Advertisement
Author: નોબત સમાચાર

મહાકુંભ, મહાશિવરાત્રિ અને પરીક્ષાઓનો ત્રિવેણી સંગમ... પરીક્ષાર્થીઓને સુગમ અને સરળ પરિવહન પૂરૂ પાડો...

પ્રયાગરાજમાં મહાકુંભ સંપન્ન થયો, અને રેકોર્ડબ્રેક શ્રદ્ધાળુઓએ આ મહાકુંભમાં ત્રિવેણી સ્નાન કર્યું, તેના વિસ્તૃત આંકડાઓ આવી રહ્યા છે, અને દેશભરમાં ગઈકાલે મહાશિવરાત્રિ ધામધૂમથી ઉજવાઈ ગઈ. આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ અને ધોરણ ૧ર ની પરીક્ષાઓનો પ્રારંભ પણ થયો છે. આ ત્રણેય ઘટનાક્રમોનો અદ્ભુત ત્રિવેણી સંગમ રચાયો છે, અને ગંગા-યમુનાના સ્મરણ સાથે માતા સરસ્વતીની આરાધના પણ થઈ રહી છે. આજે સમાપન પછી મહાકુંભમાં સ્નાન કરનારા ભાવિકો, કરાયેલી વ્યવસ્થાઓ તથા મહાકુંભના કારણે રોજગારી તથા વ્યાપાર, આર્થિક પ્રગતિ તથા સ્થાનિકોને થયેલા ફાયદાની વિગતો આંકડાઓ સાથે રજૂ થઈ રહી છે. મહાકુંભની સાથે સાથે હરિદ્વાર, કાશી, અયોધ્યા, ઉજ્જૈન સહિતના યાત્રાધામોમાં પણ બહોળી સંખ્યામાં યાત્રિકો પહોંચ્યા તેથી આ મહાકુંભ બહુહેતુક પૂરવાર થયો અને 'વસુધૈવ કુટુમ્બકમ્'ની  આપણી સંસ્કૃતિના પ્રતીક સમો બની ગયો, ખરૃં કે નહીં?

ત્રિવેણી સંગમમાં સ્નાનની સાથે સાથે ગઈકાલે દેશભરમાં મહાશિવરાત્રિ પર્વે કરોડો લોકોએ મહાશિવરાત્રિ ઉજવી, તેથી આખો દેશ શિવમય થયેલો જોવા મળ્યો હતો.

પ્રયાગરાજ મહાકુંભ પછી ગુજરાતમાં હવે શિક્ષણનો પરીક્ષા કુંભ શરૂ થયો છે, અને આજથી બોર્ડની પરીક્ષાઓમાં કુલ ૧૪ લાખથી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે, તેવા આંકડાઓ પણ જાહેર થયા છે.

બોર્ડની પરીક્ષાઓ માટે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડે ૮૭ વિભાગ પાડીને સાડાસોળ હજારથી વધુ પરીક્ષા કેન્દ્રો ઊભા કર્યા છે, અને આ માટે શાળાસંકુલોની પાંચ હજારથી વધુ બિલ્ડીંગમાં પ૦ હજારથી વધુ વર્ગખંડોમાં પરીક્ષાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠાવવામાં આવી છે, અને એવું કહેવાય છે કે બોર્ડે આ માટે ૮૦ હજારથી વધુનો સ્ટાફ ગોઠવ્યો છે. કેટલાક કેદીઓ તથા સાડાછ હજારથી વધુ દિવ્યાંગો પણ આ પરીક્ષા આપી રહ્યા છે.

બોર્ડની પરીક્ષાઓનો 'હાઉ' દૂર કરવા અને વિદ્યાર્થી ભાઈ-બહેનો મુક્તમને તથા પ્રસન્નતાપૂર્વક પરીક્ષાઓ આપી શકે તેવો માહોલ ઊભો કરીને આજે પહેલા દિવસે પરીક્ષાર્થીઓને પરીક્ષાકેન્દ્રો પર આવકાર પણ અપાઈ રહ્યો છે, જો કે થોડા વર્ષો પહેલા આ પરંપરા ઊભી કરાઈ, તે સમયગાળાની સરખામણીમાં હવે આ એક રાબેતામુજબની ફોર્માલિટી બની ગઈ હોય, તેવું ઘણી જગ્યાએ પ્રતિત થતું હોય છે. એકંદરે પ્રસન્નતાવાળા માહોલમાં હસતા હસતા પરીક્ષાનો પ્રારંભ થાય તેની પરીક્ષાર્થીઓના માનસ પર પોઝિટિવ અસરો પડતી હોય છે. તેથી આ અભિગમ ખોટો નથી, પરંતુ જે કાંઈ થવું જોઈએ તે 'દિલ'થી થવું જઈએ, ખરૃં કે નહીં?

આજે સવારે ધોરણ ૧૦ ના ભાષાના પેપરો હતાં અને અત્યારે બપોરે ધોરણ ૧ર ના સામાન્ય પ્રવાહનું એકાઉન્ટનું તથા સાયન્સ પ્રવાહમાં ફિઝિક્સનું પેપર લેવાઈ રહ્યું છે. આંકડાઓ મુજબ આજે હાલારમાં ધો. ૧૦ ના ર૬ હજારથી વધુ વિદ્યાર્થીઓ અને ધોરણ ૧રના બન્ને પ્રવાહના મળીને ૧૪ હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતાં, તે પૈકી મોટાભાગના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

વિદ્યાર્થીઓના રિસ્પોન્સ, કાઉન્સિલીંગ તથા પેપર આપતી વખતે યોગ્ય સુવિધાઓની વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જો કે પરીક્ષાર્થીઓને લોકલ પરિવહનની કેટલીક મુશ્કેલીઓ પણ પડી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના પરીક્ષાર્થીઓ માટે એસ.ટી. હજુ વધુ કાળજીપૂર્વકની વ્યવસ્થાઓ થાય તથા એક ઊડતી સમીક્ષા કરીને કેટલાક ચોક્કસ પોઈન્ટથી પરીક્ષા કેન્દ્રો સુધીની બસ પરીક્ષાર્થીઓને મળી રહે, તેવી વ્યવસ્થા તો થઈ જ શકે છે ને?

જામનગરમાં પણ કેટલાક આંતરિક દૂરના વિસ્તારો-સોસાયટીઓને જોડતી સિટીબસ સેવા બોર્ડની પરીક્ષાઓ દરમિયાન એવી રીતે તત્કાળ અસરથી શરૂ કરવી જોઈએ, જે પરીક્ષાના પેપરોના પ્રારંભ તથા પૂર્ણ થવાના સમયપત્રકને અનુરૂપ દોડે. આ પ્રકારની 'નિઃશુલ્ક' સુવિધા સંબંધિત સ્કૂલો, કેન્દ્રો તથા શિક્ષણક્ષેત્ર અને વિદ્યાર્થી સંગઠનો સાથે પરામર્શ કરીને મહાનગરપાલિકા સાથે, તો સોનામાં સુગંધ ભળે, ખરૃં કે નહીં?

આમ પણ, જામનગરમાં સિટીબસનું સંચાલન એવી રીતે થાય છે કે ઈજારેદારને મીનીમમ રોજીંદુ બસભાડું તથા અન્ય ચૂકવણીઓ તો (કરેલા કરાર મુજબ) કરવી જ પડતી હશે ને? જો આ જ રીતે પરીક્ષાર્થીઓને જ્યાં જરૂરિયાત જણાય ત્યાં અથવા કોઈ શિડ્યુલ નક્કી કરીને નિઃશુલ્ક લાવવા-લઈ જવાની વ્યવસ્થા વિસ્તારાય, તો તેમાં કાંઈ હરકત જેવું પણ નથી.

આજે જે પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપવાનું શરૂ કર્યું છે, તેઓ તથા આ વર્ષે બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનોને ઉજ્જવળ પરિણામોની 'નોબત' પરિવાર અને 'માધવાણી પરિવાર' શુભેચ્છાઓ પાઠવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh