાં કોઈ ગયા ભવના ઋણાનુબંધ હશે, સંબંધ લોહીના નહિ છતાં વિશેષ'

                                                                                                                                                                                                      

સંબંધ હોય પણ લોહીના નહીં છતાં જીવન જીવાય સાથે, કયું ઋણાનુબંધ હશે? માત્ર હૃદયની લાગણી... ન કોઈ ખોટો ભાવ.. ન દંભ બસ આત્મીયતા અકલ્પનિય... આ ન સમજાય એવી વાત છે..પણ સત્ય હકીકત છે... ધ્યાનમાં આવી એટલે એક વાત વાર્તા સ્વરૂપે પ્રસ્તુત છે.. આપણને એમ થાય કે આવું હોય? આવું થાય? પણ હા થયું છે...

કલરવ , કેવું સરસ નામ? કલરવ કોનો હોય? પંખીનો... વહેલી સવારે હજી સૂરજના  કોમળ કિરણો પથરાતા હોય અને પંખી કલરવ કરવા લાગે... અને એ સૌ કોઈને ગમે જ... એવી આ કલરવ.. નિર્દોષ દીકરી.. એનું નામ એની માં એ જ રાખેલું.. પણ માં તો કલરવના જન્મ પછી ત્રણ જ મહિનામાં  મૃત્યુ પામી હતી.. એના પ્રારબ્ધ માં શું હશે? માત્ર નામ જ હતું કલરવ.. જીવનમાં ક્યાંય કલરવ નહોતો....  આપણે આ કલરવના જીવનમાં જ જોઈએ...

આ કલરવ એના પિતા કલાપીનું બહુ જ ધ્યાન રાખે.. એ નાની હતી ત્યારથી સવારે વહેલી ઉઠી જાય.. કલાપી માટે ચા બનાવી નાખે..અને પોતાનું સ્નાન વગેરે પતાવી લે, એટલી વારમાં કલાપી ચા પી ને સ્નાન વગેરે માટે તૈયારી કરી દે.. કપડાં તો આગલી સાંજથી જ કલરવએ બાથરૂમમાં ગોઠવી દીધા હોય.. એટલે એ ચિંતા તો હતી જ નહિ.. કલાપી નાહીં લે એટલી વારમાં કલરવ એ નાસ્તો તૈયાર રાખ્યો હોય, પપ્પા નાહી , સેવા પૂજા પતાવી આવે એટલે કલરવ અને કલાપી સાથે બેસી નાસ્તો કરી લે.. પછી કલાપી છાપું વાંચતો બેઠો હોય એ દરમ્યાન કામ વાળી મમતાની દીકરી પુષ્પા જે લગભગ કલરવ જેવડી જ હતી એ આવે ઘરના કામ કરે કચરા પોતા વાસણ, અને મશીન માં કપડાં ધોવા નાખી દે .. આ તરફ કલરવ રસોઈ માંડી દે... કુકર મૂકી રોટલીનો લોટ બાંધી ભણવા બેસી જાય.. પુષ્પા બધું પતાવી ને જાય એટલે કલરવ રોટલી કરી નાખે.. એની અને પપ્પાની રોટલી કેટલી જોઈએ? આઠ? બસ લગભગ રોટલી શાક જ હોય  રવિવારે અને વચ્ચે એકાદ દિવસ દાળ/કાઢી ભાત હોય... બસ નવ વાગે બધું પૂરૃં... એણે પપ્પાના ઓફિસ પહેરવાના કપડાં રૂમાલ મોજા બધું તૈયાર રાખ્યું હોય...  કલાપી એના સમયે તૈયાર થઈ જાય... એની ઓફિસ બેગ /ટિફિન તૈયાર જ હોય... દીકરી કલરવ પાસે જ હોય પપ્પાને કાંઈ જોઈએ તો? કલાપી જતા પહેલા પૂછે કે બેટા પૈસા જોઈએ છે? કલરવ કહે ના તમે આપેલા એ છે... પછી પૂછે કે ઘર કે તારા માટે કાંઈ લાવવાનું છે? તો કલરવ કાંઈ લાવવાનું હોય તો કાગળમા ં લખી રાખ્યું હોય એ આપી દે અને  નહિ તો ના પાડે.. બસ.. કલાપી ઓફિસ જાય... કલરવ ભણવા બેસે... અને કલાક પછી એ સ્કૂલે જાય.. સાંજે પપ્પા ના આવતા પહેલા તો આવી ગઈ હોય... એ ચા નાસ્તો તૈયાર કરે.. પપ્પા આવે એટલે બાપ દીકરી સાથે ચા નાસ્તો કરે... પછી બે એમની પ્રવૃત્તિમાં હોય... ટીવી, વાંચવાનું, ભણવાનું વગેરે.. કલરવ કપડા વાળી લે, વાસણ ગોઠવી દે અને કાલે  સવારની બધી તૈયારી કરી લે... આ બધું એ એની માં પાસેથી શીખી હતી... નાનપણમાં જ... ક્યારેક એની મોના માસી સાંજે મળવા ખબર પૂછવા આવે.. આ વાતમાં હજી વળાંક છે...

આપણે કલાપીની વાત કરીએ... કલાપી અને રમા સુંદર યુગલ... આમ તો પ્રેમ લગ્ન  હતું છતાં એરેન્જડ, એક જ જ્ઞાતિના,  પ્રસંગે મળતા મન હૃદય મળી ગયેલા... વડીલોને વાત કરી, એ સમયમાં તો વડીલો બધી તપાસ કરે.. કુંડળી મેળવે, એ સમયે જ્યોતિષે કહેલું કે આ લગ્ન તો બરાબર છે, બધા ગુણ મળે છે, જીવન સંસાર પણ સુખી, પ્રેમાળ રહેશે પણ આમનો જીવન સંગાથ લાંબો નહિ રહે..., અર્થ એ કે એક પાત્ર જીવનલીલા વહેલી સંકેલી લેશે...યુગલે કહ્યું કે કાંઈ વાંધો નહિ..જેટલું જીવન સજોડે જીવાશે એ જીવીશું પણ સાથે રહીશું..પછી ઈશ્વરની મરજી.બધાએ મંજુર કર્યું  અને લગ્ન થયા... રમા બહુ જ પ્રેમાળ...આપણને એમ લાગે કે આ યુગલ એક બીજા માટે જ સર્જાયેલું છે... કયારેય અલગ જોવા મળે જ નહિ... હા કલાપી નોકરીએ જાય ત્યારે અલગ પડે... કલાપી બેંકમાં નોકરી કરતો હતો, એ નોકરીએથી સીધા ઘરે જ આવે.. અને સાથે જ ફરવા જાય... આ યુગલના લગ્નને આઠ વર્ષ થઇ ગયા પણ સંતાન નહોતું... બહુ જ તપાસ કરાવી/ઈલાજ કર્યા પણ સંતાન સુખ નહોતું..રમાને એક જ વાતનું દુઃખ હતું કે ઈશ્વરે બધું જ સુખ આપી દીધું પણ સંતાન સુખ નથી આપ્યું ... ખોળાનો ખૂંદનાર કોઈ ન આપ્યું...

કલાપીનો કાકાનો દીકરો ભાઈ દિપેશ, આમ તો દૂરના કાકાનો દીકરો... પણ સબંધ નાનપણથી સારા...બંને ને બહુ જ બને, આમ મિત્રો જેવા.. બન્ને ના સ્વભાવ બિલકુલ અલગ... દિપેશ છેલબટાઉ, તોફાની, એને સ્ત્રી મિત્રો ઘણી... કલાપીને આ બધી વાતનો વિરોધ.. દિપેશ કલાપી ને  વેદિયો કહે.... આ દિપેશને એક છોકરી સાથે બહુ જ ઘેરી મિત્રતા હતી...કેતકી એ એની સાથે જ ફરતો હોય... દિપેશના પિતાને આ ખબર પડી એમણે બહુ જ ઝડપથી એ કેતકીને દિપેશ સાથે અંતર કરાવી નાખ્યું અને એક પરિવારમાં બે સુંદર દીકરીઓ હતી એમાંથી એક દીકરી નીતા સાથે દિપેશનું  નક્કી કરી નાખ્યું... દિપેશને આ જરા પણ પસંદ નહોતું, આ બધું પરાણે થતું હતું પણ પરિવારના વડીલોના દબાણને કારણે કરવું પડ્યું... આમાં અન્યાય તો ચોક્કસ નીતાને જ થવાનો હતો, કારણ નીતા આ ઘરમાં પુત્રવધૂ બનીને તો આવશે પણ આ દીપેશ એની લવમેટ કેતકી કે જેની સાથે આટલા વર્ષના બધા જ પ્રકારે સંબંધો છે તેની સાથે સમય વિતાવશે... નીતાને પત્ની તરીકેનું સન્માન કે પ્રેમ નહિ મળે..., લગ્ન તો થઇ ગયા એ પછી દિપેશ અને એની મિત્ર એ નક્કી કર્યું હતું કે કોઈને ખબર ન પડે અને કોઈને શંકા પણ ન થાય એ રીતે  બને એટલું વહેલું આનું ઢીમ ઢાળી દેવું...પણ એ થયું નહિ અને નીતા ગર્ભવતી થઇ.. દિપેશ માટે આ મોટો આંચકો હતો... નીતા ને બહુ જોર કર્યું અને એ જીવને પાડી દેવા માટે બધા જ પ્રયત્નો કામે લગાડ્યા... એ કારગત ન નીવડ્યું પણ ડોક્ટર દ્વારા એવું સિદ્ધ કરાવી દીધું કે બાળક સાથે ગર્ભની પરિસ્થિતિ એવી છે કે પ્રસૂતિ સમયે કે પછી બેમાંથી એક જ બચશે, માં અથવા બાળક . પણ એનાથી કાંઈ ન થયું દીકરીનો જન્મ થયો જ... એ બાળકી જન્મી ત્યારે રોઈ પણ પછી ક્યારેય રોઈ નહિ... એ હસતી જ હોય અને એવું ખીલખીલાટ હસ્તી હોય કે વહાલી લાગે, અમસ્તું પણ તમે સહેજ બોલાવો કે તરત મીઠડું હશે... એની માં નીતાએ એનું નામ કલરવ રાખ્યું... નીતાની તબિયત વિશે ડોક્ટર દ્વારા જ પહેલા કહેવડાવેલું એટલે એ બહાના હેઠળ શું ખેલ કર્યો ખબર ન પડી પણ કલરવના જન્મના બે જ મહિના પછી નીતાનું અવસાન થયું અને સિદ્ધ થયું કે ડિલિવરી કરે આ થયું... હવે પ્રશ્ન એ થયો કે આ નાની દીકરીનું શું કરવું? નાટક એવું ક ર્યું કે એને સાચવવા દિપેશે તાત્કાલિક બીજા લગ્ન કરવા પડે.. દિપેશની મિત્ર કેતકી સાથે લગ્નનું નક્કી કરી નાખ્યું... કેતકીને જરા પણ મંજુર નહોતું કે કલરવની માં બને... દિપેશે સમજાવ્યું કે કંઈક કરશું પણ હા પાડી દે... લગ્ન થઇ ગયા... શરૂઆતથી જ કેતકી કલરવ ને હેરાન કરવા લાગી.... કલરવ રોવે તો નહિ જ... ભૂખ લાગે ત્યારે જ રોવે... એ બગાડે તો પણ સાફ ન કરે... બાટલીમાં પણ સમયસર દૂધ ન આપે... આ બધું દિપેશના પિતા જોતા હતા અને બીજી એક બે ગતિવિધિઓ જોઈ એમને થતું કે આ લોકો આ કલરવનો ટહુકો બંધ કરી દેશે... એમણે એમની પત્ની અને બીજા સંબંધીઓની સલાહ લઇ લીધી અને કહ્યું કે .. કલાપી રમા ને કોઈ સંતાન નથી, એ લોકો સંતાન ઝંખે છે...  આપણે કલરવ એમને દત્તક આપી દઈએ...એમને સંતાન માં દીકરી મળશે.. અને આપી દીધી... બસ કલરવનો ટહુકો ગુંજવા લાગ્યો... એ બહુ જ લાડકોડમાં મોટી થવા લાગી... એ કલાપી રામને માં પપ્પા જ કહેતી હતી... અને આ લોકો પણ સગી દીકરી ની જેમ જ ઉછેરતા હતા... કલરવ તો નાનું કુમળુ બાળક, સગા માં બાપથી વિશેષ લાડકોડમાં ઉછરવા લાગી... કલાપી રમાના જીવનમાં પણ રંગ આવી ગયો...કલરવ જેમ જેમ સમજણી થઇ એમ જોવા લાગી કે માં પપ્પાનું કેટલું ધ્યાન રાખે છે...બન્ને વચ્ચે કેટલો અદભુત પ્રેમ છે... હવે તો એ પણ સવારે સાંજે માં પપ્પાને જોતી વસ્તુ એના સમયે તૈયાર રાખે... કલરવની સગી માસી એટલે કે નીતાની બહેન ગીતા અવારનવાર કલરવને મળવા આવતી... એ માસી ભાણેજને પ્રેમ પણ બહુ જ...એમાં કલાપી રમાને કોઈ વાંધો પણ નહોતો.. એ પ્રેમથી ગીતાને આવકારતા  , ક્યારેક એને સાંજે જમાડીને જ જવા દેતા ... કલાપી રમાને તો કલરવ રાજી રહે એ એમના માટે પૂરતું...  નસીબમાં જે નિરધાર્યું હોય એ તો થાય જ...યાદ હોય તો આ બન્નેના લગ્નના પ્રસ્તાવ સમયે કહેવાયેલું કે *આમનો જીવન સંગાથ લાંબો નહિ રહે..., અર્થ એ કે એક પાત્ર જીવનલીલા વહેલી સંકેલી લેશે.* એ સત્ય થયું.. રમાને અસાધ્ય બીમારીએ ભરડો લીધો... અને એ બીમારી એટલી ઝડપથી પ્રસરી ગઈ કે રમાનુ મૃત્યુ થયું... કલાપી આઘાતમાં સરી પડ્યો.. કલરવ થોડી મોટી અને સમજદાર થઇ ગઈ હતી...એણે પપ્પાને સંભાળી  લીધા, મમ્મી જે રીતે ધ્યાન રાખતી એ બધું જ ધ્યાન રાખે...કલાપીને પળેપળ રમા યાદ આવે... રમાના અવસાન પછી કલરવની માસી વધુ આવતી જતી રહેતી... કલાપી કહેતો કે તમારે આવતા રહેવું.. કલરવને સારૃં રહે...ગીતાના આવતા રહેવાથી કલરવ ને ખબર પડી કે એના અસલી માતા પિતા કોણ હતા... એણે કહ્યું એમને ભૂલી જાવ.. હું સમજણી ત્યારથી મેં આમને જ માં બાપ જોયા છે અને ગણ્યા છે... સમય જવા માંડ્યો.. કલરવ મોટી થઇ... બહુ જ સરસ ભણી અને ઉંચા હોદ્દા પર નોકરીએ લાગી... એના માટે માંગા આવવા માંડ્યા... કલરવ ને લગ્ન નહોતા કરવા, એ કહેતી કે હું ચાલી જાઉં તો મારા પપ્પાનું શું? પણ ગીતા માસીએ સમજાવી... એ તૈયાર થઇ  , કારણ સામે પાત્ર એને યોગ્ય હતું...

આ કલરવના આવતા મહિને લગ્ન હતા પણ પ્રશ્ન એ હતો કે કન્યાદાન કોણ કરે? એની વાત સ્પષ્ટ હતી કે જે મારા પાલક પિતા છે એ તો એકલા છે.. પાલક માતા તો છે નહિ.. એ મૃત્યુ પામી છે , મારા પિતા અને સાવકી માં તો નહિ જ કરે.. ગીતા માસી પણ કુંવારી છે... કોઈકે કહ્યું કે કલાપીનો કાકાનો દીકરો વહુ કરે  તો એમાં પણ કલરવે ના પાડી પછી દાદાજીએ  કહ્યું કે તારા પપ્પાને સમજાવી તારી માસી સાથે પરણાવી દે પછી એ બે કન્યાદાન કરે.. કલાપીએ સ્પષ્ટ ના પાડી, બહુ સમજાવટ પછી  કલરવના લગ્ન પૂરતું લગ્ન કરવા માન્યો , ગીતા ને તો કલાપી ગમતો જ હતો એણે કહ્યું એમ તો એમ કલરવને પરણાવવા કરીશ...

ધામધૂમથી લગ્ન થયા.. દિપેશને બોલાવ્યો પણ નહોતો... કલરવની મનાઈ હતી... કલાપી ગીતા એ પ્રેમથી ગીતાને વળાવી... કલરવે કહ્યું કે પપ્પા મારૃં એક માનશો? ગીતા માસી સાથે મારા લગ્ન પૂરતું નહીં ... કાયમી રહે તો સારૃં.... કલાપી કાંઈ ન બોલ્યો.... કલરવ વિદાઈ થઇ . એ પછી કલાપી ગીતાનું શું થયું એ ખબર નથી...

હરેશ ભટ્ટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh