Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રાએ પણ પદ છોડ્યુઃ અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં હડકંપઃ ૮ ની ધરપકડ
અયોધ્યા તા. ર૬: અંતે અયોધ્યાના રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ પદેથી ચંપતરાયે રાજીનામું આપવું પડ્યું છે. ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રાએ પણ રાજીનામું આપ્યું છે. સી.એમ. યોગીના આદેશ પછી કેટલાક હોદ્દેદારોના રાજીનામા માંગી લેવાયા હોવાની ચર્ચા છે. આ કેસમાં એન.આઈ.ટી.નો રિપોર્ટ આવ્યા પછી ૮ આરોપીઓની ધરપકડ થતા હડકંપ મચ્યો છે.
અયોધ્યા રામ મંદિરમાં ચોરીના કેસના સંદર્ભમાં મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે રાજીનામું આપી દીધું છે. તેમણે ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. ટ્રસ્ટી ડો.અનિલ મિશ્રાએ પણ રાજીનામું આપી દીધું છે.
અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં ચોરીના કેસમાં, મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના નજીકના રમાશંકર યાદવ ઉર્ફે ટિન્નુ સહિત ૮ આરોપીઓની ગુરુવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ આજે તમામ આરોપીઓને કોર્ટમાં હાજર કરશે. કોર્ટ પાસેથી ૧૪ દિવસના રિમાન્ડ માંગશે.
ગઈકાલે સાંજે ચઢાવાની ચોરીના કેસમાં પ્રથમ એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ કેસ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય કૃષ્ણ મોહનની ફરિયાદ પર નોંધવામાં આવ્યો હતો. તેમાં ટિન્નુ, લવકુશ મિશ્રા, અનુકલ્પ મિશ્રા, મનીષ યાદવ, અવિનાશ શુક્લા, કરુણેશ પાંડેય, સુભાષ ચંદ્ર શ્રીવાસ્તવ અને રમાશંકર મિશ્રાને નામજોગ કરવામાં આવ્યા હતા. આમાંથી મોટાભાગના ચઢાવાની ગણતરી અને દાન વ્યવસ્થાના કામકાજ સાથે સંકળાયેલા રહૃાા છે.
જોકે, એફઆઈઆરમાં ચંપત રાય, ડો. અનિલ મિશ્રા સહિત અન્ય મોટા પદાધિકારીઓના નામ સામેલ નથી. ચોરીનો મામલો પહેલીવાર ૭ જૂને સામે આવ્યો હતો. યુપી સરકારે ૧૩ જૂને ટ્રસ્ટની વિનંતી પર એસઆઈટી બનાવી હતી. એસઆઈટીએ ૨૩ જૂને યુપીના એડિશનલ ચીફ સેક્રેટરી (ગૃહ) સંજય પ્રસાદને પ્રારંભિક રિપોર્ટ સોંપી હતી. સંજય પ્રસાદ ટ્રસ્ટના હોદ્દેદાર સભ્ય પણ છે.
આ પહેલા સૂત્રો દ્વારા જાણકારી સામે આવી હતી કે એસઆઈટીએ તપાસ રિપોર્ટમાં ચંપત રાય, ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રા અને નિર્માણ પ્રભારી ગોપાલ રાવ સહિત ૧૭ લોકોને આરોપી માન્યા હતા. તેમના વિરુદ્ધ એફઆઈઆર થવી લગભગ નિશ્ચિત મનાઈ રહી હતી.
એસઆઈટીને તપાસ દરમિયાન દાનપાત્રોની ચાવીઓ ટિન્નુ પાસે મળી હતી. એસઆઈટીએ આવા લગભગ ૧૫૦ સેવાભાવીઓ અને કર્મચારીઓને ચિહ્નિત કર્યા હતા, જેમની આર્થિક સ્થિતિમાં ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પછી બદલાવ આવ્યો હતો.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગીએ કહૃાું હતું કે એસઆઈટી રિપોર્ટ મળતાની સાથે જ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અમે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને રહીશું. અમે લોકોની શ્રદ્ધા સાથે છેડછાડ થવા દઈશું નહીં. કોઈને પણ છોડવામાં આવશે નહીં. આરોપો લગાવનારા લોકો એ જ લોકો છે જેમણે ભગવાન રામના અસ્તિત્વનો ઇનકાર કર્યો હતો - દાવો કર્યો હતો કે રામ ક્યારેય અસ્તિત્વમાં નહોતા - અને અયોધ્યાના અસ્તિત્વનો પણ ઇનકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ કોર્ટમાં ગયા અને વકીલોની ફોજ ઉભી કરી હતી.
બીજી તરફ રામ મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ અરવિંદ કેજરીવાલે કહૃાું, અમે ઈશ્વરને પ્રાર્થના કરી કે જેમણે આવું ઘોર પાપ કર્યું છે તેમને શક્ય તેટલી કઠોર સજા મળે. જે એફઆઈઆર કરવામાં આવી છે તે માત્ર એક દેખાડો અને છેતરપિંડી છે. તેમાં માત્ર આઠ નાના કર્મચારીઓની જ ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડ ઘણા સમયથી ચાલી રહૃાું છે. સ્પષ્ટ છે કે તેમાં ફક્ત નીચલા સ્તરના કર્મચારીઓ જ સામેલ નહોતા. આ કૌભાંડ ખૂબ જ ઉચ્ચ સ્તર સુધી પહોંચે છે. શક્તિશાળી લોકોને બચાવવાનો પ્રયાસ થઈ રહૃાો છે, જ્યારે દોષ નાના લોકો પર ઢોળાઈ રહૃાો છે.
આજે સાંજે ૪ વાગ્યે કેજરીવાલ એક પ્રેસ કોન્ફરન્સ કરશે. તેવા અહેવાલો છે. આ ઉપરાંત કોંગ્રેસના નેતા રાજીવ શુકલા, રાજ્યસભાના સાંસદ સંજય રાઉત, વી.ચ.પી.ના અધ્યક્ષ અલોક કુમારે, આપના સાંસદ સંજયસિંહ વગેરેએ આ મુદ્ે ટિકા-ટિપ્પણીઓ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial