Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'જય જય શ્રીરામ'
જામનગર તા. ર૪ઃ આપણી ધર્મસંસ્કૃતિમાં ભગવાન શ્રીરામ કથામાં એક ધ્યાનાર્ષક અને પ્રેરણાદાયી પ્રસંગ વર્ણવેલો છે. ભગવાન શ્રી રામની વાનર સેના સમુદ્ર ઉપર સેતુ બનાવવા પથ્થરો ઉપાડી તેના ઉપર શ્રીરામ અંકિત કરાવી દરિયામાં લંકા જવા માટેનો રસ્તો બનાવતા હતાં.
આ સમયે એક નાનકડી ખીસકોલી દરિયા કિનારે રેતીમાં આળોટી શરીર ઉપર ચોંટેલી કાંકરી-રેતી દરિયામાં પધરાવતી હતી. ભગવાન શ્રી રામનું ધ્યાન આ ખીસકોલી ઉપર ગયું. તેમણે ખીસકોલીને પૂછ્યું 'અરે, આ શું કરે છો? ખીસકોલીએ સરસ જવાબ આપ્યોકે, માતા સીતાજીને મુક્ત કરવા આપ લંકા જવા માંગો છો ત્યારે સેતુ બનાવવાના કામમાં હું મોટા પથ્થર તો ઉપાડી શકું તેમ નથી, તેથી નાની કાંકરી-રેતી સમુદ્રમાં પધરાવી સમુદ્ર સેતુ બનાવવાના કામમાં મારી શક્તિ પ્રમાણે સહભાગી થવાનો પ્રયાસ કરૂ છું.'
આ પ્રસંગ નાના-મોટા સૌ કોઈ માટે અત્યંત પ્રેરણાદયી છે. જ્યારે કોઈ સત્કાર્ય થતું હોય ત્યારે 'ફૂલ નહીં તો ફૂલની પાંખડી' જેમ પોતાની શક્તિ પ્રમાણે યોગદાન આપી શકે છે.
જામનગરના બાંધણીના એક વેપારીએ પણ અયોધ્યામાં નિર્માણાધિન ભવ્યાતિભવ્ય રામમંદિરના નિર્માણમાં પોતાનું યથાશક્તિ યોગદાન આપવાનો નિર્ણય કર્યો... તા. રર જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસથી અઠવાડિયા સુધી તેમના વેપારમાં જે કાંઈ નફો થશે તે રામ મંદિરના નિર્માણમાં અર્પણ કરવાનો સંકલ્પ લીધો. ગ્રાહકો તરફથી પણ સારો પ્રતિસાદ મળતા નિર્ધારીત સાત દિવસમાં ર૦ હજાર જેવી રકમ એકત્ર થઈ. આથી તેમણે રૂા. ર૧ હજારની સેવા શ્રીરામ મંદિરમાં આપવા 'શ્રી રામમંદિર ટ્રસ્ટ, અયોધ્યા'ના નામનો ડ્રાફ્ટ કઢાવ્યો.
આ વેપારી એટલે ઉમરભાઈ બાંધણીવાળા, જેઓ મહાપ્રભુજીની બેઠક વિસ્તારમાં વરસોથી જામનગરની ઓળખ એવી બાંધણીનો વેપાર કરે છે. તેમણે આ ડ્રાફ્ટ ૮-જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાને સુપરત કરી પોતાની લાગણી અને શ્રદ્ધા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે વકીલ અબ્દુલભાઈ બ્લોચ સાથે રહ્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, તા. રર જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો અને આ શુભ પ્રસંગે ખાસ નિમંત્રિત જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા તેમના પતિ ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા સાથે મહોત્સવમાં અને રામલલ્લાના દર્શન કરવા સહભાગી થયા હતાં. આથી જ ઉમરભાઈએ રિવાબા જાડેજા હસ્તક રૂા. ર૧ હજારની સેવા મોકલવાનો નિર્ણય કર્યો હતો. રિવાબાએ ઉમરભાઈની સર્વ ધર્મ સદ્ભાવનાને બિરદાવી અભિનંદન આપ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial