Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના વિશ્વ વિખ્યાત કલાત્મક તાજીયાની આગવી ઓળખ

હાલારમાં ઠેર-ઠેર નીકળ્યા તાજીયા ઝુલુસઃ શાંતિ-સદ્દભાવનાનો સંદેશ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૭: જામનગરના મોહર્રમ નિમિત્તે ઈમામ હુશેન અને તેમના ૭ર વફાદાર સાથીઓની શહાદતની યાદમાં આ વર્ષે પણ પરંપરા મુજબ જામનગર અને જિલ્લાના મુસ્લિમ બિરાદરોએ સરઘસની રાત્રિ અને આંસુરાના દિવસે ભવ્ય અને કલાત્મક તાજીયાઓના ઝુલુસ કાઢી શાંતિ-સદ્ભાવ, એકતા અને ભાઈચારાના માહોલમાં અને એહતરામની સાથે મોહર્રમના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

વિશ્વ વિખ્યાત જામનગરના બેનમૂન કલાત્મક તાજીયા નિહાળવા હિન્દુ-મુસ્લિમો અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં.

કરબલાના આ મહાન શહીદીની યાદમાં જામનગર શહેર ઉપરાંત સમગ્ર હાલારમાં ખંભાળીયા, સલાયા, વાડીનાર, મીઠાપુર, ઓખા, ધ્રોલ, કાલાવડ અલીયાબાડા, લાલપુર, મસીતીયા, સિક્કા, દ્વારકા, બેડી, જોડિયા ભૂંગા, જવાહરનગર નં. ૧/ર સહિત જિલ્લાભરમાં કલાત્મક બેનમૂન તાજીયાઓના ઝુલુસ નીકળ્યા હતાં. જેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં.

જામનગર શહેરમાં પરવાના ધરાવતા ર૯ તાજીયા, મધ્યરાત્રિએ (સરઘસની રાત્રે) શહેરના માર્ગો પર ઝુલુસ સ્વરૂપે ફર્યા હતાં અને વહેલી સવારે માતમમાં આવ્યા હતાં. તા. ર૬-૬-ર૦ર૬ આંસુરાના ઐતિહાસિક ચાંદીના તાજીયાની આગેવાની હેઠળ આ ભવ્ય અને કલાત્મક તાજીયાઓ નક્કી કરેલા શહેરના માર્ગો પર ઝુલુસ સ્વરૂપે કતારબદ્ધ રીતે ફર્યા હતાં.

ચાંદીનો તાજીયો

ઝુલુસમાં પ્રથમ નંબર ધરાવતા આ ઐતિહાસિક ચાંદીના તાજીયા દિદાર (દર્શન) માટે આ વર્ષે પણ લોકોની ભારેભીડ જામી હતી. હંમેશાં લોકોના આકર્ષણનું કેન્દ્ર બનતા આ ચાંદીના તાજીયા નિહાળવા દૂરદૂરથી લોકો આવ્યા હતાં. ૧૩૮થી ૧૩૯ વર્ષો પહેલા રાજાશાહી વખતે ચાંદીનો તાજીયો સૈયદ પરિવારને ભેટ આપ્યો હતો.

અમીધૂળધોયાનો તાજીયો

આ તાજીયાનો નંબર ઝુલુસમાં ર૩મો છે. દર વર્ષે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનતા આ તાજીયાને ૬૦૦૦ જેટલા બલ્બ વડે સુશોભિત કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, આ તાજીયાને માતમમાંથી લંઘાવાડના ઢાળિયો ચઢાવતી વખતે હજારોની મેદની એકત્ર થાય છે. શ્રદ્ધાળુઓની માન્યતા છે કે, આ વેળાએ દુઆ કબુલ થાય છે. આ તાજીયો હિન્દુ-મુસ્લિમનું પ્રતીક છે.

મેમણ જમાતનો તાજીયો

આ તાજીયો ઝુલુસમાં ર૪ માં ક્રમે આવે છે. એક જમાનામાં ફૂલોની ડોલી તરીકે ઓળખાતા તાજીયાને ૭૦૦૦ હજાર બલ્બ વડે શણગારવામાં આવેલ હતો.

મકરાણી જમાતનો તાજીયો

આ તાજીયાનો નંબર રપમો છે. દરવર્ષે કંઈક નવીનતા સાથે બનતા આ તાજીયો લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનતા આ તાજીયાને પ૦૦૦ જેટલા બલ્બો વડે સુશોભિત કરાયો હતો. મુંજાવર ઉમર જુસબની આગેવાનીમાં આ તાજીયાને બનાવવા કમિટીએ દોઢ માસની જહેમત ઉઠાવી હતી.

ગોવાળ જમાતનો તાજીયો

ઝુલુસમાં ૧૮માં ક્રમે આવે છે. થર્મોકોલની સીટ ઉપર બારીક કોતરકામની કમાલ હતી. પર૦૦૦ બલ્બો દ્વારા રોશનીથી ઝળહળતા કરાયેલા કમિટીના સર્વે સભ્યોએ બે માસની મહેનત પછી આ તાજીયો તૈયાર કરાયો હતો.

હુશેની કસાઈ          જમાતનો તાજીયો

આ તાજીયાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. તાજીયા કમિટીની બે માસની મહેનત પછી તૈયાર કરવામાં આવ્યો હતો.

ગુજરાતી બારીગર   જમાતનો તાજીયો

આ તાજીયો પાંચથી આઠ હજાર બલ્બોથી શણગારમાં આવ્યો હતો. આ તાજીયાને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં.

પઠાણ જમાતનો તાજીયો

રરમો ક્રમ ધરાવતા આ તાજીયાને નિહાળવા લોકોની ભારેભીડ જામી હતી. રરમા ક્રમે આ તાજીયાની અનેક વિશિષ્ટતાઓને લીધે આ તાજીયો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. કમિટીના સભ્યોએ આ તાજીયાનું નિર્માણ કરવામાં બે માસથી વધુ જહેમત ઉઠાવી હતી.

પીંજારા જમાતનો તાજીયો

ઝૂલુસમાં ૨૭ ક્રમે આવતો તાજીયો ૫ હજાર બલ્બોથી સુશોભિત કરવામાં આવ્યો હતો. આ તાજીયાને બનાવવા કમિટીના સર્વે સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

ગોરી જમાતનો તાજીયો

ઝુલુસમાં ૧૫ ક્રમે આવતા આ તાજીયાને ૩ હજાર જેટલા બલ્બથી ઝળહળતો કરવામાં આવ્યો હતો. ગોરી જમાતના કમિટીના સર્વ સભ્યોએ આ તાજીયાનું નિર્માણ કરવામાં ભારે જહેમત ઉઠાવી હતી.

પટણી જમાતનો તાજીયો

પટણી જમાતના આ તાજીયાનો ક્રમ ત્રીજો આવતા આ તાજીયો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. લાઈટીંગ કામમાં આગવું સ્થાન ધરાવતા તાજીયાને હજારો બલ્બ વડે ઝળહળતો કરાયો હતો. સર્વે સભ્યો તેમજ કાર્યકરોએ આ તાજીયાને સુશોભિત કરવામાં બે માસ સુધી જહેમત ઉઠાવી હતી.

મોટા દાવલશાહનો તાજીયો

મોટા દાવલશાહના તાજીયાને અસંખ્ય બલ્બોથી ઝળહળતો કરી સુશોભિત કરવામાં બે માસ સુધી જહેમત ઉઠાવી હતી.

મોહર્રમ પર્વે બેડીના તાજીયા

દેશમાં આગવું સ્થાન ધરાવે છે

બેડીમાં મોહર્રમ પર્વની ઉજવણી શૌકત-શાનથી કરવામાં આવે છે. જ્યાં સતત દસ દિવસ વાએઝ શરીફના કાર્યક્રમો, બેડીમાં બે પ્રવેશદ્વારો, બેડીના તાજીયા ડેકોરેશન જે સમગ્ર દેશમાં આગવું સ્થાન ધરાવે છે. તાજીયાઓને આંસુરાના દિવસે ઠંડા કરવાની પ્રક્રિયા તો બેડીમાં જોઈ શકાય છેે. જેને જોવા માટે રાજકોટ, ભાવનગર, ઓખા, મીઠાપુર, ખંભાળીયા અને આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

સમગ્ર એશિયામાં મોખરાનું સ્થાન ધરાવતા શહેરના કલાત્મક તાજીયા

સમગ્ર એશિયામાં મોખરાનું સ્થાન ધરાવતા શહેરના ભવ્ય અને કલાત્મક તાજીયાઓ સુન્ની સાટી જમાત, મણીયાર જમાત, ટાંટા ફળી, ગરાણા જમાત, દુલદુલ ઘોડો, સેજો આ ઉપરાંત જુદી જુદી કમિટીઓ દ્વારા બાનાવેલા પરવાના વિનાના નાના-મોટા તાજીયાઓ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.. ઉપરાંત બુલંદી કમિટી, હૈદરી કમિટી, આસિફ હુશેને કમિટી, નિગાહે કરમ કમિટી દ્વારા નિર્માણ કરાયેલા રોઝાઓ પણ આકર્ષક રહ્યા હતા. મુસ્લિમ વિસ્તારોમાં અને તાજીયાના ઝુલુસ દરમ્યાન શહેરની જુદી-જુદી જમાતો અને કમિટીઓ દ્વારા બી-બટેકા, સમોસા, વડાપાંઉ, હલીમ ચણા બટેકા, ચા-કોફી, કોલ્ડ્રીંક્સ, શરબત, આઈસ્ક્રીમ, ફાલુદાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જામનગરમાં મોહર્રમ પર્વની ઉજવણી અંતગંત તાજીયા પડમાં આવ્યા પછી ઝુલુસમાં રજૂ થયેલા કલાત્મક તાજીયાઓએ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. કેટલાક તાજીયામાં ઝીણવટભરી કામગીરી સાથે કરવામાં આવેલી સજાવટ ઉડીને આંખે વળગી હતી.

માનતા પૂરી કરવા  શ્રદ્ધાળુઓ ઉમટ્યા

જામનગરમાં મોહર્રમ નિમિત્તે સરઘસની રાત્રે અને આસુરા (ઠંડા)ના દિવસે માનતાઓ પૂરી કરવા દરેક તાજીયાના પડ પાસે અને ચાંદીના તાજીયામાં શ્રદ્ધાળુઓની કતારો લાગી હતી. કોઈ રૂપિયાના સિક્કાથી, પેંડા, સાકર, જાંબુ, બરફી અને અન્ય મીઠાઈના ભારોભારથી વજન કરી પોતાની માનતાઓ પૂરી કરતા દૃષ્ટિમાન થયા હતા.

રતનબાઈ મસ્જીદ પાસે ૭૨ મણ વેજીટેરિયન પુલાવ, તથા ૭૨ મણ જ કોલ્ડ્રીંક્સ અને ચા

જામનગરમાં રતનબાઈ મસ્જીદ પાસે, હુશેની કમિટી દ્વારા દર વર્ષે ન્યાઝનું આયોજન કરવામાં આવે છે. હાજી મહંમદભાઈ (મોટાભાઈ), હાજી ઈકબાલભાઈ એરંડીયાના માર્ગદર્શન હેઠળ ૭૨ મણ વેજીટેરિયન પુલાવનું ન્યાઝનું આસુરાના દિવસે વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં કોઈપણ જાતના ભેદભાવ વગર હજારોની સંખ્યામાં હિન્દુ-મુસ્લિમોએ લાભ લીધો હતો. આ વિસ્તારમાં દૂધ કોલ્ડ્રીંકસનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યાં ૭૨ મણ ચા લોકોને પીરસવામાં આવી હતી. આ સેવાકીય કાર્યને સફળ બનાવવા ૩૦૦ જેટલા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. આ વિસ્તારના હિન્દુ ભાઈઓ અને વેપારીઓએ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૃં પાડયું હતું.

દિપક ટોકીઝ પાસે પંજાબી ડીશનું ન્યાઝ રૂપે વિતરણ

જામનગરમાં દિપક ટોકીઝ પાસે, પંજાબી ડીશનું ન્યાઝરૂપે વિતરણ કરવામાં આવેલ જ્યાં ભાઈઓ-બહેનોની મોટી કતારો લાગી હતી.

લંઘાવાડના ઢાળીયે મોટા પાયે ન્યાઝરૂપે ભજીયાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યાં હજારોની સંખ્યામાં હિન્દુ-મુસ્લિમોએ લાભ લીધો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh