Advertisement
Author: નોબત સમાચાર

ભૂખ્યાજનોને ભોજન અને નિરાધારોને આશરો એ માનવધર્મઃ આપણી સંસ્કૃતિ

વિશ્વભરમાં ભૂખમરાની સમસ્યા નિવારવા માટે ભારતીય સંસ્કૃતિ પથદર્શક

                                                                                                                                                                                                      

જામનગરથી ખંભાળિયા તરફ જતા આમરા-વસઈની નજીક હાઈ-વે પર વાતસલ્યધામ-વૃદ્ધાશ્રમનું બોર્ડ વંચાય, વડીલોની સેવા-સારસંભાળ માટે ઘણાં વૃદ્ધાશ્રમો ચાલે છે. જામનગરમાં જ એમ.પી. શાહ મ્યુનિ. વૃદ્ધાશ્રમ તથા જામ રણજીતસિંહ નિરાધાર આશ્રમ તથા આણદાબાવા વૃદ્ધાશ્રમ પણ છે, અને તેવી જ રીતે હાલાર સહિત સમગ્ર રાજ્યમાં વૃદ્ધાશ્રમો, અનાથાશ્રમો તથા આશ્રયસ્થાનો આવેલા છે, જેમાં જરૂરતમંદોની સેવા કરવામાં આવે છે. આ પ્રકારના આશ્રમોમાં ઘરથી તરછોડાયેલા કે તદ્ન નિરાધાર અને લાચાર વૃદ્ધો જ આશ્રય લેતા હોય છે, તેવું નથી, ઘણાં વડીલોના ઘરમાં ખાવા-પીવાની સુવિધા તો હોય છે, પરંતુ પરિવારજનોનો પ્રેમ મળતો હોતો નથી, તેથી તેવા વડીલો પણ સ્વયં વૃદ્ધાશ્રમોમાં આશ્રય લેતા હોય છે, તેથી એવું નથી કે ભૂખ અને દુઃખથી પીડિત વડીલો જ વૃદ્ધાશ્રમોમાં હોય છે, પરંતુ પ્રેમભૂખ્યા અને સ્વમાનભેર સ્વતંત્ર રીતે પોતે પણ બાકીનું જીવન સુખપૂર્વક વિતાવીને પોતાના સંતાનોના જીવન પર બોજરૂપ નહીં બનવા તથા તેઓની સુવિધા સચવાય, તેવી ભાવના ધરાવતા વડીલો પણ આ પ્રકારના આશ્રમોમાં આશ્રય લેતા હોય છે.

વૃદ્ધાશ્રમ-અનાથાશ્રમના મૂળભૂત કારણો

અનાથાશ્રમોમાં તો જેનું કોઈ જ ન હોય, અને પોતે લાચારીભર્યું જીવન વિતાવતા હોય તેવા અબાલવૃદ્ધ લોકો આશરો લેતા હોય છે, ટૂંકમાં સ્ટાર્વેશન અથવા હંગરના જ કારણે નહીં, પરંતુ અન્ય કારણો પણ હોય છે, જેથી વડીલો વૃદ્ધાશ્રમોમાં અને નિરાધારો અનાથાશ્રમોમાં આશ્રય લેતા હોય છે. આ ઉપરાંત ફૂટપાથ પર રહેતા પરિવારોને આશરા સાથે ભોજન વિગેરે મળી રહે તે માટે સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ઉપરાંત કેટલીક સેવાભાવી સંસ્થાઓ પણ સેલ્ટર હોમ એટલે કે આશ્રય સ્થાનોની વ્યવસ્થાઓ કરતી હોય છે.

જો કે, ભૂખમરો અને ગરીબી એ વૈશ્વિક સમસ્યાઓ છે, જેની સામે આપણે સદીઓથી લડતા રહ્યા છીએ. આપણી ભારતીય સંસ્કૃતિમાં દયા, માનવતા તથા સહૃદયતાના કારણે ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ, સદાવ્રતો, નિઃશુલ્ક ટિફિન સેવાઓ વિગેરે ચાલે છે, પરંતુ ગરીબી અને ભૂખમરાને નાબૂદ જ કરવા હોય તો ગરીબો તથા ભૂખ્યાજનોને ભોજન-નિવાસની સગવડ ઉપરાંત પગભર થવા માટે પ્રોત્સાહન અને પ્રવૃત્તિની પણ જરૂર રહે છે.

વૈશ્વિક ભૂખમરો

દુનિયામાં લગભગ ૭પ કરોડ લોકો દીર્ઘકાલિન ભૂખમરો ભોગવી રહ્યા હોવાનો આંકડો કદાચ નાનો લાગે, તેટલા પ્રમાણમાં વિશ્વમાં સ્ટાર્વેશન અથવા ભૂખમરો છે, તે પૈકીના ૩૦ કરોડ લોકો તો ભૂખમરાના કારણે અત્યંત બદહાલ જિંદગી જીવી રહ્યા છે. ભારતમાં પણ ભૂખમરાની સ્થિતિ વૈશ્વિક માપદંડો મુજબ ગંભીરની શ્રેણીમાં આવે છે.

વર્ષ ર૦ર૩ નો ૭પ કરોડનો આ આંકડો તો દીર્ઘકાલિન ભૂખમરાની સ્થિતિ દર્શાવે છે, પરંતુ દુનિયામાં લગભગ અઢી અબજ લોકોને ભરપેટ ભોજન મળતું નહીં હોવાના તારણો નીકળ્યા છે, જેનો મતલબ એવો થાય કે દુનિયાના સવાબસો કરોડથી વધુ લોકો એવા છે, જેને કાં તો પોષણક્ષમ આહાર મળતો જ નથી, અથવા ઘણું જ ઓછું ભોજન મળે છે. આપણી વચ્ચે જ ઘણાં પરિવારો હશે, જેઓ આર્થિક સંકડામણના કારણે એક ટાણું ખાવાનું મળે, અને બીજો ટંક ભૂખ્યા રહેવું પડે, તેવી સ્થિતિમાં જીવન ગુજારતા હશે.

ભૂખમરાના કારણો અને ઉપાયો

ભૂખમરાના કારણો ઘણાં છે. અમીરો વધુને વધુ અમીર થતા જાય અને ગરીબો વધુ ગરીબ થતા જાય, તેવી સ્થિતિમાં અમીરોએ કમ-સે-કમ દુનિયામાંથી ભૂખમરાને નાબૂદ કરવામાં પોતાનો સિંહફાળો આપવો જ જોઈએ. ઘણાં અમીરો દ્વારા ગરીબો માટે કેટલીક સેવાપ્રવૃત્તિઓ તથા વૃદ્ધાશ્રમો-અનાથાશ્રમો-સેલ્ટર હોમ્સ માટે આર્થિક સહયોગ અને સદાવ્રતો વગેરે માટે મદદ કરાતી હોય છે, પરંતુ દુનિયાભરના ટોપ-હન્ડ્રેડ અમીરો જો વૈશ્વિક કક્ષાનું એક ભૂખમરા વિરોધી ફંડ ઊભું કરીને તેને ઈન્સ્ટ્રીપ્યુશનાઈઝેશન કરે. એટલું જ નહીં, દુનિયાભરમાં ગ્રામીણ ક્ષેત્રોથી લઈને મેટ્રો સિટીઝ સુધીના તમામ વિસ્તારોમાં સંકલિત, નિયમિત અને સતત ચાલતા હોય તેવા યુનિટો ખોલવામાં આવે, તે અત્યંત જરૂરી છે. આ માટે કાર્યરત એનજીઓ હંમેશાં ટ્રાન્સપરન્ટ અને માનવીય અભિગમ સાથે પરિણામલક્ષી પ્રયાસો કરતી રહે, તો આ દિશામાં ક્રમશઃ સફળતા મળી શકે તેમ છે.

 આફ્રિકન દેશો, પશ્ચિમ એશિયાના કેટલાક દેશો અને લેટિન અમેરિકા તથા કેરેબિયન કન્ટ્રીઝમાં ભૂખમરાની ગંભીર સ્થિતિ છે, જ્યાં ભૂખમરાના મુખ્ય કારણોમાં અવિરત ચાલતી અશાંતિ, યુદ્ધો, ક્લાઈમેટ ચેઈન્જ, ગ્લોબલ વોર્મીંગ તથા આર્થિક મંદીનો સમાવેશ થાય છે. વર્ષ ર૦૧૯ થી ર૦ર૧ સુધીની કોરોના મહામારી પછી ઘણાં એવા દેશો છે, જ્યાં ભૂખમરો વધ્યો છે. એક આંકડા મુજબ લગભગ ત્રીસ ટકા બાળકો ગંભીર કુપોષણ તથા સ્ટન્ટીંગની સમસ્યાથી ગ્રસિત હોવાથી આગામી પેઢી શારીરિક અને માનસિક રીતે નબળી રહેશે, તેવા તારણો નીકળી રહ્યા હોય તો તે ચિંતાજનક સ્થિતિ ગણાય.

ભૂખમરો નિવારવા રોજગારીની તકોમાં વધારો, ગ્લોબલ વોર્મીંગ-ક્લાઈમેટ ચેઈન્જની સામે વૈશ્વિક સામૂહિક લડત, કુપોષણ અને ગરીબીમુક્ત વિશ્વ વર્ષ ર૦૩૦ સુધીનું લક્ષ્ય પૂરૃં કરવા આખી દુનિયાના સહિયારા પ્રયાસો તથા અમીરો દ્વારા એક વૈશ્વિક ફંડ ઊભું કરીને ગરીબો-ભૂખ્યાજનોને માત્ર ભોજન-નિવાસની સગવડ જ નહીં, પરંતુ પગભર થવા માટે જરૂરી તાલીમ, શિક્ષણ અને રોજગારીની વ્યવસ્થાઓ પણ કરવી પડે.

ભૂખમરાની આડઅસરો

ભૂખમરો એક સમસ્યા પણ છે અને પૂરક સમસ્યાનો જનક પણ છે. ભૂખમરા અને કુપોષણના કારણે કથળતું જાહેર આરોગ્ય દવા-સારવારનો ખર્ચ વધારે છે અને ઉત્પાદક્તા ઘટાડે છે, જીવનધોરણ તળિયે પહોંચાડે છે અને તેમાંથી જ ગુનાખોરી, વ્યસનો તથા માનસિક-શારીરિક બરબાદીની સાથે સાથે આત્મહત્યા કે તે પ્રકારના પ્રયાસો જેવી સમસ્યાઓ પણ વધે છે.

એવું અનુમાન કરાયું છે કે વર્ષ ર૦૩૦ સુધીમાં ૬૦ કરોડ લોકો ભૂખમરાથી પીડિત હશે, બીજી તરફ વર્ષ ર૦૩૦ સુધીમાં દુનિયામાં ઝીરો હંગર એટલે કે શૂન્ય ભૂખમરાનું લક્ષ્ય પણ રખાયું છે. તેથી આ વિરોધાભાસી વાસ્તવિક્તાઓને સ્વીકારીને આ સ્થિતિ સામે લડવા આખી દુનિયાએ સહિયારા અને સક્રિય પ્રયાસો કરવા જ પડે તેમ છે, કારણ કે સમસ્યાઓનું આ પોટલું વિશ્વના માથા પરથી સરળતાથી ઉતરે તેમ નથી.

ભારતીય સંસ્કૃતિ પથદર્શક

દુનિયાભરમાંથી ભૂખમરો સમાપ્ત કરવા માટે માત્ર ધનિકોના ફંડીંગથી જ નહીં ચાલે, પરંતુ હકીકતે પૂરેપૂરી સેવા-સમર્પણની ભાવનાથી ભૂખમરો મિટાવવા અને ગરીબોને પગભર કરવા માટેની બહુહેતુક પ્રવૃત્તિઓ માટે ભારતીય સંસ્કૃતિ પથદર્શક બની શકે તેમ છે. તે ઉપરાંત ખાદ્યસુરક્ષા સુનિશ્ચિત કરવા કૃષિપ્રધાન દેશ ભારત વિશ્વનું પથદર્શન કરી શકે છે.

આ માટે અનેકવિધ ઉપાયો કરવા પડશે. એક તરફ કરોડો લોકો ભૂખ્યા સૂવે અને બીજી તરફ સુખી-સુવિધાસંપન્ન લોકો મોટા પ્રમાણમાં અન્નનો વેડફાટ કરે, તે સ્થિતિ નિવારવી પડશે. ખેતી ક્ષેત્રે ઈન્વેસ્ટમેન્ટ વધારવું પડશે. પશુપાલકોને પ્રોત્સાહન આપવું પડશે. સ્વાસ્થ્ય વિરોધી કચરા જેવા ખાદ્યચીજોને તિલાંજલિ આપીને પૌષ્ટિક આહાર અપનાવવો પડશે. સરકારે પણ પોતાની આ ક્ષેત્રની યોજનાઓ તથા પોલિસીઓ સુધારવી પડશે. યુએનના એક રિપોર્ટમાં પણ કહેવાયું છે કે માત્ર પ્રોજેક્ટો, પોલિસીઓ, યોજનાઓ બનાવવા કે કાનૂનો ઘડવાથી નહીં ચાલે, આ માટે કૃષિક્ષેત્રનો વિકાસ, ફંડીંગ, પ્લાનિંગ, સામાજિક સુરક્ષા તથા અમીરોની પણ હૃદયપૂર્વકની સહભાગિતા જરૂરી છે.

દુનિયામાંથી ભૂખમરો નાબૂદ કરવો હોય તો માઈક્રોપ્લાનિંગ કરવું જરૂરી છે. વૈશ્વિક સંસ્થાઓ દ્વારા યમન, સુદાન, હૈતી, મધ્ય આફ્રિકન દેશોથી શરૂ કરીને દુનિયાના ભૂખમરા પીડિત પ્રદેશોની ઓળખ કરીને ત્યાંના લોકોને માત્ર ભોજન-નિવાસ જ નહીં, પણ પગભર થવા માટે રોજગારી તથા શિક્ષણ-તાલીમની વ્યવસ્થાઓ પણ કરવી પડશે અને ગુનાખોરી ઘટાડવી પડશે.

દરેક દેશોએ પોતાના દેશમાં કુપોષણ, ભૂખમરાથી પીડિત વિસ્તારો તથા લોકોની ઓળખ કરીને તેઓને ભોજન-નિવાસ અને પોષણ-શિક્ષણ તથા રોજગારીની તકો આપીને તેઓને પગભર કરવાના પ્રયાસો નવેસરથી કરી શકે.

આ જ રીતે દરેક રાજ્યે પણ પોતાના રાજ્ય કે કન્દ્ર શાસિત પ્રદેશમાં ભૂખમરાથી પીડિત લોકોને ભોજન-નિવાસ, શિક્ષણ-પોષણ-તાલીમ અને રોજગારી સાથે પગભર કરવા પડશે. આ તમામ પ્રવૃત્તિઓમાં માનવતા, સમર્પણ અને પ્રામાણિક સેવાભાવના હોવી જોઈએ, જે ભારતીય સંસ્કૃતિનું હાર્દ છે.

૭ જૂનઃ વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ

તાજેતરમાં વિશ્વ ભૂખમરા દિવસ મનાવાયો, ત્યારે તેના સંદર્ભે જ વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસને પણ યાદ કરાયો હતો. આ બન્ને વિષયોમાં ગરીબી, ભૂખમરો અને કુપોષણ જેવી સમસ્યાનો પડઘો પડે છે.

દર વર્ષે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની ઉજવણી થાય છે. વર્ષ ર૦૧૮ માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા થયેલી ઘોષણા પછી દર વર્ષે આ ઉજવણી થતી રહી છે. યુનોના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન, વિશ્વ આરોગ્ય સંસ્થા તથા સંલગ્ન સંસ્થાઓ દ્વારા વર્ષ દરમિયાન આ વિષયને સંબંધિત થતી ઉજવણીઓ પૈકીના વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ વિશ્વ આરોગ્ય સંસ્થાના માર્ગદર્શન મુજબ ઉજવાય છે, જેમાં જાહેર આરોગ્યની જાળવણી તથા ભૂખમરા-કુપષોણ સામે લડવાનો નિર્ધાર છે. આ ઉજવણીનો ઉદ્દેશ્ય વિશ્વની પ્રત્યેક વ્યક્તિ સુધી શુદ્ધ ખોરાક પહોંચે અને વૈશ્વિક સ્વાસ્થ્ય જળવાય તેવો છે. આવો, ખોરાકનો બગાડ અટકાવીએ અને પ્રત્યેક ભૂખ્યાજનને ભરપેટ ભોજન પ્રેમથી કરાવીએ.

વિનોદ કોટેચા, એડવોકેટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh