Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પતિવ્રતા સ્ત્રીમાં એક અલૌકીક શક્તિનો સંચાર થાય છે. આપણા ધર્મમાં પતિવ્રતાનો ખૂબ જ મહિમા ગવાયો છે. પૂર્વે આવી જ એક પતિવ્રતા સ્ત્રીએ પોતાના પતિવ્રત કર્મના પાલનની શક્તિ વડે એક તપસ્વી સાધુનું અભિમાન ઉતાર્યું હતું. કૌશીક નામનો એક સન્યાસી હતો. તે એક વડના ઝાડ તળે ઉગ્ર તપ કરતો હતો. તેનું આ તપ ચાલી રહ્યું હતું. તે દરમ્યાન તે વડના ઝાડ ઉપર એક પક્ષી બેઠું હતું તે ચરક્યું એટલે તેનું ચરક સીધું આ કૌશીક નામના તપસ્વી સન્યાસી ઉપર પડ્યું.
આમ, અચાનક જ પોતા ઉપર પક્ષીનું ચરક પડવાથી તે ગુસ્સે ભરાયો તેથી તેને ભયંકર ક્રોધ આવ્યો અને ક્રોધયુક્ત દ્રષ્ટી વડે તે પક્ષીને તેણે જોયું. તેથી તે પક્ષી બળીને ભષ્મ થઇ ગયું. આ ઘટના જોઇને તેને પોતાના તપનું અભિમાન ઉત્પન્ન થયું. ત્યાર પછી તે કૌશીક નામનો સન્યાસી પોતના એક ગામમાં ભીક્ષા માંગવા માટે ગયો. ફરતો ફરતો તે એક ઘર પાસે આવ્યો અને કહ્યું, "હે સંન્નારી, મને ભીક્ષા આપોને..." એટલે એ ઘરમાંથી ગૃહિણીએ જવાબ આપ્યો, "એ જરા ઊભા રહે જો...મહારાજ હું જરા વાસણ સાફ કરી રહી છું તે હાથ ધોઇ હમણા આવી..." આ પ્રમાણે જવાબ મળ્યો એટલે સંન્યાસી તેના દ્વાર પર ઊભો રહ્યો. તે દરમ્યાન એ ગૃહિણીનો પતિ ઘેર જમવા આવ્યો. એટલે ગૃહિણીએ તેને પગ ધોવા માટે પાણી આપ્યું પછી બેસવા માટે આસન આપ્યું અને પછી તેને જમવા માટે થાળી પીરસી તેમાં થોડો સમય વ્યતિત થઇ ગયો. ભૂખ્યો તરસ્યો એવો કૌશીક નામનો સંન્યાસી ગૃહિણી ન આવતા ખૂબ જ ક્રોધે ભરાયો અને ફરી એકવાર ભીક્ષા માંગવા માટે બૂમ પાડી, "ભીક્ષામ્ દેહિ.." ત્યારે તે પતિવ્રતા સ્ત્રીને યાદ આવ્યું કે બારણે સંન્યાસી પધાર્યા છે અને હું મારા પતિદેવની સેવામાં તેને સાવ વિસરી જ ગઇ એટલે તરત જ તે ભીક્ષામાં આપવાની વસ્તુઓ લઇને કૌશીક નામના એ સંન્યાસીને ભીક્ષા આપવા બારણે આવી. એટલે ગુસ્સે ભરાયા એવા એ કૌશીક મહાત્માએ ક્રોધયુક્ત નજર તે ગૃહિણી પર નાખી. ત્યારે તે ગૃહિણી બોલી ઉઠી કે, " હું કોઇ વનમાં વડ ઉપર બેઠેલું પક્ષી નથી કે તમે ક્રોધયુક્ત દ્રષ્ટિ મારા ઉપર ફેંકો એથી હું બળી જાઉં !! ' કહી અને મહાત્માજીને ભીક્ષા આપી. આ સાંભળીને મહાત્માજી ખળભળી ઉઠ્યા અને સાથે સાથે આશ્ચર્યમાં પડી ગયા કે, જંગલમાં બનેલી આ ઘટનાની ઘરમાં બેઠેલી આ ગૃહિણીને કેમ ખબર પડી ગઈ ? તેથી તેણે એ વિષે જાણવા માટે એને પૂછ્યું કે, "હે દેવી, જંગલમાં બનેલી એ ઘટનાની તમને અહીં બેઠા બેઠા કઇ રીતે ખબર પડી ગઇ ? તમે શું કોઇ એવી વિદ્યા જાણો છો ?" તમારે એ જાણવું હોય તો મિથિલા નગરીમાં જાવ ત્યાં ધર્મોવ્યાધ રહે છે તેની પાસે તમે જશો એટલે તમારા એ પ્રશ્નનો તમને જવાબ મળી જશે."
ગૃહિણીએ શાંતિથી જવાબ આપ્યો. તેનો જવાબ સાંભળીને મહાત્મા કૌશીક તો ત્યાંથી રવાના થયા. તેમણે મનોમન નક્કી જ કરી લીધું કે, આ ઘટનાનું રહસ્ય તો જાણવું જ છે ભલેને ગમે તે થાય. તે દિવસે પોતાનો ભોજન વગેરે પતાવી અને આરામ કર્યો. બીજે દિવસે મહાત્મા કૌશીક તો ધવ્યાઘને મળવા મિથિલા નગરી તરફ રવાના થયા. જ્યારે મિથિલા નગરી પહોંચ્યા ત્યારે ત્યાં તપાસ કરી કે, " ધર્માવ્યાઘ્ર ક્યાં મળશે ? " ત્યારે કોઇએ તેને બતાવ્યું કે, " એ તો તમને કસાઈ વાડામાં મળશે " એમ કહી કસાઇ વાડાનો માર્ગ બતાવ્યો . એટલે તે મહાત્મા કૌશીક બતાવ્યા પ્રમાણે કસાઇ વાડામાં પહોંચ્યા. ત્યાં તેમણે પૂછ્યું , " ધર્માવ્યાઘ્ર ક્યાં મળશે ? " તેથી કોઇએ તેને બતાવ્યું કે, " સામે જે માંસ વહેંચે છે અને જેની પાસે ભારે ઘરાકી જામી છે તે જ ધર્મવ્યાધ્ર છે " તેની પાસે ખૂબ જ ગીરદી હતી તે જોઇ અને મહાત્મા કૌશીક દૂર જઇને બેઠા. તેને થયું કે, ધર્ર્મવ્યાધ્ર ધંધામાંથી નિવૃત્ત થાય પછી તેને મળવું તે કંઇક વિચારમાં હતા ત્યાં જ અચાનક ધર્મોવ્યાધ્ર તેની પાસે આવ્યો અને તેને પગે લાગીને કહ્યું, " હે મહાત્માજી, તમે મને મળવા આવ્યા છો અને મને કામમાં થોડું મોડું થયું તે બદલ હું તમારી ક્ષમા માંગુ છું અને હું એ પણ જાણું છું કે, તમને પતિવ્રતા નારી શોભનાએ મોકલ્યા છે." ધર્મવ્યાધ્રની વાત સાંભળીને મહાત્મા કૌશીક ફરી એકવાર આશ્ચર્યમાં ઘરકાવ થઇ ગયા. પછી વધુમાં તે ધર્મવ્યાધ્રએ કહ્યું, "આ સ્થાન તમારા જેવા પવિત્ર જીવ માટે લાયક નથી. અહિં ચોતરફ વિવિધ પશુઓના માંસના ઢગલા પડ્યા છે માટે મારે તમને વહેલી તકે આ વાતાવરણથી દૂર લઇ જવા જોઇએ. હવે તમે ચાલો આપણે મારે ઘેર જઇએ પછી બાકી બધી વાતો કરશું."
એ પ્રમાણે વાત થતાં મહાત્મા કૌશીક ઊભા થયા અને બન્ને ચાલી રવાના થયા. જ્યારે ધર્માવ્યાઘને ઘેર પહોંચ્યા ત્યારે ધર્માવ્યાધ્રએ કહ્યું, " મહાર્ત્માનું , આપ થોડી વાર બેસો પહેલા હું મારા માતાપિતાની સેવા કરી લઉ ત્યાર બાદ તમારા પ્રશ્નનો ઉત્તર આપીશ. એમ કહી ધર્માવ્યાધ્ર પોતાના માતાપિતાની સેવામાં લાગી ગયો. વૃદ્ધ એવા એના માતાપિતા સતત ધર્માને આર્શિવચન કહી રહ્યાં હતા. ધર્માએ તેને આસન આપી બેસાડ્યા. પીવા પાણી આપ્યું અને ભોજન પીરસ્યું. જયારે તેના માતાપિતા બન્નેએ જમી લીધું એટલે તેમને પથારીમાં સુવડાવ્યા.
પછી તે મહાત્મા કૌશીક પાસે આવ્યો અને પોતાની વાત શરૂ કરતાં કહ્યું, "હે મહારાજ, આ જ આપ મારા મહેમાન થયા છો હવે તમને સૌ પ્રથમ પહેલી ગૃહિણી વિશે કહું તો એ સંન્નારીનું નામ શોભના છે. તે નિયમ મુજબ પોતાના પતિને દેવ માને છે અને બધા દેવોની પહેલા તે પોતાના પતિદેવની સેવા કરીને ગૃહસ્થીધર્મ બજાવી રહી છે. તેણે ક્રોધ અને મોહ જેવા શત્રુઓને જીત્યા છે. તે ધર્મપરાયણ, સંયમી, સાદું, સ્વાધ્યાયનિષ્ઠ અને પવિત્ર જીવન જીવે છે. અને પોતાના ધર્મને સારી રીતે સમજે છે.
આમ, ગૃહસ્થીજીવનની મર્યાદામાં રહી સત્યનિષ્ઠ એવી તે સતી સ્ત્રીના સતત્ત્વને કારણે અને તપોબળને લીધે તમે તેના ઉપર ક્રોધયુક્ત દ્રષ્ટિ કરી હોય તેને કશું જ ન થયું અને તેને તેના તપોબળના ફળ રૂપે ત્રિકાળનું જ્ઞાન પ્રાપ્ત થયું છે." કહેતા ધર્મવ્યાધ્રએ આગળ વધાર્યું, હવે હું તમને મારી વાત કરું. આમ તો, પોતાના વખાણ સ્વમુખે ન ગવાય પરંતુ આજે મારે તે કહેવાની ફરજ પડી છે તેથી કહી રહ્યો છું. "હે મહાત્મા, મને મારા માટે નિર્માણ થયું છે તે કસાઇ તરીકેનું કર્મ કરું છું અને બીજાઓએ મારેલા એવા પશુઓનું માંસ વહેંચું છું કે મારું કર્મ હોઇ મારે કરવું પડે છે. પરંતુ હું પોતે માંસ ખાતો નથી સૌ પ્રથમ મારા માતાપિતા કે અતિથિ હોય તો તેને જમાડી અને તેમાંથી વધેલું ભોજન જ જમું છું. કોઇની નિંદા હું કરતો નથી. ઋતુકાળે જ હું મારી સ્ત્રીનું ગમન કરું છું. દિવસે હું સદાને માટે ઉપવાસ રાખું છું અને એક સમયે એટલે કે, રાત્રે જ ભોજન કરું છું. અનીતિથી કોઇનું ધન લેતો નથી.
આમ, હું પણ એક નિષ્ઠ અને નિયમ મુજબનું જીવન જીવું છું તેના પરિણામ રૂપ મને ત્રણેકાળનું જ્ઞાન પ્રાપ્ત થયું છે. મારાથી તમને કંઇ વધુ કહેવાયું હોય તો ક્ષમા કરજો. પરંતુ તમે ભલે તપ ઘણું આકરું કર્યું છે પરંતુ એક માત્ર ક્રોધના કારણે તમારૃં તપોબળ નબળું પડી જાય છે. પરમકૃપાળુ પરમાત્માની આપણા ઉપર કૃપા થાય તો આપણે કોઇનું કલ્યાણ કરવું જોઇએ કોઇને નુક્સાન પહોંચાડવા કે બાળીને ભષ્મ કરવામાં આપણી શક્તિનો દૂરૂપયોગ કરવું એ પાપના પોટલા બાંધવા જેવું કર્મ છે. વળી, તમે તો પવિત્ર બ્રાહ્મણ છો તમારા જેવા બ્રહ્મદેવ તો સમાજનું કલ્યાણ ઇચ્છે અને કલ્યાણ કરે. બ્રાહ્મણ ક્યારેય સ્વમમાં પણ કોઇનું ખરાબ ન જ ઇચ્છે માટે વધુ તો કંઇ ન કહેતા હું અહિ અટકું છું. મને લાગે છે કે, તમને તમારા પ્રશ્નનો ઉત્તરમળી ગયો છે અને તમારી શંકાનું સમાધાન પણ થઇ ગયું છે. ત્યારે કૌશીક નામના મહાત્મા તે ધર્માવ્યાઘને નમી પડ્યા અને કહ્યુ, "ધન્ય છે, સતી નારી શોભનાને અને ધન્ય છે ધર્માવ્યાધ્ર એવા તમને કે જેમણે સંસારમાં રહી અને ગૃહસ્થાશ્રમની ફરજો બજાવી અને ત્રિકાળ જ્ઞાન પ્રાપ્ત કર્યું." ધર્માવ્યાઘ્રએ મહાત્મા કૌશીકને ઉદેશીને વધુમાં કહ્યું કે, "હે મહાત્મા હજુ મારે તમને એક વાત કહેવાની રહી જાય છે. જો તે હું તમને ન કહું તો હું મારું ધર્મ ચૂક્યો છું એમ ગણાશે. તમારા માતાપિતા જયારથી તમે વનમાં તપ કરવા ગયા છો ત્યારથી તે તમારા વિના ઝુરે છે. તે હાલમાં અત્યંત દુઃખી હાલતમાં છે તેમને જાત જાતના કષ્ટો છે. માટે તમારી સૌ પ્રથમ ફરજ એ બને છે કે, તમે ઘેર જાઓ અને દિનદુઃખીયા એવા તમારા માતાપિતાના તમે આધાર છો તેથી તમારી એક પુત્ર તરીકેની જે ફરજો બને છે તે ફરજો બજાવીને સંસારમાં ભગવદ્ સ્મરણ કરશો તો તમે કરેલું તપ દીપી ઉઠશે. " ધર્મવ્યાધ્રના આ વચનો સાંભળીને બ્રાહ્મણ પુત્ર એવા કૌશીકને સત્યનું જ્ઞાન થતાં હર્ષ પામ્યા અને પોતાને ઘેર જઇ અને માતાપિતાની સેવા કરી અને તેમનું ઋણ અદા કરવા તત્પર થયો.
:: આજનું ભજન ::
ભક્તોનો જીવનસાર; 'આશરો શ્યામ તણો'
એના જીવનનો આધાર, 'આશરો શ્યામ તણો'
સારું-ખોટું, સુખ-દુઃખમાં; 'આશરો શ્યામ તણો'
સૌ ખંખેરી ખસી જાતો... (૨)
કરતો ઉંચા હાથ, "આશરો શ્યામ તણો'
કેડ કસીને ભજન કરવું, એને દહાડો રાત રાત રે,
બાકીના જે કામ બધાયે.....(૨)
કરશે દિનાનાથ, 'આશરો શ્યામ તણો'
રહે સંસાર, સૌ સંગાથે તો યે પરનો પર રે,
આભ તૂટે, દાવાનળ સળગે...(૨)
દિલમાં નહિં છે ડર 'આશરો શ્યામ તણો'
'ભય' શબ્દ તો ભુંસાઇ જતો, એના 'શબ્દકોશ રે'
'પુનીત લ્લ ભક્તોના જીવનમાં...(૨)
સદાય છે સંતોષ, 'આશરો શ્યામ તણો'
સંકલન : શ્રીમતી રમણતારા કે. વ્યાસ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial