Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના જગતમંદિરમાં આવતીકાલે ખુલ્લા પડદે જલાભિષેકઃ સાંજે ઠાકોરજીની જલયાત્રાઃ નૌકાવિહાર

આજે અઘોરકુંડમાં ચાંદીના વાસણોમાં જલ લવાશે

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૨૭: જગતમંદિરમાં તા. ૨૮-૬-૨૦૨૬ને રવિવારના રોજ જ્યેષ્ઠાભિષેક (ખુલ્લા પડદે સ્નાન) કરવામાં આવશે. જગતમંદિરમાં દર વર્ષે જેઠ માસમાં જ્યેષ્ઠા નક્ષત્રમાં શ્રીજીની મંગલા આરતી બાદ જ્યેષ્ઠાભિષેક કરવામાં આવે છે. રવિવારે મંગલા આરતી બાદ સવારે ૮ કલાકે ઠાકોરજીનો જ્યેષ્ઠાભિષેક કરાશે. જેમાં શ્રીજીનું ઋતુનુસાર અમૃત (આંબા) તેમજ દ્વારકાના અઘોર કુંડના પવિત્ર જલથી જલાભિષેક કરવામાં આવશે. વારાવાર પૂજારીઓ દ્વારા સાંજના સમયે શ્રીજીના બાલ સ્વરૂપ ગોપાલજીને ગર્ભગૃહથી બહાર નિજસભામાં નૌકાવિહાર કરાવવામાં આવશે.

જ્યેષ્ઠાભિષેક ઉત્સવ વિશે માહિતી આપતા દ્વારકાધીશ મંદિરના પ્રણવભાઈ પૂજારીએ જણાવેલ કે વર્ષમા જન્માષ્ટમી અજે જયેષ્ઠ પૂર્ણિમા એમ બે વખત જ ઠાકોરજીને ખુલ્લા પડદે અભિષેક - સ્નાન કરાવવામાં આવે છે. જેમાંનો એક જ્યેષ્ઠાભિષેક ઉત્સવ હોય, જેનું વિશેષ મહત્ત્વ છે. બહારગામથી પધારેલ ભાવિકો તેમજ બહોળી સંખ્યામાં સ્થાનિકો ઓનલાઈનના માધ્યમથી લાખો શ્રદ્ધાળુઓ જ્યેષ્ઠાભિષેક તેમજ ત્યાર બાદ સાંજના સમયે બાલસ્વરૂપના નૌકાવિહાર દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવશે.

જગતમંદિરમાં શ્રીજીના જ્યેષ્ઠાભિષેક ઉત્સવ નિમિત્તે જલયાત્રા ઉત્સવની પૂર્વ તૈયારી રૂપે શનિવારે જગતમંદિરના પૂજારી પરિવારના પુરૂષો તથા મહિલાઓ દ્વારા ચાંદીના બેડાં, ચાંદીની તાંબડી તેમજ વિવિધ ચાંદીના વાસણોમાં દ્વારકાના અતિ પ્રાચીન અને પવિત્ર શ્રી ભદ્રકાલી માતાજીના મંદિર પાસેના અઘોર કુંડમાંથી પૂજા કરી કુંડના પવિત્ર જલને શાસ્ત્રોત વિધિથી બેન્ડ વાજા સાથે વાજતે ગાજતે દ્વારકા શહેરના રાજમાર્ગો પર થઈ જગતમંદિરમાં લઈ જવામાં આવશે. ગ્રીષ્મ ઋતુમાંથી વર્ષાઋતુ આવતી હોય આ પવિત્ર જલને વિવિધ ઔષધિયુક્ત બનાવી રાત્રિ અધિવાસન કરી રવિવારે આ પવિત્ર જલથી ઠાકોરજીને જલાભિષેક કરાશે તેમજ સાંજના સમયે જગતમંદિરમાં પવિત્ર જલથી જલ કુંડ (હોજ) ભરવામાં આવશે જેમાં ભગવાનનું બાલ સ્વરૂપ ગોપાલજીને નાવમાં બિરાજમાન કરી નૌકા ઉત્સવ એટલે કે જલયાત્રા ઉત્સવ મનોરથની ઉજવણી કરાશે જેનો લાભ દેશ-વિદેશના ભાવિકોને પ્રત્યક્ષ તેમજ ઓનલાઈનના માધ્યમથી મળશે.

દર્શનના સમયમાં ફેરફાર

રવિવારે જગતમંદિરમાં શ્રીજીના જ્યેષ્ઠાભિષેક ઉત્સવ નિમિત્તે ઠાકોરજીના નિત્યક્રમમાં જરૂરી ફેરફાર નોંધાયો છે. જે મુજબ શુક્રવારે મંગલા આરતી પછી ઠાકોરજીને ખુલ્લા પડદે સ્નાન સવારે ૮ થી ૯ સુધી યોજવામાં આવનાર છે. શ્રૃંગાર આરતી તેમજ અનોસર (બંધ) નિત્યક્રમાનુસાર યોજાશે. ઉત્સવ તેમજ ઉત્થાપન દર્શન સાંજે ૫ કલાકે, જલયાત્રા (નૌકાવિહાર) દર્શન રાત્રે ૯:૩૦ કલાકે યોજવામાં આવનાર છે. તા. ૨૯ના સોમવારે પૂનમ નિમિત્તે મંગલા આરતી સવારે ૬ કલાકે યોજવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh