Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કડક પોલીસ બંદોબસ્તઃ એક હજાર જેટલા સુરક્ષાકર્મી તૈનાતઃ સુદર્શન સેતુનો માર્ગ બંધઃ દરિયામાં સતત પેટ્રોલીંગઃ 'તીસરી આંખ'ની બાજ નજર
જામનગર તા. ૧૧: દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ બેટદ્વારકામાં આજે સવારથી મેગા-ડીમોલીશન ચાલી રહ્યું છે. અને કાચા-પાકા મકાનો સહિતના દબાણો હટાવીને બે-ત્રણ કિલોમીટર જેટલી વિશાળ જમીન ખુલ્લી કરાવાશે. ચૂસ્ત બંદોબસ્ત હેઠળ ચાલી રહેલા આ ઓપરેશન માટે સુદર્શન બ્રીજ કામચલાઉ ધોરણે બંધ કરાવાયું હતું. બેટદ્વારકામાં દર્શન-પૂજા તથા સ્થાનિક દર્શન યથાવત છે. આ પછી દ્વારકાના રૂપેણબંદર તથા આવડપરામાં પણ દબાણો હટાવાશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકામાં આજે સવારથી ગેરકાયદે ખડકાયેલા કાચા-પાકા બાંધકામો, કોમર્શીયલ બાંધકામોના દબાણોને હટાવવા પોલીસના જંગી કાફલાના ચૂસ્ત બંદોબસ્ત સાથે મેગા-ડીમોલીશન શરૂ કરવામાં આવ્યું છે.
બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર, નગરપાલિકા, રેવન્યુ વિભાગ, ફાયર વિભાગ, વિજતંત્ર સહિતના વિભાગોના અધિકારીઓ અને સ્ટાફ સાથે આ ઓપરેશન હાથ ધરાયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસ.પી. નિતેશ પાંડે તથા પ્રાંત અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ અને તેમની હાજરીમાં આ મેગા ડીમોલીશન શરૂ કરવામાં આવ્યું છે.
બેટ દ્વારકા જવા માટે સુદર્શન સેતુનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. ટ્રાવેલ્સવાળાઓને બહારના પ્રવાસીઓને નહીં લઈ આવવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. બેટ દ્વારકાના મંદિરોમાં દર્શન-પૂજાનો નિત્યક્રમ યથાવત રહેશે, પણ તેમાં માત્ર બેટ દ્વારકાના સ્થાનિક ભાવિકોને જ મંજૂરી આપવામાં આવી છે.
આ મેગા ડીમોલીશનની કામગીરી ચાર-પાંચ દિવસ ચાલશે અને તે દરમીયાન બેટ દ્વારકામાં બહારના લોકો માટે પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી છે.
જેસીબી, બુલડોઝર, ડમ્પરો, ટ્રેકટરો જેવા યંત્ર સાધનો સાથે મોટી સંખ્યામાં કામદારો દબાણ હટાવવાની કામગીરીમાં જોડાયા છે. વાતાવરણ તંગ બને નહીં, અફવા ફેલાય નહી અને મેગા ડીમોલીશન શાંતિથી પૂર્ણ થાય તે માટે પોલીસ અધિકારીઓ સહિતના એકાદ હજાર પોલીસનો કાફલો ખડે પગે તૈનાત કરી દેવાયો છે. આ ઉપરાંત બેટ દ્વારકાના દરિયામાં કોસ્ટગાર્ડ તથા સુરક્ષાદળ દ્વારા પેટ્રોલીંગ સતત ચાલુ રાખવામાં આવ્યું છે.
બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં આ દબાણ હટાવી કામગીરીથી બે-ત્રણ કિલોમીટર જેટલી વિશાળ જમીનો ખુલ્લી કરવામાં આવશે.
બેટ દ્વારકામાં દર વરસે મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે ત્યારે તેમની સુવિધાઓમાં વધારો કરવા, પાર્કિંગની જગ્યા ઉપલબ્ધ કરવા તેમજ માર્ગો પહોળા કરવા સહિતના વિકાસ કામો આ દબાણો દૂર થવાથી ઝડપથી શકય બનશે.
ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રસિદ્ધ યાત્રાધામો દ્વારકા તેમજ બેટ-દ્વારકાના વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ત્યારે આ યાત્રાધામોનો પ્રવાસન સ્થળો તરીકે પણ યોગ્ય વિકાસ થાય તે દિશામાં પૂરજોશમાં કામો ચાલી રહ્યા છે. આ યાત્રાધામો દર વરસે આવતા લાખ્ખો યાત્રાળુઓને હરવા-ફરવા, વાહનો પાર્ક કરવા, અવર-જવરમાં અનુકુળતા બની રહે તે માટે સરકાર દ્વારા સ્થાનિક તંત્રોના સંકલનથી દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે.
બેટ દ્વારકા અને દ્વારકા સંરક્ષણની દૃષ્ટીએ સંવેદનશીલ હોવાથી પણ ગેરકાયદે દબાણોની શંકાસ્પદ સ્થિતિને દૂર કરવામાં આવી રહ્યા છે.
બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં મેગા ડીમોલીશન કર્યા પછી દ્વારકાના રૂપેણબંદર તેમજ આવડપરા વિસ્તારમાં દબાણો હટાવવામાં આવશે. જે કાર્યવાહી માટે પણ અત્યારથી આયોજન કરી દેવામાં આવ્યું છે.
દ્વારકા, બેટ દ્વારકા અને રૂપેણ બંદરે ગેરકાયદે દબાણોનો સફાયો થશે ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં ઓકટોબર ૨૦૨૨માસમાં હાથ ધરાયેલા ઓપરેશન ડીમોલીશનમાં કરોડો રૂપિયાની કિંમતની લાખો ફૂટ જગ્યા પરના દબાણો હટાવાયા હતા. આ પછી બીજા રાઉન્ડમાં યાત્રાધામ હર્ષદ, ભોગાત વિગેરે સ્થળોએ પણ માર્ચ ૨૦૨૩ના સમયગાળામાં રેવન્યુ વિભાગ દ્વારા પોલીસ તંત્રને સાથે રાખીને ધાર્મિક તેમજ રહેણાંક અને કોમર્શિયલ દબાણોનો કડુસલો બોલાવી દીધો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની સીધી દેખરેખ તેમજ માઈક્રો પ્લાનિંગ હેઠળ કરાયેલી આ દબાણ હટાવ ઝુંબેશ આવકારદાયક બની હતી.
બેટ દ્વારકામાં આશરે એકાદ વર્ષ પૂર્વે તંત્ર દ્વારા મેગા ડિમોલિશન કરાયા બાદ ત્યાં પુનઃ દબાણો થઈ ગયા હોય, જે તંત્રને ધ્યાને આવેલા હોય, આવા પુનઃ થયેલા દબાણોને પણ તંત્ર દ્વારા દૂર કરવામાં આવશે. તેમ જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial