Advertisement
Author: નોબત સમાચાર

કંપનીનો પડદો ઉઘાડીએ ત્યારેઃ ડિરેક્ટર ક્યારે બને છે આરોપી ?

                                                                                                                                                                                                      

કંપની એક કૃત્રિમ વ્યક્તિ છે. તે જન્મતી નથી, મરતી નથી, બોલતી નથી અને ચાલતી પણ નથી. છતાં તે કરોડો રૂપિયાના વ્યવહારો કરે છે, કરારો કરે છે, ચેક આપે છે, લોન લે છે અને વેપાર ચલાવે છે. ત્યારે એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે કે જો કંપની કોઈ કાયદાકીય ભૂલ કરે, કોઈ ગુનો આચરે અથવા કોઈ ચેક બાઉન્સ થાય તો જવાબદાર કોણ ગણાય? કંપની કે પછી તેના ડિરેક્ટરો?

આ પ્રશ્નનો જવાબ માત્ર વ્યાપારજગત માટે જ નહીં પરંતુ સામાન્ય રોકાણકારો, વેપારીઓ અને કંપનીઓમાં ડિરેક્ટર તરીકે નામ ધરાવતા લોકો માટે પણ અત્યંત મહત્વનો છે.

સામાન્ય ફોજદારી કાયદાનો સિદ્ધાંત એવો છે કે કોઈ વ્યક્તિએ પોતે ગુનો કર્યો હોય તો જ તેને સજા થઈ શકે. એક વ્યક્તિએ કરેલા ગુનાની સજા બીજી વ્યક્તિને આપી શકાય નહીં. પરંતુ કંપનીના સંચાલનના ક્ષેત્રમાં કાયદાએ એક વિશેષ સિદ્ધાંત વિકસાવ્યો છે જેને વિકેરિયસ જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે.

વિકેરિયસ જવાબદારીનો અર્થ એ છે કે કેટલીક પરિસ્થિતિઓમાં કોઈ વ્યક્તિએ પોતે સીધો ગુનો કર્યો ન હોય છતાં તે પોતાના હોદ્દા, જવાબદારી અથવા નિયંત્રણના કારણે જવાબદાર ઠરી શકે છે.

આ સિદ્ધાંતનો સૌથી વધુ ઉપયોગ ચેક બાઉન્સના કેસોમાં જોવા મળે છે. પરક્રામ્ય લેખ અધિનિયમની કલમ ૧૪૧ અનુસાર જો કોઈ કંપની દ્વારા આપવામાં આવેલ ચેક અનાદર પામે તો માત્ર કંપની જ નહીં પરંતુ કંપનીના વ્યવહારોના સંચાલન માટે જવાબદાર અને નિયંત્રણ ધરાવતા વ્યક્તિઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે.

પરંતુ અહીં એક ખૂબ જ મહત્વની બાબત સમજવાની છે. માત્ર કોઈ વ્યક્તિ ડિરેક્ટર છે એટલા માટે તે આપમેળે આરોપી બની જતો નથી. કાયદો અને અદાલતો બંને સતત કહેતા આવ્યા છે કે દરેક ડિરેક્ટરને એકસરખી રીતે જવાબદાર ઠેરવી શકાય નહીં.

આ બાબતે દેશની સર્વોચ્ચ અદાલતે પણ અનેક મહત્વપૂર્ણ ચુકાદાઓ આપ્યા છે. અદાલતે સતત એ સિદ્ધાંત સ્થાપિત કર્યો છે કે કોઈ વ્યક્તિ માત્ર ડિરેક્ટર હોવાનું પૂરતું નથી; ફરિયાદમાં સ્પષ્ટપણે દર્શાવવું જરૂરી છે કે તે વ્યક્તિ કંપનીના દૈનિક કારોબારના સંચાલન અને નિર્ણય પ્રક્રિયામાં સક્રિયપણે સંકળાયેલી હતી.

'એસ.એમ.એસ. ફાર્માસ્યુટિકલ્સ વિરૂદ્ધ નીતા ભલ્લા'ના ઐતિહાસિક ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે ચેક અનાદરના કેસમાં ડિરેક્ટરને આરોપી બનાવવા માટે માત્ર હોદ્દાનો ઉલ્લેખ પૂરતો નથી. ફરિયાદમાં ચોક્કસ આક્ષેપ હોવો જોઈએ કે સંબંધિત વ્યક્તિ કંપનીના વ્યવસાયના સંચાલન અને નિયંત્રણ માટે જવાબદાર હતી.

ત્યારબાદ 'નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન વિરુદ્ધ હરમીત સિંહ પેન્ટલ'ના ચુકાદામાં પણ અદાલતે જણાવ્યું હતું કે દરેક ડિરેક્ટર સામે યાંત્રિક રીતે કાર્યવાહી કરી શકાય નહીં. કાયદો વાસ્તવિક જવાબદારી અને નિયંત્રણની તપાસ કરે છે, માત્ર પદનામની નહીં. તેથી બિન-કારોબારી અથવા નામમાત્ર ડિરેક્ટરને માત્ર હોદ્દાના આધારે ફોજદારી કાર્યવાહીમાં સામેલ કરવો યોગ્ય નથી.

તાજેતરના વર્ષોમાં પણ સર્વોચ્ચ અદાલતે વારંવાર ભાર મૂક્યો છે કે ફોજદારી જવાબદારી એક ગંભીર બાબત છે અને કોઈપણ વ્યક્તિને માત્ર અનુમાનના આધારે આરોપી બનાવી શકાય નહીં. ફરિયાદમાં જરૂરી તથ્યો, જવાબદારી અને સંડોવણીનું સ્પષ્ટ વર્ણન હોવું આવશ્યક છે. આ અભિગમ વ્યવસાયની સ્વતંત્રતા અને વ્યક્તિગત ન્યાય વચ્ચેનું સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

ઘણી વખત એવું બનતું હોય છે કે પરિવારના સભ્યો, વરિષ્ઠ નાગરિકો, ગૃહિણીઓ અથવા રોકાણકારોને માત્ર ઔપચારિક રીતે ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવે છે. તેઓ કંપનીના રોજિંદા વ્યવહારોમાં ભાગ લેતા નથી. આવા લોકોને માત્ર હોદ્દાના આધારે ફોજદારી કાર્યવાહીમાં ઘસેડી શકાય નહીં.

સર્વોચ્ચ અદાલતે અનેક ચુકાદાઓમાં સ્પષ્ટ કર્યું છે કે ફરિયાદમાં ચોક્કસ આક્ષેપ હોવો જરૂરી છે કે સંબંધિત ડિરેક્ટર કંપનીના રોજિંદા કારોબારનું સંચાલન કરતા હતા અને સંબંધિત વ્યવહાર અંગે જવાબદારી ધરાવતા હતા. માત્ર તેઓ ડિરેક્ટર છે એવું લખી દેવું પૂરતું નથી.

તે જ રીતે સ્વતંત્ર ડિરેક્ટર, બિન-કારોબારી ડિરેક્ટર અથવા માત્ર સલાહકાર ભૂમિકા ધરાવતા વ્યક્તિઓની જવાબદારીનું મૂલ્યાંકન અલગ રીતે કરવામાં આવે છે. અદાલતો એ પણ તપાસે છે કે સંબંધિત વ્યક્તિ પાસે વાસ્તવિક નિયંત્રણ હતું કે નહીં, નિર્ણય લેવાની સત્તા હતી કે નહીં અને વિવાદિત વ્યવહાર સાથે તેમનો સીધો સંબંધ હતો કે નહીં.

આ સિદ્ધાંત માત્ર ચેક બાઉન્સ પૂરતો મર્યાદિત નથી. કંપની કાયદો, પર્યાવરણ સંબંધિત કાયદા, કરવેરા સંબંધિત કાયદા અને અન્ય કેટલાક વિશેષ કાયદાઓમાં પણ કંપનીના સંચાલન માટે જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી થઈ શકે છે. જોકે દરેક કેસમાં જવાબદારીની હદ અલગ અલગ હોય છે.

આજના સમયમાં ઘણી વખત લોકો મિત્રતા, સંબંધો અથવા પ્રતિષ્ઠાના કારણે કોઈ કંપનીમાં ડિરેક્ટર બનવા માટે તૈયાર થઈ જાય છે. પરંતુ ડિરેક્ટરનું પદ માત્ર સન્માનનું પદ નથી; તે જવાબદારીનું પદ પણ છે. કંપનીના નિર્ણયો, નાણાકીય વ્યવહારો, નિયમનકારી પાલન અને કાયદાકીય જવાબદારીઓ અંગે જાગૃત રહેવું દરેક ડિરેક્ટરની ફરજ છે.

કંપનીના પડદા પાછળ છુપાઈને કોઈ વ્યક્તિ જવાબદારીમાંથી બચી શકે નહીં, પરંતુ બીજી તરફ માત્ર ડિરેક્ટરનો હોદ્દો ધરાવતા નિર્દોષ વ્યક્તિને પણ કાયદો સજા આપતો નથી. અદાલતો હંમેશાં વાસ્તવિક નિયંત્રણ, સંડોવણી અને જવાબદારીની કસોટી પર જ નિર્ણય લે છે.

અંતે એક વાત યાદ રાખવી જોઈએ કે કંપનીનું નામ ભલે અલગ હોય, પરંતુ કંપનીને ચલાવતા લોકો જ તેની આત્મા છે. જ્યાં નિર્ણય લેવાની સત્તા છે ત્યાં જવાબદારી પણ છે. અને જ્યાં જવાબદારી છે ત્યાં કાયદાની નજર પણ છે. તેથી ડિરેક્ટર બનતા પહેલાં હોદ્દાની ચમક નહીં, પરંતુ તેની સાથે જોડાયેલી કાયદાકીય જવાબદારીને સમજવી વધુ જરૂરી છે.

ધ્વનિ લાખાણી, એડવોકેટ, ગુજ. હાઈકોર્ટ

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh