Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈ તૈયારીઓ પૂર્ણઃ જગતમંદિરે ગર્ભગૃહમાં કરશે પૂજન

દ્વારકા કોરીડોર પ્રોજેકટ અંગે પણ નિર્ણાયક નિરીક્ષણની સંભાવના

દ્વારકા તા. ર૪ઃ ભગવાન શ્રી વિષ્ણુના ચંદ્રવંશી અવતાર અને પૂર્ણ પુરૂષોત્તમ રાજાધિરાજ ભગવાન શ્રી કૃષ્ણએ બાળપણ અને તરૂણાવસ્થામાં ગોકુળ-મથુરામાં લીલાઓ કર્યા પછી દ્વારકાના રાજા તરીકે તેમણે દ્વારકાવાસીઓ અને સમગ્ર ભકતોનું કલ્યાણ કર્યું અને આજે પણ જગત મંદિરેથી ભકતોની પ્રાર્થનાઓની રાજા તરીકે સુનાવણી કરી ભકતોને મનવાંછીત ફળ પ્રદાન કરે છે ત્યારે હવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારકામાં વિકાસની વણથંભી વણઝાર સાથે દ્વારકાને પુનઃ સુવર્ણયુગ તરફ લઈ જવા પ્રયાસરત છે ત્યારે દેશના પ્રસિદ્ધ ધર્મસ્થાનો અને કરોડોની શ્રદ્ધાના કેન્દ્રો સમાન યાત્રાધામોના વિકાસનું બીડું ઝડપનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે તા. રપ ફેબ્રુઆરીએ વહેલી સવારે દ્વારકાધીશજીના મંગલ ભોગ--ગ્વાલ ભોગના પાવન સમયે ઓખામાં નેવી મથકના હેલીપેડ પર ઉતરાણ કરશે. ત્યાથી શ્રી રૂક્ષ્મણિ માતાજી મંદિર પરિસર નજીકના હેલિપેડ ઉપરથી દર્શન કરવા આવનાર હોય સુરક્ષા બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે ત્યાંથી રોડ શો દરમ્યાન લોકોનું અભિવાદન ઝીલતા-ઝીલતા વડાપ્રધાન મોદી જગતમંદિરે દર્શન કરવા પહોંચશે.

દ્વારકાના કાર્યક્રમની વાત કરીએ તો મોદી સીધા દ્વારકાધીશજીના મંદિર પહોંચશે. જ્યાં દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજભાઈ નથવાણી સહિતના ટ્રસ્ટીગણ તથા શારદાપીઠના પ્રતિનિધિ નારાયણ બ્રહ્મચારીજી મોદીને આવકારશે ત્યારબાદ મંદિરના ગર્ભ ગૃહમાં જળ દ્વારકાધીશજીના ચરણમાં મસ્તક નમાવીને ભારતના કલ્યાણ માટે પ્રાર્થના કરશે સાથે જ દ્વારકાધીશજી મંદિરના વારાદાર પુજારી મનિષભાઈ તથા તેમનો પરિવાર મોદીજીને દ્વારકાધીશજીના ઉપવસ્ત્રથી આશીર્વાદ પાઠવશે અને વૈદિક મંત્રોચ્ચાર સાથે દ્વારકાધીશજીની ચરણપાદુકાનું પુજન કરશે, ત્યારબાદ પુજારી વિશ્વનું સહસ્ત્ર નામનું પઠન કરશે અને ગર્ભગૃહમાં સ્થાપિત ભગવાન વિશ્નુની મૂર્તિને વડાપ્રધાન તુલસીદલ અર્પણ કરશે.

બાદમાં ગર્ભગૃહમાં જ ભગવાન શ્રી દ્વારકાધીશજીની પાઘડી સમાન ધ્વજાજીનું પુજન કર્યા બાદ ધ્વજાજી આરોહણના દર્શન કરશે દર્શનના કાર્યક્રમ સાથે મંદિરની મુલાકાત બાદ સુચિત કાર્યક્રમ મુજબ દ્વારકાધીશ મંદિર પરિસરના નવનિર્માણ પામનાર કોરીડોર ત્થા ભગવાન શ્રીકૃષ્ણની સૌથી વિરાટ પ્રતિમાના નિર્માણ કાર્યનું વિચાર વિર્મશ કરી શકે છે અને સાથે જ અથવા ગોમતીઘાટ અને પંચનતિર્થ એટલે કે પંચકુંઈ વિસ્તાર કે જયાં પાંચ પાંડવોના મીઠા પાણીના કુવા આવેલા છે તેની પણ મુલાકાત લઈ શકે છે બે કલાક જેટલો સમય વડાપ્રધાનના કાર્યક્રમમાં આરક્ષિત રાખવામાં આવ્યો હોય જેથી વહીવટી તંત્રમાં અને પ્રજામાં પણ અનેક વિકાસલક્ષી યોજનાઓની ઘોષણા અંગે ઉત્કંઠા છેે સર્કીટ હાઉસમાં મોદીજીના નાસ્તા માટે સુકીભાજી, થેપલા તથા ખાંડવી જેવી વસ્તુઓ રાખવામાં આવનાર છે.

બપોરના ૧ર કલાક આસપાસ મોદી દ્વારકામાં વિશાળ જાહેર સભાને એન.ડી.એચ. હાઈસ્કૂલના વિશાળ મેદાનમાં સંબોધિત કરશે.

મોદીના આગમન પૂર્વ દ્વારકા નગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. રાજ્યના પોલીસવડા તથા ગુજરાત રાજ્યના જુદા જુદા રેન્જના આઈ.જી. ૯ જિલ્લાના એસ.પી. તથા ૧પ ડીવાયએસપી સહિત પોલીસનો વિશાળ કાફલો દ્વારકા અને બેટ દ્વારકામાં તૈનાત છે કોસ્ટગાર્ડ, નેવી અને એરફોર્સ સહિતનું સૈન્ય અને ત્રણેય પાંખના ઉચ્ચ કક્ષાના વડાઓના દ્વારકામાં ધામા છે.

પ્રાથમિક તૈયારીના ભાગરૂપે શિવરાજ પુર બીચ ઉપર પણ મોદીના ઓચિંતા આગમનની સંભાવનાને પગલે પૂર્વ તૈયારીઓ રાખવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh