Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદમાં અંધારપટ જેવા માહોલ વચ્ચે મેઘાની સટાસટીઃ રાજ્યના ર૧ર તાલુકામાં મેઘવૃષ્ટિ
અમદાવાદ તા. ર૭: છેલ્લા ર૪ કલાકમાં ર૧ર તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં વ્યારામાં સૌથી વધુ ૮.૩ ઈંચ વરસાદ થયો છે અને હવામાન ખાતાએ ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું છે.
ગુજરાતમાં ચોમાસું વિદાય લે તે પહેલા કેટલાક વિસ્તારોમાં ફરીથી ભારે વરસાદની સ્થિતિ જોવા મળી છે. ત્યારે રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં રાજ્યના ર૧ર તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના વ્યારામાં સવાઆઠ ઈંચ વરસાદ ખાબક્યો છે. સોનગમા ૬.રપ છ ઈંચ, જૂનાગઢના વિસાવદરમાં ૬ ઈંચ અને ભાવનગરના ઘોઘામાં પણ ૬ ઈંચ વરસાદ નોંધાયો છે. નવરાત્રિ પૂર્વે જ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસતા ગરબા આયોજકો અને ખેલૈયાઓની ચિંતા વધી છે.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર મધ્ય મહારાષ્ટ્ર તરફ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાત તરફ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આગામી ત્રણ દિવસ ગુજરાતના અનેક જિલ્લામાં ભારે મેઘમહેર થવાની શક્યતા છે. આ સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, અમરેલીની સાથે જ દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, વલસાડ જિલ્લો તથા દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ અનુસાર આજે (ર૭ સપ્ટેમ્બર) રાજ્યના ૪ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે. આ જિલ્લાઓ જેવા કે વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે વહેલી સવારથી જ અમદાવાદ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને અંધારપટ જેવા માહોલ વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ જામ્યો છે. શહેરના આંબાવાડી, વસ્ત્રાપુર, સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. શ્યામલ, જોધપુર વિસ્તારમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે. શહેરના એસજી હાઈવે, સરખેજ, શિવરંજની, નવા વાડજ અને ચાંદલોડિયા તેમજ બોપલ વિસ્તારમાં પણ વહેલી સવારથી વરસાદી રમઝટ જામી છે.
તાજેતરની લેટેસ્ટ માહિતી અનુસાર એસ.જી. હાઈવેના મોટાભાગના વિસ્તારો, જુહાપુરા, સરખેજ, વેજલપુર, મકરબા, વટવા, નારોલ, મણિનગર, પાલડી સહિતના અનેક વિસ્તારો એવા છે જ્યાં વહેલી સવારથી મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી છે. ભારે વરસાદને પગલે ઓફિસે જનારા લોકોએ પણ તકલીફ વેઠવી પડી રહી છે.
શહેરમાં સવારથી ૧૧ વાગ્યા સુધીમાં અડધા ઈંચથી વધુનો વરસાદ વરસી ચૂક્યો છે. શહેરના સરખેજ, જુહાપુરા, વેજલપુર, પ્રહ્લાદનગર, એસજી હાઈવે, વાસણા, પાલડી, મકરબા સહિતના વિસ્તારોામાં એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે તેમજ આશ્રમ રોડ, જોધપુર, શ્યામલ, આનંદનગર, શિવરંજીની, મકતમપુરા, જમાલપુર, લાલદરવાજા, આસ્ટોડિયા, ગીતામંદિર, મણિનગર, કાંકરિયા સહિતના વિસ્તારોમાં અડધો ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.
નવરાત્રિની મજા બગાડશે વરસાદ ?
ગરબાના મેદાન પાણીમાં થયા ગરકાવઃ વરસાદની આગાહીથી ખેલૈયાઓ ચિંતામાં
નવલી નવરાત્રિના આડે હવે એક અઠવાડિયા કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે. નવરાત્રિના પહેલા ત્રણ નોરતામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેલૈયાઓ અને આયોજકોના રંગમાં ભંગ પડે તેવી શક્યતા છે. વરસાદના કારણે ગરબા આયોજકોને ભારે નુક્સાનનો પણ સામનો કરવો પડી શકે છે. સામાન્ય રીતે ભાદરવા સાથે જ ચોમાસું વિદાય લઈ લેતું હોય છે, પરંતુ આ વખતે પ ઓક્ટોબર પછી નૈઋત્યનું ચોમાસું વિદાય લેશે. વિદાય પહેલા પણ મેઘરાજા હજુ એક વાર ધમાકેદાર બેટીંગ કરે તેવી સંભાવના છે. હવામાન નિષ્ણાતોના મતે આગામી ૩ થી પ ઓક્ટોબર દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial