Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રિ૫ાંખિયો જંગ, નેતૃત્વમાં ખામી, ભ્રષ્ટાચારના આક્ષેપો, આંતરિક ખેંચતાણ, અતિ આત્મવિશ્વાસ
નવી દિલ્હી તા. ૮: દિલ્હીમાં આમ આદમી પાર્ટીના રકાસના મુખ્ય મુખ્ય કારણો ચર્ચાઈ રહ્યા છે, અને કેજરીવાલને પોતાનો જ અતિ આત્મવિશ્વાસ (કે ઘમંડ) નડી ગયો હોય, તેમ જણાય છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ર૭ વર્ષ પછી ભાજપની દિલ્હીમાં સરકાર બનવા જઈ રહી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના ગત્ ચૂંટણી કરતા ખરાબ દેખાવને લઈને ચર્ચા થઈ રહી છે. ર૦૧પ માં આમ આદમી પાર્ટીએ ૬૭ બેઠકો જીતી હતી, પરંતુ ર૦ર૦ માં આ સંખ્યા ઘટીને ૬ર થઈ ગઈ છે. બીજી બાજુ ભાજપે ર૦૧પ માં ૩ બેઠક જીતી હતી જે ર૦ર૦ માં વધીને ૮ થઈ ગઈ. આ વખતે ભાજપે બુહમતનો આંકડો પણ પાર કરી લીધો છે, જો કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ખરાબ દેખાવ પાછળ ઘણાં મુખ્ય કારણો જવાબદાર રહ્યા છે.
મુખ્ય કારણો જોઈએ તો પાર્ટીના ટોચના નેતાઓ, ખાસ કરીને અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અને તેમની ધરપકડે પાર્ટીની છબિને ગંભીર નુક્સાન પહોંચાડ્યું છે. આ કાયદાકીય વિવાદોએ આમ આદમી પાર્ટીની ભ્રષ્ટાચાર વિરોધી છબિને કમજોર કરી દીધી. આ સિવાય તેણે પોતાના વચનો પણ પૂરા ન કર્યા. કેજરીવાલે યમુના નદીને સાફ કરવા, દિલ્હીના રસ્તાને પેરિસ જેવા બનાવવા અને શુદ્ધ પાણી પહોંચાડવા જેવા ત્રણ મુખ્ય વચન આપ્યા હતાં, જે પૂરા ન થયા.
કેજરીવાલની ધરપકડ અને બાદમાં રાજીનામાના કારણે પાર્ટીના નેતૃત્વમાં અસ્થિરતા આવી. નવા મુખ્યમંત્રીના રૂપે આતિશીની નિયુક્તિ છતા નેતૃત્વમાં આ બદલાવ પાર્ટી માટે ચેલેન્જ રહ્યો. સૌથી મોટી વાત એ રહી કે અરવિંદ કેજરીવાલની વિશ્વસનિયતામાં ખૂબ જ ઘટાડો થયો.
દિલ્હીમાં ત્રિપાંખિયો જંગ થયો અને કોંગ્રેસ કદાચ એક બેઠક પણ માંડ જીતી શકે તેમ હોવા છતાં તેણે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના વોટ કાપવાનું કામ કર્યું છે. જેમ આમ આદમી પાર્ટીએ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે કર્યું હતું. ર૦૧૩ પછી કોંગ્રેસની વોટ બેંક આમ આદમી પાર્ટી પાસે જતી રહી. તેથી કોંગ્રેસની વાપસી 'આપ'ને નુક્સાન કરી રહ્યું છે. સાથે જ ર૦ર૪ લોકસભા ચૂંટણીમાં દિલ્હીની સાતેય બેઠક પર હાર અને પંજાબમાં ફક્ત ત્રણ બેઠકો પર જીતી પાર્ટીના જનાધારમાં ઘટાડો બતાવ્યો. જેનાથી મતદારોનો વિશ્વાસ ઓછો થયો.
પાર્ટીની અંદર આંતરિક વિખવાદ અને પ્રમુખ નેતાઓના રાજીનામા જેમ કે, કૈલાશ ગહેલોત અને રાજ કુમાર આનંદનું પાર્ટી છોડીને જવું સંગઠનાત્મક કમજોરી ઉજાગર કરે છે.
વિપક્ષી પાર્ટીએ આમ આદમી પાર્ટી પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોનો ઉપયોગ કરીને તેમની વિશ્વસનિયતા પર પ્રશ્ન ઊભા કર્યા, જેનાથી પાર્ટીની છબિને નુક્સાન પહોંચ્યું. મહિલાઓ અને નવા મતદારો આમ આદમી પાર્ટીને તરફ ન વળ્યા અને આપ સાઈડલાઈન થઈ ગઈ.
તે ઉપરાંત કેજરીવાલનો પોતાનો અતિ આત્મવિશ્વાસ કહો કે ઘમંડ કહો કે પછી ધૂર્ત નીતિ-રીતિ અને બોલીને ફરી જવાની મનોવૃત્તિ કહો, એ કારણે પણ 'આપ'ના સૂપડાસા સાફ થઈ ગયા હોવાના તારણો નીકળે છે.
તે ઉપરાંત દિલ્હીમાં બીજેપીએ માઈક્રો મેનેજમેન્ટથી કામ કર્યું છે. યુપી અને બિહારના મતદારોને રીઝવવાની ખાસ રણનીતિના ભાગરૂપે પાર્ટીએ યુપી અને બિહારના ૧૦૦ થી વધુ સાંસદો અને ધારાસભ્યોને ૩૦ બેઠકોની જવાબદારી સોંપી હતી. અહીં પૂર્વાચલના દરેક મતદાતાની ઘેર ઘેર મુલાકાત લેવામાં આવી અને આપ સરકારની નિષ્ફળતા વિશે જણાવવામાં આવ્યું. બીજેપીના માઈક્રો મેનેજમેન્ટને કારણે જ પાર્ટીને ર૭ વર્ષ પછી મોટી જીત મળી છે.
આપના પાર્ટીના ટોચના નેતાઓ ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં હતાં. આ ઉપરાંત મોટાભાગના ધારાસભ્યો સામે સામાન્ય જનતામાં રોષ જોવા મળ્યો હતો. ઘણાં ધારાસભ્યો એવા હતા જેઓ પોતાના વિસ્તારના લોકોની વચ્ચે ગયા ન હતાં. ગંદા પાણી, તૂટેલા રસ્તા જેવા ઘણાં પ્રશ્નો હતાં. એવામાં ભાજપે આ બાબતે ધ્યાન આપીને માઈક્રો મેનેજમેન્ટથી કામ કર્યું. ભાજપે મતદાતાઓની મુલાકાત લઈને તેમને આપ સરકારની નિષ્ફતળા વિશે જણાવ્યું.
દિલ્હીમાં આપ સરકારની નવી લિકર પોલિસી પણ પાર્ટીની હારનું મુખ્ય કારણ બની. ભાજપે દિલ્હીની લિકર પોલિસીમાં કૌભાંડને મોટો મુદ્દો બનાવ્યો. ભાજપે પ્રશ્ન કર્યો કે જે પાર્ટી ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ઊભી હતી તેનું નેતૃત્વ કેવી રીતે જેલમાં ગયું? મનિષ સિસોદિયા, અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ જેવા મોટા નેતાઓ લિકર પોલિસીના કારણે જેલમાં રહ્યા. ભાજપે ચૂંટણી પ્રચાર દરમિયાન આનો વારંવાર ઉલ્લેખ કર્યો હતો.
ભાજપ કોઈપણ ચૂંટણી તેની પૂરી તાકાતથી લડે છે. દિલ્હીની ચૂંટણી માટે ભાજપે તમામ ૭૦ વિધાનસભા બેઠકોની જવાબદારી સાંસદો અને ધારાસભ્યોને સોંપી હતી. આ સિવાય યુપી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આસામ, ઉત્તરાખંડ, હરિયાણાના સીએમ પણ ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા હતાં. કેન્દ્રિય નેતૃત્વમાંથી પીએમ મોદી, અમિત શાહ, જે.પી. નડ્ડા, રાજનાથસિંહ એક ડઝનથી વધુ બેઠકો કરી અને ભાજપની તરફેણમાં વાતાવરણ કર્યું. જેનો ફાયદો આજે પાર્ટીને મળ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial