Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેલ્લા બે વર્ષમાં સાત ધોરીમાર્ગ પર લૂંટ કર્યાની આરોપીઓની કબૂલાતઃ
જામનગર તા.૧૪ : કાલાવડના ખાનકોટડા ગામના એક આસામી ગયા શનિવારે ઠેબા બાયપાસથી ખાનકોટડા જવા માટે વાહનની રાહ જોઈને ઉભા હતા ત્યારે મોટરમાં બેસાડી ચાર શખ્સે તેઓના રૂ.૧૦ હજાર લૂંટી લીધાનો બનાવ બન્યો હતો. તેની તપાસ શરૂ થયા પછી એલસીબીએ અમરેલી જિલ્લાના ચાર શખ્સને સમાણા રોડ પરથી પકડી પાડ્યા છે. આ શખ્સો પોતાની મોટરમાં મુસાફર તરીકે બેસાડી નાગરિકોને લૂંટી લેતા હતા. છેલ્લા બે વર્ષમાં આ શખ્સોએ આવી રીતે જુદા જુદા સાત ધોરીમાર્ગ પર આ રીતે લૂંટને અંજામ આપ્યો હતો.
કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામમાં રહેતા દિનેશગર ખીમગર ગોસ્વામી નામના આસામી ગયા શનિવારે જામનગર પોતાના કામ માટે આવ્યા પછી ત્યાંથી સવારના અગિયારેક વાગ્યે ખાનકોટડા ગામ પરત જવા માટે વાહનની રાહ જોઈને ઠેબા બાયપાસ પાસે ઊભા હતા.
ત્યારે ત્યાં આવેલી કિયા કંપનીની સફેદ રંગની એક મોટર ઉભી રહી હતી. તે મોટરમાં બેસેલા ડ્રાઇવરએ દિનેશગરને કઈ બાજુ જવું છે તેમ પૂછ્યા પછી દિનેશભાઈ આ મોટરમાં મુસાફર તરીકે બેઠા હતા. ત્યાંથી રવાના થયેલી આ મોટરમાં દિનેશભાઈને ડ્રાઇવરે આગળની સીટમાં આવી જવા માટે આદેશાત્મક ભાષામાં કહેતા ડ્રાઇવર અને તેની સાથે રહેલા ત્રણ શખ્સોનો ઈરાદો સારો ન હોવાનું દિનેશભાઈને સમજાઈ ગયું હતું. તે પછી મોટરમાં રહેલા ચારેય વ્યક્તિઓએ દિનેશભાઈના રૂ.૧૦ હજાર લૂંટી લીધા હતા અને તેઓને આગળ ઉતારી મૂક્યા હતા.
આ બાબતની સોમવારે રાત્રે દિનેશભાઈએ જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદની તપાસ પોલીસે શરૂ કર્યા પછી જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ તપાસમાં એલસીબીને સાથે જોડાઈ જવા સુચના આપતા પીઆઇ વી.એમ. લગારિયાના વડપણ હેઠળ પીએસઆઈ પી.એન. મોરી તથા પીએસઆઇ સી.એમ. કાંટેલિયા અને સ્ટાફ દ્વારા તપાસ આરંભાઈ હતી. એલસીબીએ ઈ ગુજકોપ પોકેટ કોપથી સર્ચ કરીને આરોપીઓના સગડ શોધી કાઢ્યા હતા.
અમરેલી જિલ્લાના ઉજળા ગામના સુનિલ વિનુભાઈ સોલંકી તેમજ રાજુલા ગામના રોહિત ભુપતભાઈ સોલંકી, ધર્મેશ ધીરુભાઈ ચૌહાણ, અલ્પેશ કિશોરભાઈ સોલંકી નામના ચાર દેવીપુજકની લાલપુર બાયપાસથી સમાણા તરફ જવાના રોડ પરથી અટકાયત કરવામાં આવી છે.
આ શખ્સોએ ખાનકોટડાના દિનેશભાઈને લૂંટી લેવા ઉપરાંત અન્ય એક ગુન્હાની પણ કબુલાત આપી છે. એલસીબીએ તેઓની પાસેથી રૂ.૭૦ હજારની કિંમતનો ૧૯ ગ્રામ જેટલા વજનનો સોનાનો ચેન, રૂ.૮૮૦૦ રોકડા તથા જીજે-૧૧-સીએચ ૩૮૭૪ નંબરની રૂ.૮ લાખની કિંમતની સેવન સીટર કિયા મોટર કબજે કરી છે. આ શખ્સોની પૂછપરછ કરાતા તેઓએ કબૂલ્યા મુજબ કેટલાક ધોરીમાર્ગો પર આ ટોળકી મોટરમા આંટાફેરા કરી રોડ પર વાહનની રાહ જોઈને ઉભેલા પેસેન્જરને બેસાડી રસ્તામાં તેઓને લૂંટી લેતા હતા હોવાની કબુલાત આપી છે.
આ શખ્સોએ બે વર્ષ પહેલાં કોડીનાર રોડ પર આ રીતે લૂંટ ચલાવ્યા પછી છેલ્લા ત્રણેક મહિનામાં અમરેલી જિલ્લાના ધારી તેમજ ઉના રોડ, મહુવા રોડ, ચોટીલા રોડ, જુનાગઢ તેમજ ખંભાળિયાથી દ્વારકા ધોરીમાર્ગ વચ્ચે કરતબ બતાવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial