Advertisement
Author: નોબત સમાચાર

રેલવે તંત્રનો મનઘડંત નિર્ણયઃ ઓખા-અમદાવાદ વન્દેભારત ટ્રેનના અપડાઉનનો સમય બદલાશે

બપોરે દ્વારકાનું જગત મંદિર બંધ હોય ત્યારે જ પહોંચે અને પરત ફરે...!

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૬: ઓખા-અમદાવાદ વચ્ચે વન્દે ભારત ટ્રેન રેલવે દ્વારા ચલાવવામાં આવી રહી છે, જેનો જામનગર આવન-જાવનનો સમય તમામ મુસાફરો માટે અનુકૂળ છે, પરંતુ હવે રેલવે બાબુઓના મગજમાં સણકો ફૂટતા તેનો સમય ધરમૂળથી બદલવામાં આવી રહ્યો છે. આ મુદ્દે વિરોધનો ચણભણાટ સંભળાઈ રહ્યો છે. હકીકતે તો જો જુનો સમય બદલાવવામાં આવે તો જબરૂ આંદોલન કરવું જોઈએ, પરંતુ અફસોસની વાત એ છે કે રેલ સુવિધા પ્રશ્ને છેલ્લા બે દાયકાથી આ નગરમાં કોઈ હિમતવાન આંદોલનકારી જોવા મળ્યા નથી, જે ગાંધીજીની જેમ સત્યાગ્રહ કરી શકે.

ભારતીય રેલવે દ્વારા ઓખા-અમદાવાદ વચ્ચે વન્દે ભારત ટ્રેન ચલાવાઈ રહી છે જે ટ્રેન જામનગર રેલવે સ્ટેશનમાં રાત્રે ૧૦-૧પ કલાકે આવે છે અને પાંચ મિનિટના સ્ટોપ પછી દ્વારકા તરફ જવા રવાના થાય છે, જ્યારે દ્વારકાથી ઉપડનારી આ ટ્રેન જામનગર સ્ટેશનમાં સવારે પ-૩૦ કલાકે આવે છે અને એ પછી અમદાવાદ તરફ રવાના થાય છે, જે સવારે અમદાવાદ પહોંચે છે.

એટલ કે સવારે અમદાવાદ પહોંચી આ ટ્રેન ત્યાંથી સાંજે રવાના થઈ રાત્રે પરત જામનગર આવે છે, જે મુસાફરો માટે ખૂબ જ અનુકૂળ છે.

લાંબાસમયથી આ સુવિધા ચાલી રહી છે, પરંતુ હવે રેલવેના બાબુઓના મગજમાં ભૂત ધૂણ્યું છે અને તેના સમયમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

હવે આ ટ્રેન સાંજે ૬-૩૦ કલાકે જામનગર આવશે અને સાબરમતી તરફ રવાના થશે જ્યારે દ્વારકા તરફ જવા માટે આ ટ્રેન જામનગરમાં સવારે પોણા અગિયાર વાગ્યે આવશે. જેનો અર્થ એવો થાય છે કે આ ટ્રેન દ્વારકામાં જ્યારે સાડાબાર વાગ્યે પહોંચશે અને સાંજે પાંચ વાગ્યે રવાના થઈ જશે. આ સમય દરમિયાન દ્વારકાધીશ મંદિર લગભગ બંધ જ હોય છે.

ઉપરાંત જામનગરથી કામસર અમદાવાદ જતા મુસાફરો માટે આ ટ્રેનનો વર્તમાન સમય ખૂબ જ અનુકૂળ છે, કારણ કે સવારે ૧૧ વાગ્યે અમદાવાદ પહોંચતી આ ટ્રેનમાં જનાર મુસાફર આખો દિવસ કામકાજ પતાવી સાંજે વળતી ટ્રેનમાં રવાના થઈ રાત્રે જ જામનગરમાં ઘરે પરત ફરી શકાય છે, પરંતુ નવા સમય મુજબ આ ટ્રેન જામનગરવાસીઓ માટે બીલકુલ બિનઉપયોગી સાબિત થશે.

હવે જોવાનું એ રહે છે કે જામનગરનું હિત કોના હૈયે વસેલ છે અને કોણ સફળ રજૂઆત કરે છે, તે તો આવનાર સમય જ કહેશે, કારણ કે બે દાયકા પહેલા રેલવેના મુદ્દે આંદોલન પણ થયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh