Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશનના ઉપક્રમે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ અને સંસદસભ્ય પૂનમબેન મામડના હસ્તે
જામનગર તા. ૧૪: રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મસ્ત્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા સાંસદ પૂનમબેન માડમના હસ્તે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા આયોજિત જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો ૨૦૨૫ નો શુભારંભ કરાયો હતો. આ એક્સપોમાં વિવિધ ૨૨ દેશોના પ્રતિનિધિઓ સહિત દેશના અનેક શહેરોમાંથી ઉદ્યોગપતિઓ સહભાગી થયા હતા. અને ૨૦૦ જેટલા સ્ટોલ્સના માધ્યમથી નવીનતમ ટેકનોલોજીનું આદનપ્રદાન કર્યુ હતું.
આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે બ્રાસ સીટીના નામે પ્રખ્યાત એવા જામનગરના ઉદ્યોગોનો વિકાસ થાય તેમજ દેશ-વિદેશના ઉદ્યોગકારો સાથે સ્થાનિક ઉદ્યોગકારો પોતાના વિચારોનું આદાન-પ્રદાન કરી શકે તે હેતુથી આયોજિત કરવામાં આવેલ આ એક્સપો ઉદ્યોગકારોને ખરા અર્થમાં ઉપયોગી નીવડશે. ગુજરાતના ઉદ્યોગોને વિકાસની નવી દિશા મળે તે હેતુથી તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવ્યો હતો જેના પરિણામે આજે ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રીમ રાજ્ય બન્યું છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં જિલ્લા કક્ષાએ પણ આયોજન કરી સ્થાનિક ઉદ્યોગોનો વિકાસ થાય તે પ્રકારનું મહત્વપૂર્ણ આયોજન પણ સરકારે હાથ ધર્યુ છે.તાજેતરના બજેટમાં પણ સરકારે ઉદ્યોગ સહિતના ક્ષેત્રોમાં સૌને ફાયદો થાય તે પ્રકારની જોગવાઇઓ કરી વિકસિત ભારતની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી છે. અને સરકારની આ નીતિઓના કારણે જ ચાર સેમી કંડકટર પ્લાન્ટ સ્થાપવા જઈ રહેલું ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બનશે.ઉદ્યોગો એ વિકાસના કેન્દ્રસ્થાને હોય છે ત્યારે આ ઉદ્યોગો સુરક્ષિત થાય તે માટે રાજ્ય સરકાર મક્કમ પગલાં ભરી રહી છે. ગુજરાતીઓની સાહસિકતા, પરિશ્રમ અને સરકારની નીતિઓના પરિણામે આજે ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે સમગ્ર દેશમાં નંબર વન બન્યુ છે.
આ તકે પ્રાસંગિક ઉદબોધન કરતા સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું કે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપોના માધ્યમથી ટેકનોલોજી તથા વિચારોની આપ-લે થશે જેના પરિણામે જામનગરના બ્રાસ ઉદ્યોગને ખૂબ ફાયદો થશે. બ્રાસ ઉદ્યોગમાં આગળ વધવાની ખૂબ જ ક્ષમતા છે ત્યારે આ ઉદ્યોગના વિકાસ માટે સરકાર ઉદ્યોગકારો સાથે ખભેખભો મિલાવી કામ કરી રહી છે. વડાપ્રધાન તથા નાણામંત્રી ખૂબ જ સકારાત્મકતાથી જામનગરના ઉદ્યોગોનો વિકાસ થાય તે માટે તમામ પ્રશ્નોનો ઉકેલ લાવી રહૃાા છે.ઇમ્પોર્ટ ડયૂટી સહિતના સેસ નાબૂદ કરી કેન્દ્ર સરકાર ઉદ્યોગકારોની પડખે ઊભી રહી છે અને નિયમોમાં જરૂરી ફેરફારો કરી જામનગરના ઉદ્યોગોને મદદરૂપ થઈ રહી છે.લઘુ ઉદ્યોગો એ ભારતીય અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે જેના માધ્યમથી સમગ્ર દેશમાં ૨૫ થી ૩૦ કરોડ લોકો રોજગારી મેળવી રહૃાા છે ત્યારે વડાપ્રધાન જામનગર, રાજકોટ અને મોરબીને વધુ પ્રાધાન્ય મળે તે પ્રકારના નિર્ણયો લઈ આ લઘુ ઉદ્યોગોને વિકસિત કરવામાં સતત પ્રયાસરત છે.
ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ આ પ્રસંગે જણાવ્યું કે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો જામનગરની જીવાદોરી સમાન બ્રાસ ઉદ્યોગને નવી ઊંચાઈએ લઈ જશે.રાજ્ય તથા કેન્દ્રની સરકારો ઉદ્યોગોના વિકાસ માટે તત્પર છે અને ઉદ્યોગોનો વિકાસ હરણફાળ ભરે તે માટે તમામ પ્રશ્નો અને રજૂઆતોને ધ્યાને લઈ તેનું નિરાકરણ લાવવા પ્રયત્નશીલ છે.
એક્સપો વિશે વિગતો આપતા જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ લાખાભાઈ કેશવાલાએ જણાવ્યું હતું કે આ સંસ્થાના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે જામનગરના નાના બ્રાસ ઉદ્યોગકારોને આજના સ્પર્ધાત્મક તથા હરીફાઈયુક્ત વાતાવરણમાં વૈશ્વિક વ્યાપાર કરવાની તકો ઘરઆંગણે જ મળી રહે તે આશયથી જામનગર ખાતે તા.૧૩ થી ૧૬ ફેબ્રુઆરી દરમ્યાન' જામનગર ઈન્ડસ્ટ્રીયલ ઈન્ટરનેશનલ એકસ્પો-૨૦૨૫'નું આયોજન હાથ ધરાયેલ છે.જેમાં જામનગર સહિત અમદાવાદ, આણંદ, અંબાલા, બેંગલોર, ભાવનગર, ચેન્નાઈ, ગાંધીનગર, ગોંડલ, ગુરૂગ્રામ, હૈદરાબાદ, ગાંધીધામ, લુધીયાણા, મુંબઈ, નાગપુર, નાસિક, ન્યુ દિલ્હી, પુણે, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર, થાણે, વડોદરા, વાપી સહિતના શહેરામાંથી ઉદ્યોગકારો સહભાગી થયા છે. સાથેસાથે આ એક્ઝીબીશનમાં બેનીન, કેમરૂન, ઈજીપ્ત, ઘાના, માલી, સુદાન, તાન્જાનીયા, ઝીમ્બાબવે સહિતના ૨૨ દેશોમાંથી ખરીદદારો તથા સરકારી સાહસોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહૃાાં છે.નાના ઉદ્યોગકારો પાસે પોતાના ઉત્પાદનો એકઝીબીશનોમાં પ્રર્દશીત કરી શકે તેટલું બજેટ કે માહિતી હોતી નથી ત્યારે ઘરઆંગણે જ આ પ્રકારનો મંચ મળે તે માટે રાજય સરકારની સબસીડીનો લાભ લઈ ઉદ્યોગકારોએ તેમના સ્ટોલ રાખેલ છે ત્યારે આવનાર દિવસોમાં આ એકસ્પો બ્રાસઉદ્યોગ માટે અતિ ફળદાયી નિવડશે.
આ પ્રસંગે ધારાસભ્ય મેધજીભાઈ ચાવડા, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટિ ચેરમેન નિલેશભાઈ કગથરા, જિલ્લા કલેકટર કેતન ઠક્કર, આગેવાન શ્રી રમેશભાઈ મુંગરા, નાયરા એનર્જી લી.ના અમરકુમાર, ગેઈલ ઇન્ડીયા લી.ના જનરલ મેનેજર બ્રિજેશ ચૌધરી, પાવરગ્રીડ કોર્પોરેશનના ચીફ જનરલ મેનેજર બી.કે.પ્રધાન, નવાનગર કો-ઓપ બેંક લી.ના ચેરમેન પ્રદિપભાઈ વાધર, જીજ્ઞેશભાઈ શાહ, અમિતભાઈ મીસ્ત્રી, જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બીપેન્દ્રસિંહ જાડેજા, સીડબી બેંકના જનરલ મેનેજર રીશી પાંડે, રાજકોટ હાડવેર મેન્યુ. એસો.ના પ્રમુખ મનીષભાઈ પટેલ, પીજીવીસીએલના ચીફ એન્જિનીયર એલ.કે. પરમાર તથા બી.ડી.પરમાર, વિમલજીભાઈ ઓડેદરા, લાખણશીભાઈ કેશવાલા સહિત બહોળી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહૃાાં હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial