Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ઢીંચડા રોડ પર ત્રણ મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયોઃ એકની અટક

રૂ.૨૧ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરતી એલસીબીઃ પાંચની શોધખોળઃ

જામનગર તા.૩ : જામનગરના ઢીંચડા રોડ પર આવેલા સેનાનગરમાં ગયા ઓકટોબર મહિનામાં તેમજ ફેબ્રુઆરી મહિનામાં ત્રણ બંધ મકાનમાં અનુક્રમે રૂ.૫,૨૧,૫૦૦, રૂ. ૩,૯૨,૫૦૦ તેમજ રૂ. ૩૦૫૦૦ની મત્તા ચોરાઈ ગઈ હતી. ત્રણેય ફરિયાદની ચાલી રહેલી તપાસમાં એલસીબીએ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલમાં સેનાનગરમાં રહેતા એક શખ્સને દબોચી લીધો છે. તેણે પોતાના પાંચ સાગરિતના નામ ઓકી નાખ્યા છે. આ શખ્સ પાસેથી રૂ.૨૧,૫૩,૩૫૦નો મુદ્દામાલ કબજે કરી લેવાયો છે.

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા દિવ્યમ્ પાર્કમાં રહેતા પ્રફુલ રમણીકભાઈ ચૌહાણ નામના આસામીના મકાનમાં ચોરી થઈ હતી. ત્યાંથી કોઈ તસ્કરો દરવાજાનો નકૂચો તોડી મકાનમાં ઘૂસ્યા પછી અંદરથી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ મળી કુલ રૂ.પ,૨૧, ૫૦૦ની મત્તાની ચોરી કરી ગયા હતા.

તે ઉપરાંત ઢીંચડા રોડ પર આવેલા સેનાનગરમાં વસવાટ કરતા રાકેશ રામાશંકર સિંઘ નામના આસામીના મકાનમાં પણ દરવાજો તોડી અંદરથી રૂ.૩૦,૫૦૦ની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરાઈ ગયા હતા. જ્યારે ગઈ તા.૨૪-૧૦-૨૦૨૪ની રાત્રે માયાબેન રામજીભાઈ ચંદ્રા નામના મહિલાના ઢીંચડા રોડ પર સેનાનગરમાં આવેલા અને બંધ રહેલા મકાનમાં પણ દરવાજો તોડી અંદરથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ.૩, ૯૨,૫૦૦ની ચોરી થઈ હતી.

ઉપરોક્ત ત્રણેય ફરિયાદ પોલીસમાં કરવામાં આવ્યા પછી જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ તેની તપાસમાં એલસીબીને જોડાવવા માટે સૂચના આપી હતી. તેથી એલસીબીની ટીમ પીઆઈ વી.એમ. લગારીયાના માર્ગદર્શન અને પીએસઆઈ સી.એમ. કાંટેલીયા, પી.એન. મોરીના વડપણ હેઠળ તપાસ કરી રહી હતી. જેમાં સ્થળ પરના કેટલાક સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવ્યા હતા. સ્ટાફના દિલીપભાઈ તલાવડીયા, હિતેન્દ્રસિંહ, કાસમભાઈ, મયુરસિંહને બાતમી મળી હતી કે, આ ચોરીમાં મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલમાં સેનાનગર માં રહેતા જ્ઞાનેન્દ્રસિંગ જગદીશસિંગ જાટની સંડોવણી છે. તે બાતમીના આધારે બાજરા સંશોધન કેન્દ્ર પાસે વોચમાં રહેલી એલસીબી ટીમે જ્ઞાનેન્દ્રસિંગને દબોચ્યો હતો.

આ શખ્સને એલસીબી કચેરીએ ખસેડી તલાશી લેવાતા તેની પાસેથી ૨૭ તોલા સોનાના દાગીના, ૧૨૦ ગ્રામ ચાંદીના દાગીના,એક મોબાઈલ તેમજ રૂ.૧૦૦૧૦૦ રોકડા મળી આવ્યા હતા. તે મુદ્દામાલ અંગે પૂછપરછ કરાતા આ શખ્સે ઉપરોક્ત ત્રણેય ચોરીની કબૂલાત આપી પોતાના સાગરિત મૂળ ઉત્તરપ્રદેશના અને હાલમાં ડીફેન્સ કોલોની નજીક બાલાજી પાર્ક-૧માં રહેતા સંદીપ મોતીલાલ રાઠોડ તથા અન્ય ચારના નામ ઓકી નાખ્યા છે. એલસીબીએ કુલ રૂ.૨૧,૫૩,૩૫૦નો મુદ્દામાલ કબજે લીધો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh