Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ૪૧પ૩ કરોડના ૧૧ કામોનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત
જામનગર તા. ર૪ઃ આવતીકાલે તારીખ રપ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં રૂા. ૪૧પ૩ કરોડ મૂલ્યના ૧૧ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. દ્વારકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સુદર્શન સેતુનું (સિગ્નેચર બ્રિજ) લોકાર્પણ થવાથી, હવે દ્વારકાથી બેટદ્વારકા જવા માટે ભાવિકોને એક અનેરી સુવિધાનો લાભ મળી રહેશે. આ ત્રણેય જિલ્લાઓને આવરી લેતા વિકાસકાર્યોમાં માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેકનોલોજી, પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલય, રેલવે તેમજ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ૧૧ પ્રકલ્પો સામેલ છે.
લોકાર્પણ થનારા વિકાસ કાર્યો
દેવભૂમિ દ્વારકામાં સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, ભારત સરકાર તથા માર્ગ અને મકાન વિભાગ, રેલવે તેમજ પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલયના પ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. જે અંતર્ગત દ્વારકા અને બેટદ્વારકાને જોડતા અત્યાધુનિક સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. રૂા. ૯૭૯ કરોડના ખર્ચે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. ર.૩ કિલોમીટર લંબાઈના બ્રિજની સાથોસાથ ર.૪પ કિ.મી.નો એપ્રોચ રોડ અને પાર્કિંગની સુવિધા પણ વિકસિત કરવામાં આવી છે. કર્વ પાયલન ધરાવતો આ એક અનોખો બ્રિજ છે. તેના લીધે હવે દ્વારકાથી બેટદ્વારકા સરળતાથી પહોંચી શકાશે.
રેલવે વિભાગ દ્વારા રાજકોટથી ઓખા અને રાજકોટ, જેટલસર, સોમનાથ તેમજ જેતલસર, વાંસજાળિયા સુધી કુલ પ૩૩ રેલવે કિ.મી. લંબાઈ રેલમાર્ગનું ઈલેક્ટ્રીફિકેશન કરવામાં આવ્યું છે. રૂા. ૬૭૬ કરોડ મૂલ્યના આ પ્રોજેક્ટનું વડાપ્રધાન લોકાર્પણ કરશે. ઈલેક્ટ્રીફિકેશન કામગીરીથી ડીઝલની બચત થશે અને લોકોની સુવિધામાં વધારો થશે. રાજકોટ-ઓખા ઈલેક્ટ્રીફિકેશન પ્રોજેક્ટ પૂર્ણ થવાથી દ્વારકા સુધી ઈલેક્ટ્રીક રૂટ પર ટ્રેન સુવિધા સરળતાથી મળી રહેશે. તે સિવાય પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલય દ્વારા વાડીનારમાં બે ઓફશોર પાઈપલાઈન અને એક બોરનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટનું મૂલ્ય રૂા. ૧૩૭૮ કરોડ છે.
જામનગરમાં કાલાવડ તાલુકાના છત્તર પાસે રૂા. પર કરોડના ખર્ચે નિર્મિત ૧ર.પ મેગાવોટ ક્ષમતાના વેસ્ટ લેન્ડ સોલાર પીવી પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. ખેડૂતો અને ઉપભોક્તાઓને સસ્તા દરે વીજળી આપવામાં તેમજ ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવામાં આ પ્રોજેક્ટ મદદરૂપ થશે.
ખાતમુહૂર્ત થનારા વિકાસકાર્યો
આ કાર્યક્રમમાં માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ૬ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત ધોરાજી-જામકંડોરણા-કાલાવડ સેક્શનને પહોળી કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત થશે. રૂા. ર૯ર કરોડના ખર્ચે શરૂ થનાર આ પ્રોજેક્ટનો ફાયદો જામનગર, પોરબંદર અને રાજકોટ જિલ્લાને મળશે. શહેરી વિકાસ વિભાગ દ્વારા જામનગર શહેરમાં રૂા. ૧૦૭ કરોડના ખર્ચે ગટર વ્યવસ્થા માટેના ત્રણ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કામગીરી અંતર્ગત નાઘેડી વિસ્તાર અને મહાપ્રભુજી બેઠકથી ઠેબા ચોકડી રોડ અને ગુલાબનગર રેલવે ઓવરબ્રિજથી પૂર્ણેશ્વર મહાદેવ મંદિર મેન રોડ સુધી અંડરગ્રાઉન્ડ ગટર નેટવર્ક સ્થાપિત કરવામાં આવશે. તે સિવાય કર્મચારીનગર વિસ્તારમાં એસબીઆર ટેકનોલોજી આધારિત સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાશે.
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ રૂા. ૧૦૦ કરોડના ખર્ચે જામનગરમાં રિજનલ સાયન્સ સેન્ટર નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ સાયન્સ સેન્ટરને ૧૦ એકર વિસ્તારમાં વિકસિત કરવામાં આવશે. આ સાયન્સ સેન્ટરમાં પાંચ થીમ આધારિત ગેલેરી હશે. જેમાં શહેરની ઓળખ, મૂળભૂત વિજ્ઞાન, વિજ્ઞાનનું ભવિષ્ય અને સ્વાસ્થ્ય તેમજ કૃષિ વિજ્ઞાન વિશેની માહિતી રસપ્રદ રીતે રજૂ કરવામાં આવશે. આ સેન્ટરમાં પ્રદર્શન હોલ, ચિલ્ડ્રન્સ કોર્નર, વર્કશોપ, કાફેટેરિયા અને ઓફિસ વર્ક સ્ટેશન્સ પણ બનાવવામાં આવશે. વિકસિત ભારતના નિર્માણ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીને લોકો સુધી રસપ્રદ રીતે લઈ જવા અને બાળકો તથા યુવાઓમાં જિજ્ઞાસાવૃત્તિ નિર્માણ કરવાની દિશામાં આ સાયન્સ સેન્ટર મહત્ત્વની ભૂમિકા ભજવશે. સાથોસાથ જામનગરના સિક્કા થર્મલ પાવર સ્ટેશનમાં એફજીડી સિસ્ટમને સ્થાપિત કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રોજેક્ટનું મૂલ્ય રૂા. પ૯૬ કરોડ છે. આ સિસ્ટમની મદદથી પ્લાન્ટમાંથી થતા ઉત્સર્જનમાંથી સલ્ફર ડાયોક્સાઈડને ઘટાડી શકાશે. સલ્ફર ડાયોક્સાઈડનું ઉત્સર્જન રોકવાથી પ્રદૂષણ નિયંત્રણમાં મદદ મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial