Advertisement
Author: નોબત સમાચાર

બેટ દ્વારકા સંલગ્ન પૌરાણિક કથાઓ, ધાર્મિક મહત્ત્વ અને ભૌગોલિક વિશેષતાઓ તેને બનાવે છે 'અનન્ય તીર્થ સ્થાન'

દ્વારકા તા. ૨૪ઃ ઓખાથી બેટ-દ્વારકા વચ્ચે સમુદ્રમાં નિર્માણ સુદર્શન બ્રીજનું આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાપર્ણ થવાનું છે ત્યારે દ્વારકાની જેમ બેટ- દ્વારકામાં સુવર્ણયુગના પગરવ વચ્ચે તેનાં ઇતિહાસ ઉપર પણ એક દૃષ્ટી કરીએ તો ભૂતકાળ અને ભવિષ્યની વચ્ચેનાં 'સેતુ' વર્તમાનની સાચી તસ્વીર આપણે પામી શકીએ.

બેટ-દ્વારકા ટાપુ દ્વારકાથી  ઇશાન ખૂણામાં (ઉત્તર-પૂર્વમાં) ૩૦ કિ.મી.નાં અંતરે આવેલ છે. બેટ-દ્વારકા એ બેટ (શંખોદ્વાર), બાલાપર, ખંભાળા અને પાર આ ચાર ગામનો સમૂહ છે.

બેટ-દ્વારકા એ ભગવાન શ્રી કૃષ્ણનું શયન સ્થાન હોવાનું માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ રાજા તરીકે રાજકાજ દ્વારકામાંથી સંભાળતા હતા અને ગૃહસ્થ તરીકે બેટ દ્વારકામાં રહેતા હતા એટલે જ બેટ-દ્વારકાનાં શ્રી દ્વારકાધીશ મંદિરમાં શ્રીકૃષ્ણની રાણીઓનાં અંતઃપુરનાં પ્રતિકરૂપ મંદિરો પણ આવેલા છે. એટલે જ બેટ દ્વારકાને 'રમણદ્વીપ' પણ કહેવામાં આવે છે. બેટ-દ્વારકા દ્વારકાનો જ એક ભાગ હોવાથી તેને 'દુર્જય દ્વારકા' પણ કહેવામાં આવે છે. બેટ-દ્વારકાનાં 'શંખોદ્વાર' નામ  સાથે એક પૌરાણિક કથા જોડાયેલી છે. 'પદ્મપુરાણ' અનુસાર શંખ નામનો એક રાક્ષસ વેદોનો નાશ કરવા તત્પર થયો હતો ત્યારે વેદો તેનાથી બચવા સમુદ્રમાં સંતાઇ ગયા ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાનો પ્રથમ અવતાર મત્સ્ય અવતાર ધારણ કરી શંખ રાક્ષસનો વધ કરી તેનો ઉદ્ધાર કર્યો હોવાથી આ ક્ષેત્રનું નામ 'શંખોદ્વાર' પડ્યું હોવાનું માનવામાં આવે છે. 'શંખ' નામનાં રાક્ષસનાં વધ સાથે અન્ય મત્સ્ય અવતારને એક કથા પણ મળી આવે છે પરંતુ બંને કથાનો સાર શંખનાં ઉદ્વારને કારણે જ શંખોદ્વાર નામ પડ્યું હોવાનો નીકળે છે.

બેટ દ્વારકાનાં 'અન્તર્દીપ', 'કલરકોટ' સહિતનાં નામોનો ઉલ્લેખ પણ મળી આવે છે. શ્રીકૃષ્ણ અને તેમનાં પરમ મિત્ર સુદામાની ભેટ પણ અહીં જ થઇ હોવાની માન્યતાને પગલે આ ક્ષેત્રને 'ભેટ-દ્વારકા' પણ કહે છે.

આરબ લોકો આ ટાપુને 'ખુદા બંદર' કહેતા. ખુદા શબ્દ પરમ શક્તિ માટે વપરાતો શબ્દ છે.' આમ અહીં ભગવાન શ્રી દ્વારકાધીશનાં મંદિરને કારણે આ ટાપુ તીર્થસ્થાન તરીકે સદીઓથી પ્રસિદ્ધ  હોવાનું દરેક રીતે સાબિત થાય છે.

૧૦૮ દેવી પીઠમાંથી અગત્યનાં ધરા અને અભયાપીઠ પણ બેટ દ્વારકામાં આવેલ હોવાથી શાક્ત પરંપરાનાં ઉપાસકો માટે પણ બેટ દ્વારકા આસ્થાનું કેન્દ્ર હોવાનું પ્રમાણિત થાય છે. અહીંનું શ્રી અભયા માતાનું મંદિર અતિ પ્રાચીન છે. દ્વારકાનાં વરિષ્ઠ સાહિત્યકાર તથા સંશોધક ઇશ્વરભાઇ પરમારના પુસ્તક 'દર્શનીય દ્વારકા'માં બેટ-દ્વારકા વિશેની ઉપરોક્ત માહિતીઓ સંગ્રહિત થઇ છે. જેમાંથી સાભાર ઉપરોક્ત વિગતો લેવામાં આવી છે

બેટ-દ્રારકાથી ૫ કિ.મી. દૂર શ્રી હનુમાન દાંડીનું પ્રસિદ્ધ મંદિર પણ આવેલ છે જ્યાં પણ હનુમાન ભક્તોનો પ્રવાહ જોવા મળે છે. બેટ-દ્વારકામાં પાતાળનો રસ્તો હોવાની પણ માન્યતા પ્રવર્તે છે જેની સાથે રામાયણની કથા સંકળાયેલ છે.

આમ બેટ-દ્વારકા એ પુરાતન કાળથી તીર્થસ્થાન તથા કૃષ્ણભક્તોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. અત્યાર સુધી ઓખા બંદરેથી વહાણ વડે સમુદ્રમાં સફર કરી બેટ પહોંચી શકાતું હતું જેમાં જોખમનું પરિબળ સામેલ હતું જેને પગલે વયોવૃદ્ધ ભક્તો માટે અહીં પહોંચવું દુર્ગમ હતું તેમજ ચોમાસાની ઋતુમાં કે વિપરીત વાતાવરણમાં પણ અહીં પહોંચવું અશક્ય બની જતા આ ક્ષેત્ર એક રીતે વિશ્વથી અલગ થઇ જતું હતું પરંતુ હવે 'સુદર્શન સેતુ'ને કારણે ભગવાન શ્રી દ્વારકાધીશ સુધી પહોંચવું સુગમ તથા ઝડપી બનવાની સાથે જ સ્થાનિકોને મેડીકલ ઇમરજન્સી જેવી સ્થિતિઓમાં પણ હવે આ 'સુદર્શન સેતુ' દેવદૂત સમાન બની રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh