Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાજપને ૧૧ સમિતિઓનું સુકાન સોંપાયું: અનેક વિપક્ષી નેતાઓને પણ મળ્યું મહત્ત્વપૂર્ણ સ્થાનઃ
નવી દિલ્હી તા. ર૭: સંસદની ર૪ સ્થાયી સમિતિઓની રચના થઈ છે, જેમાંથી ૧૧ સમિતિઓમાં ભાજપને નેતૃત્વ સોંપાયું છે. અનેક વિપક્ષી નેતાઓને મહત્ત્વપૂર્ણ સમિતિઓમાં સમાવાયા છે. રાહુલ ગાંધીને સંરક્ષણ બાબતોની સંસદીય સમિતિમાં સ્થાન મળ્યું છે.
સંસદની સ્થાયી સમિતિઓની રચના જાહેર કરવામાં આવી છે. ગુરુવારે જાહેર કરાયેલી ર૪ સંસદીય સ્થાયી સમિતિમાંથી ૧૧ ની કમાન ભાજપ પાસે રહેશે. નવ સમિતિઓની આગેવાની વિપક્ષી પાર્ટીઓ અને ચાર એનડીએ સાથી પક્ષો દ્વારા કરવામાં આવશે. કોંગ્રેસને ચાર સમિતિઓની અધ્યક્ષતા મળી છે, જ્યારે ડીએમકે અને મમતાની ટીએમસીને બે-બે સમિતિની કમાન અને સમાજવાદી પાર્ટીને એક સમિતિની કમાન મળી છે.
સંસદની સ્થાયી સમિતિઓમાં એનડીએના સાથે પક્ષો- જેડીયુ, ટીડીપી, એનસીપી અને શિવસેનાને એક-એક સમિતિની અધ્યક્ષતા આપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ ભર્તુહરિ મહતાબને નાણા પરની સ્થાયી સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જ્યારે કોંગ્રેસના શશિ થરૂરને વિદેશ બાબતોની સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તમામ પક્ષોના પ્રતિનિધિત્વ સાથે વિભાગ-સંબંધિત સ્થાયી સમિતિઓ મિનિ-પાર્લામેન્ટ તરીકે કામ કરે છે અને વિવિધ મંત્રાલયોની કામગીરી પર દેખરેખ રાખે છે.
રાજ્યસભા સચિવાલયે સમિતિઓ અંગેની સૂચના જાહેર કરતા એક પ્રકાશન બહાર પાડ્યું હતું. સંરક્ષણ પરની સંસદીય સ્થાયી સમિતિની અધ્યક્ષતા ભૂતપૂર્વ કેન્દ્રિય પ્રધાન રાધા મોહનસિંહ કરશે, જ્યારે ગૃહ બાબતોની સમિતિની અધ્યક્ષતા ભાજપના સભ્ય રાધા મોહનદાસ અગ્રવાલ કરશે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સંરક્ષણ પરની સંસદીય સ્થાયી સમિતિના સભ્ય બનાવ્યા છે. આ સમિતિ હથિયારોની ખરીદી પર નજર રાખતી હોવાથી મહત્ત્વપૂર્ણ ગણાય છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીનું નામ કોઈપણ સમિતિમાં નથી.
તેલુગુ દેશમ્ પાર્ટી અને જનતા દળ (યુનાઈટેડ) જેવા ભાજપના મુખ્ય સહયોગી ઉપરાંત તેના મહારાષ્ટ્ર સાથી શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી દરેક એક સમિતિનું નેતૃત્વ કરશે. એનસીપીના એકમાત્ર લોકસભા સભ્ય સુનિલ તટકરે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પરની સમિતિનું નેતૃત્વ કરશે. જ્યારે શિવસેનાના શ્રીરંગ અપ્પા બારણે ઊર્જા પરની સંસદીય સમિતિના વડા હશે. જેડીયુના સંજય ઝા પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ પરની સમિતિની અધ્યક્ષતા કરશે. જ્યારે તેલુગુ દેશમ્ પાર્ટીના મગુન્તા શ્રીનિવાસુલુ રેડ્ડી આવાસ અને શહેરી બાબતોની સમિતિની અધયક્ષતા કરશે.
કંગના રનૌત અને યુસુફ પઠાણને પણ સભ્ય બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસના સભ્યો ચરણજીતસિંહ ચન્ની અને સપ્તગીરી ઉલાકાને અનુક્રમે કૃષિ, પશુપાલન અને ખાદ્ય પ્રક્રિયા અને ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ સમિતિઓના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. દ્રવિડ મુનેત્ર કઝગમના તિરૂચી સિવા અને કનિમોઝી અનુક્રમે ઉદ્યોગ અને ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ પર સંસદીય સમિતિઓની, તૃણમુલ કોંગ્રેસના સાંસદોની આગેવાની હેઠળની બે સમિતિઓ અને સમાજવાદી પાર્ટીના સાંસદોની આગેવાની હેઠળની એક સંસદીય સ્થાયી સમિતિ હશે. ભૂતપૂર્વ કેન્દ્રિય પ્રધાનો અનુરાગ ઠાકુર અને રાજીવ પ્રતાપ રૂડીને અનુક્રમે કોલસા, ખાણ અને સ્ટીલ અને જળ સંસાધન સમિતિની અધ્યક્ષતા આપવામાં આવી છે.
બીજેપીના સભ્ય નિશિકાંત દુબેને કોમ્યુનિકેશન્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી પરની સંસદીય સ્ટેન્ડીંગ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આરોગ્ય પરની સમિતિનું નેતૃત્વ એસપી નેતા રામ ગોપાલ યાદવ કરશે, જ્યારે તૃણમુલ કોંગ્રેસના સભ્યો ડોલા સેન અને કીર્તિ આઝાદ અનુક્રમે વાણિજ્ય અને રસાયણો અને ખાતરો પરની સમિતિના વડા હશે. કર્મચારી, જાહેર ફરિયાદ, કાયદો અને ન્યાય સંબંધિત સમિતિનું નેતૃત્વ ભાજપના બ્રિજલાલ કરશે. ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ મનન મિશ્રા આ સમિતિના સભ્યો છે. ભાજપના સભ્યો ભૂવનેશ્વર કલિતા અને બસવરાજ બોમાઈ અનુક્રમે વિજ્ઞાન અને ટકનોલોજી, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન અને શ્રમ પરની સમિતિઓની અધ્યક્ષતા કરશે.
સામાજિક ન્યાય અને સશક્તિકરણ પરની સમિતિનું નેતૃત્વ ભાજપના પીસી મોહન કરશે. જ્યારે રેલવે પરની સમિતિનું નેતૃત્વ સીએમ રમેશ કરશે.
ભાજપના સાંસદ અને પૂર્વ કેન્દ્રિય મંત્રી રાધા મોહન સિંહને સંરક્ષણ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌત અને રામાયણમાં રામનું પાત્ર ભજવનાર અભિનેતા અને ભાજપના સાંસદ અરૂણ ગોવિલને પણ અન્ય સમિતિઓમાં સ્થાન મળ્યું છે. ખાસ વાત એ છે કે વિપક્ષી નેતાઓમાં સપાના રામ ગોપાલ યાદવ અને કોંગ્રેસના શશિ થરૂરને બે મહત્ત્વની સમિતિઓના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પૂર્વ વિદેશ સચિવ અને વિદેશ રાજ્ય મંત્રી શશિ થરૂરને ફરી એકવાર વિદેશ બાબતોની સંસદીય સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ સમિતિમાં અરૂણ ગોવિલ સભ્યની ભૂમિકામાં રહેશે. કંગના રનૌતને કોમ્યુનિકેશન અને આઈટી કમિટીના સભ્ય બનાવવામાં આવ્યા છે. જેના અધ્યક્ષ ભાજપના સાંસદ નિશિકાંત દુબે હશે.
સપાના નેતા અને અખિલેશ યાદવના કાકા રામ ગોપાલ યાદવને સ્વાસ્થ્ય બાબતોની સંસદીય સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ભાજપના સાંસદ ભાર્તુહરી મહતાબને નાણા પરની સંસદીય સમિતિની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ગૃહ બાબતોની સંસદીય સમિતિની કમાન ભાજપના નેતા રાધા મોહન દાસને આપવામાં આવી છે. કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહના ખભા પર શિક્ષણ, યુવા અને રમતગમત બાબતોની સમિતિની જવાબદારી સોંપવામાં આવી છે. આ પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સમિતિ છે. બીજેપી નેતા બીએલ રમેશને રેલવે અફેર્સ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial