Advertisement
Author: નોબત સમાચાર

શું રાખ્યું છે નામમાં? એ બધું જ હોં

                                                                                                                                                                                                      

કહેવત છે ને કે 'નામ ગુમ જાયેગા, ચહેરા યે બદલ જાયેગા...' પણ અમુક નામ એવા હોય છે જે તમારા મનમાં એવા ભ્રમ પેદા કરે કે જ્યારે હકીકત સામે આવે ત્યારે ભૂકંપ આવી જાય!

મારી સાથે પણ કંઈક આવું જ થયું. વાત એમ હતી કે મારા ડાયાબિટીસના આંકડા થોડા દિવસથી સેન્સેક્સની જેમ ઉપર-નીચે થઈ રહૃાા હતા. ઘરમાં પત્નીએ અલ્ટીમેટમ આપી દીધું, ''આમ ખાંડ ખાધા કરશો તો એક દિવસ ખાટલા ભેગા થઈ જશો, ચાલો કાલે જ ડોક્ટરને બતાવી આવીએ.''

મેં પૂછ્યું, ''કોણ ડોક્ટર?''

પત્નીએ સ્માર્ટફોનમાં જોતાં જોતાં કહૃાું, ''ડોક્ટર ક્રિષ્ના! બહુ ફેમસ ડાયાબિટીલોજિસ્ટ છે.''

બસ, 'ક્રિષ્ના' નામ સાંભળતાં જ મારા મનમાં ગલગલીયા થવા માંડ્યા! મારા મગજે તરત જ ધારણાંઓનો ઘોડો દોડાવ્યો. ડોક્ટર ક્રિષ્ના... એટલે નક્કી કોઈ સૌમ્ય, શાંત, અને ટીવી સિરિયલોમાં આવે તેવી સ્માર્ટ લેડી ડોક્ટર, જે એપ્રન પહેરીને, ગળામાં સ્ટેથોસ્કોપ ભરાવીને, એકદમ મધુર અવાજે મને કહેશે, ''જુઓ ભાઈ, મીઠાઈ બંધ કરી દો.'' આવી કલ્પના માત્રથી મારો અડધું ડાયાબિટીસ તો ત્યાં જ કંટ્રોલમાં આવી ગયું! પેશન્ટ તરીકે મારો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ગયો. મને રોગ મટાડવામાં જેટલો રસ હતો, એનાથી બમણો રસ ડોક્ટર ક્રિષ્નાને જોવામાં જાગ્યો હતો.

તેમના આસિસ્ટન્ટ છે કિરણ. મનમાં ફરી એક રોમાંચક આંચકો આવ્યો પગારનો પગાર તો છે જ બોનસ પણ છે.

મારા રોમેન્ટિક મગજે એ વખતે વાસ્તવિકતાનો વાયર કાપી નાખ્યો હતો.

બપોરના ત્રણ વાગ્યાની એપોઇન્ટમેન્ટ આપવામાં આવી. અમિતાભ બચ્ચન હોય તો પણ અમે રાજકોટવાળા બપોરે મળવા ના જઈએ. પરંતુ અહીં તો વાત જ જુદી હતી. સામાન્ય રીતે કાર્યક્રમ હોય ત્યારે જ અમે સ્પ્રે કરીએ પરંતુ આજે તો ઘરવાળી એ પણ કહી દીધું કે ''ડોક્ટરને દેખાડવા જવાનું છે લગ્નમાં નહીં.'' ઉનાળામાં પરસેવાનું બહાનું કાઢી વાત વાળી લીધી.

અમે હોસ્પિટલ પહોંચ્યા. નામ નોંધાવીને વેઈટિંગ એરિયામાં બેઠા. મારૃં દિલ ધક-ધક કરી રહૃાું હતું (ડાયાબિટીસના કારણે નહીં, ઉત્સાહના કારણે!). આખરે અમારો નંબર આવ્યો. પત્ની આગળ અને હું એની પાછળ ધીમેથી ડોક્ટરની ચેમ્બરમાં ઘૂસ્યો.

મેં જેવી નજર સામે કરી, મારો અડધો ઉત્સાહ ત્યાં જ ફૂશ... થઈ ગયો!

સામેની ખુરશી પર સાડા છ ફૂટના, પહાડ જેવા, ભરાવદાર મૂછોવાળા અને સહેજ ટાલવાળા એક ભવ્ય પુરૂષ બેઠા હતા! એમનું કદ જોઈને મને એમ લાગ્યું કે આ ડાયાબિટીસના ડોક્ટર છે કે પછી કુસ્તીના રેફરી?

પણ મેં મનને મનાવ્યું. અરે, આ તો અસિસ્ટન્ટ હશે! આજના જમાનામાં મોટા ડોક્ટરો સીધા ક્યાં મળે છે? પેલા હિન્દી પિક્ચરોમાં આવે ને, એમ આ જુનિયર ડોક્ટર હશે, જે બધી હિસ્ટ્રી લેશે, ફાઈલ બનાવશે અને પછી આપણને મેઈન ડોક્ટર 'ક્રિષ્ના મેડમ' પાસે મોકલશે.

પેલા મૂછાળા ભાઈએ ગંભીર અવાજે પૂછ્યું, ''હાં, બોલો, શું તકલીફ છે?''

મેં નમ્રતાથી મારી ફાઈલ એમના હાથમાં આપી. એમણે મારા રિપોર્ટ્સ જોયા, ચશ્મા સરખા કર્યા, કોમ્પ્યુટરમાં કંઈક ટાઈપ કર્યું. પછી મારી સામે જોઈને પૂછ્યું, ''ગળ્યું બહુ ખાઓ છો?''

મેં પત્ની સામે જોઈને ખોટું હસતાં હસતાં કહૃાું, ''ના રે સાહેબ, એ તો ક્યારેક જ...'' પત્નીએ તરત જ મારી પોલ ખોલી, ''સાહેબ, આ આખો દિવસ ફ્રીઝ ખોલીને પેંડા ચોરે છે!''

પેલા મૂછાળા ભાઈએ કડક નજરે મારી સામે જોયું. મને થયું, 'ભાઈ તું ગમે તેટલો ગરમ થા, મારે તો તારી પાછળ બેસતા મેઈન ડોક્ટર ક્રિષ્નાને મળવું છે.' બધી વિધિ પૂરી થઈ ગઈ. એમણે પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું અને ફાઈલ બંધ કરી.

હવે મારો ધીરજનો ઘડો છલકાઈ રહૃાો હતો. બધી વિધિ પૂરી થઈ ગઈ પણ 'મેડમ' હજુ કેમ ન આવ્યા? આ અસિસ્ટન્ટ પોતે જ બધું પતાવી દેશે તો મારો ઉત્સાહ એમનેમ એક્સપાયર થઈ જશે!

મેં હિંમત ભેગી કરી, ગળું ખોંખાર્યું અને એકદમ ભોળા થઈને પૂછ્યું, ''સર, બધી વિધિ તો પતી ગઈ... પણ પેલું, ડોક્ટર ક્રિષ્નાને પણ મળીને જ જઈએ ને? એમની અપોઈન્ટમેન્ટ હતી આપણી.''

ચેમ્બરમાં એક સેકન્ડ માટે પિન-ડ્રોપ સાયલન્સ છવાઈ ગયું.

પેલા મૂછાળા ડોક્ટરે ચશ્મા નાક પરથી સહેજ નીચે ઉતાર્યા. મારી સામે એવી રીતે જોયું જાણે હું મંગળ ગ્રહ પરથી આવ્યો હોઉં. પછી એમણે પોતાની છાતી પર હાથ મૂક્યો, મૂછો પર વળ દીધો અને ખડખડાટ હસતા અવાજે બોલ્યાઃ

''ભલા માણસ, હું જ ડોક્ટર ક્રિષ્ના મોરી...!'' આ સાંભળતાં જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ! મારા મનમાં જે રોમેન્ટિક કલ્પનાઓનો કાચનો મહેલ હતો, એના પર જાણે કોઈએ બુલડોઝર ફેરવી દીધું! હિમાલયની ટોચ પરથી મારો ઘા થયો હોય એવો જોરદાર આંચકો લાગ્યો! ડોક્ટર 'ક્રિષ્ના' એટલે કોઈ ગોપી નહીં, પણ આખેઆખા 'દ્વારકાધીશ' જેવા કદાવર પુરૂષ નીકળ્યા! મારી પત્ની તો પોતાનું હસવું રોકવા માટે મોઢા પર પાલવ દબાવીને બેસી ગઈ. મારી હાલત કાપો તો લોહી ન નીકળે તેવી થઈ ગઈ હતી.

ડોક્ટર ક્રિષ્ના મોરી એકદમ માયાળુ અને રમુજી સ્વભાવના હતા. મારો ઉતરી ગયેલો ચહેરો જોઈને એ સમજી ગયા કે મારા મનમાં શું ચાલતું હતું. એ હસતાં હસતાં બોલ્યા, ''ભાઈ, તમારા જેવા ઘણા પેશન્ટ્સ 'ક્રિષ્ના' નામ વાંચીને ગુલાબી સપના જોતા જોતા આવે છે, પણ અહીં આવ્યા પછી મારી મૂછો જોઈને એમનો ડાયાબિટીસ અડધો તો એમ જ ગાયબ થઈ જાય છે! નામમાં શું રાખ્યું છે, કામ જુઓ કામ!'' મેં શરમાતાં શરમાતાં કહૃાું, ''ના સાહેબ, એ તો મને એમ કે...''

''કંઈ વાંધો નહીં,'' ડોક્ટરે હસીને ટેબલ પર હાથ પછાડતા કહૃાું, ''આજથી તમારો ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવાની જવાબદારી આ 'ક્રિષ્ના'ની. પણ શરત એટલી કે માખણ અને મિશ્રી બંધ કરવા પડશે, હું તો કાનો છું એટલે માખણ ખાવું મને પોસાય, તમને નહીં!''

એમની આ હાસ્ય સભર પંચ લાઈન સાંભળીને ચેમ્બરમાં અમે બધા ખડખડાટ હસી પડ્યા. જે ટેન્શન સાથે હું હોસ્પિટલ ગયો હતો, તે બધું જ હાસ્યમાં ઓગળી ગયું.

ઘેર પાછા આવતી વખતે આખી રસ્તે મારી પત્ની મારી ખેંચતી રહી, ''કેમ, કેવા લાગ્યા ડોક્ટર ક્રિષ્ના? આવ્યા ગલગલીયા?'' મેં કાન પકડ્યા કે ભાઈ, હવે પછી કોઈપણ જગ્યાએ જતાં પહેલાં નામ પાછળ 'ભાઈ' છે કે 'બેન' એની પાકી તપાસ કરી લેવી!

નામના ભ્રમમાં જીવવું કેટલું ભારે પડી શકે છે એ મને એ દિવસે સમજાયું. પણ હા, ડોક્ટર ક્રિષ્ના મોરીના એ હાસ્ય અને પોઝિટિવિટીના કારણે મારો ડાયાબિટીસ ખરેખર કંટ્રોલમાં આવી ગયો છે. છેવટે, હાસ્ય એ જ સૌથી મોટી દવા છે, પછી ભલે એ હિમાલયની ટોચ પરથી થયેલા ઘા પછી જ કેમ ન મળી હોય!

વિચારવાયુઃ- શીતલ, ક્રિષ્ના, કિરણ.... લિસ્ટ બનાવી રાખો. ખબર તો પડે કોણ કોણ આશાના મીનારા તોડી શકે છે.

મિલન ત્રીવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh