Advertisement
Author: નોબત સમાચાર

બેડીનાકા પાસે આવેલી કડિયા સમાજની દુકાનો અંગે બે પક્ષે કરેલી રજૂઆતથી ચકચાર

એક પક્ષે ચેરિટી કમિશનર, બીજા પક્ષે કલેક્ટર સમક્ષ નાખી ધાઃ

જામનગર તા.૩ : જામનગરના બેડીનાકા પાસે આવેલી કડીયા સમાજની જગ્યા સ્થિત દુકાન અંગે સમાજના પ્રમુખ સહિતના હોદ્દેદારો દ્વારા ગેરબંધારણીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાની રજૂઆત એક આસામીએ ચેરિટી કમિશનર કચેરીમાં કરી છે. જ્યારે સમાજના પ્રમુખે ત્યાં આવેલી એક દુકાન અંગે પ્રશ્ન ઉઠાવી આ દુકાનના સંચાલકો ગેરગેરકાયદેસર રીતે તે દુકાન પર કબજો જમાવીને બેઠા હોવાની રજૂઆત કરી છે. ઉપરોક્ત વિવાદ ચર્ચાસ્પદ બની ગયો છે.

જામનગરના બેડીનાકા પાસે આવેલા ટાઉનહોલ રોડ પર રામમંદિરની બહાર આવેલી એક દુકાન અંગે જામનગરના ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિના કપિલ સુરેશભાઈ નાનાણી નામના આસામીએ મદદનીશ ચેરિટી કમિશનર કચેરીમાં અરજી કરી રજૂઆત કરી છે.

તેઓએ જણાવ્યા મુજબ ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમાજના પ્રમુખ, ખજાનચી તથા મંત્રી દ્વારા ગેરબંધારણીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. જ્ઞાતીના ટ્રસ્ટ દ્વારા તે રોડ પર આવેલી સિટી સર્વે નં.૯૬૭ના શીટ નં.૨૯૬ અને મિલકત નં.૦૪/૦૬૮૦૧/૦૦૦૦૦/૦૧૭ વાળી જગ્યા વર્ષાે પહેલાં સમાજ દ્વારા મગનલાલ ચકુભાઈ મુંજાલને ભાડે આપવામાં આવી હતી. તે જગ્યામાં તેમના પૌત્ર કમલેશ મુંજાલ દ્વારા ચાની હોટલ ચલાવાતી હતી જે દસ વર્ષથી બંધ કરવામાં આવી છે. ભાડુઆતના નિયમ અનુસાર તે જગ્યાની જો ભાડુઆતને જરૂર ન હોય તો પરત કરવાની હોય છે પરંતુ જ્ઞાતિ પ્રમુખ નવીન કરશનભાઈ લાખાણીએ કમલેશ મુંજાલ, પોતાના પુત્ર ચિરાગ તથા પુત્રી હર્ષાબેન હરીશભાઈ રાઠોડ સાથે મળી તે જગ્યા પેટા ભાડુત તરીકે રાખી છે અને મૂળ ભાડુત કમલેશ મુંજાલને ભાડુ ચૂકવવામાં આવે છે. જેના કારણે સમાજને હજારો રૂપિયાના ભાડાની ખોટ જઈ રહી છે. તે ઉપરાંત સમાજની મંજૂરી વગર બાજુની દુકાન નવીનભાઈના પુત્રને વેચી આપવામાં આવી છે.

મૂળ ભાડુત મગનલાલ મુંજાલના અન્ય પણ વારસો હોવા છતાં કમલેશ મુંજાલે અન્ય વારસોની મંજૂરી લીધી નથી અને જ્ઞાતિને પણ તેની જાણ કરી નથી. વધુમાં નવીન લાખાણીએ સમાજની જગ્યામાંથી ૪૩.૭૪ ચો.મી. વાળી જગ્યા પુત્ર ચિરાગ, પુત્રી હર્ષા, પત્ની નીલાબેનના નામે કરી આપી છે. તે દુકાનની ઉંચાઈ અગાઉ ૧૭ ફૂટ હતી તે મંજૂરી વગર ૨૧ ફૂટ કરવામાં આવી છે અને ચિરાગ લાખાણીને આપવામાં આવેલી દુકાન સમાજની મંજૂરી વગર બીજી દુકાન સાથે ભેળવી દીધી છે. સમાજની જગ્યામાં અગાઉ દીપ એન્ટરપ્રાઈઝ નામની દુકાન હતી. તે દુકાન ભાડુઆતે પરત સોંપી હતી. જેનો મિલકતવેરો ભરવાનો બાકી છે. વધુમાં સમાજની એક દુકાન મિસ્ત્રી પ્રાગજીભાઈ વેલજીભાઈને આપવામાં આવી હતી. તે દુકાનનો નવીનભાઈ દ્વારા કેવી રીતે વપરાશ કરવામાં આવે છે તે ચકાસવા અને તેનો પણ મિલકત વેરો બાકી હોવાનું જ્ઞાતિના હિતમાં જણાવાયું છે.

ઉપરોક્ત અરજી અન્વયે વધુમાં મળતી વિગત મુજબ ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિના પ્રમુખ નવીન લાખાણીએ જિલ્લા કલેક્ટરને અગાઉ એક અરજી કરી તેમાં જણાવ્યું છે કે, તેમની જ્ઞાતિના ટ્રસ્ટના તેઓ પ્રમુખ છે અને સમાજની બેડી નાકા પાસે આવેલી જગ્યામાં ગુરૂકૃપા પાન નામની દુકાન ચલાવાઈ રહી છે. તે દુકાન ગુજરનાર સવજી લાલજીને ભાડે અપાયા પછી ત્રીસેક વર્ષ પહેલાં આ વ્યક્તિનું નિઃસંતાન અવસાન થયું હતું. તે પછી હાલમાં આ દુકાન ચલાવી રહેલા વ્યક્તિઓ દ્વારા તેના ગેરકાયદે કબજેદાર છે, તેઓ ભાડા કરાર કે ભાડાચિઠ્ઠી ધરાવતા નથી, આધાર પુરાવા વગર જ ટ્રસ્ટની જગ્યામાં ગેરકાયદેસર કબજો ધરાવે છે તેથી તેમની સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવી જોઈએ. આ વિવાદ ચર્ચાસ્પદ બનવા પામ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh