Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંસદનું શિયાળુ સત્ર સંપન્ન થઈ ગયું અને મનરેગાનું સ્થાન "વીબી-જી રામ જી" નામના નવા અધિનિયમે લીધુ છે અંડર-૧૯ એશિયાકપની ફાયનલ મેચ રમાઈ ગઈ છે, અને તેમાં પાકિસ્તાનની ટીમ સામે ભારતીય ટીમ હારી ગઈ છે અને દશેરાના દિવસે જ ઘોડુ દોડે નહીં, તેમ વૈભવ સૂર્યવંશી ફાયનલમાં જ ફેઈલ ગયો છે. આ બધી હેડલાઈન વચ્ચે આજે સર્વાધિક ચર્ચા મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના આવેલા પરિણામોની થઈ રહી છે. પંજાબમાં જેવી રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના સુપડાં સાફ થઈ ગયા હતા, તેના કરતા પણ ભૂંડી રીતે મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીનો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પરાજય થતા સુપડા સાફ થઈ ગયા છે. અને મહાયુતિને પ્રચંડ જનાદેશ સાંપડયો છે.
જો કે, મનરેગાને હટાવીને લાગુ કરાયેલા વીબી જી-રામ-જી અધિનિયમમાં વધુ રોજગાર ગેરંટી હોવાનો દાવો સત્તાધારી પક્ષો કરી રહ્યા છે, જ્યારે વિપક્ષો અને ખાસ કરીને કોંગ્રેસના નેતાઓ મોદી સરકાર પર ટીકાની ઝડી વરસાવી રહ્યા છે, ત્યારે સાચુ કોણ અને ખોટું કોણ, તેનો નિર્ણય હવે દેશની જનતાએ જ કરવો પડે તેમ છે. પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમે મનરેગામાંથી મહાત્મા ગાંધીનું નામ હટાવવુ એ ગાંધીજીની હત્યા કરવામાં આવ્યા જેવું જ છે. ગાંધી અને નહેરૂને રેકર્ડમાંથી ભૂંસી નાખવાના પ્રયાસો થઈ રહ્યા છે. તે પહેલા સોનિયા ગાંધીએ પણ કહ્યું હતું કે સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવ્યું છે. હવે કોને, ક્યાં, કેટલો રોજગાર મળશે, તે દિલ્હીમાં બેઠા બેઠા મોદી સરકાર નક્કી કરશે. નવા બિલમાં વર્ષે ૧૨૫ દિવસના રોજગારની ગેરંટી સહિતના અનેક પ્રશ્નો સામાન્ય જનતામાં પણ ઉઠી રહ્યા છે, જેના જવાબો મળવાના બાકી છે.
રાજનીતિ હોય કે રમતનું મેદાન હોય, હાર-જીત તો ચાલ્યા જ કરવાની છે, પરંતુ મહત્ત્વનું એ છે કે આ બંને ક્ષેત્રે ખેલદિલીની ભાવના હોય, રાજનીતિના ખેલ અટપટા હોય છે, તેવી જ રીતે ખેલજગતનું રાજકારણ પણ કાંઈક અલગ જ હોય છે. અંડર-૧૯ની ટી-૨૦ ટૂર્નામેન્ટ રમાઈ ગઈ અને તેની ફાયનલમાં ભારતીય ટીમ હારી ગઈ, તો બીજી તરફ ટી-૨૦ના વર્લ્ડકપ માટે ભારતીય ટીમની કરાયેલી પસંદગી પણ ચર્ચાઓના કેન્દ્રમાં છે, તથા અનેક ટીકા-ટિપ્પણીઓ થઈ રહી છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પરિણામો પછી હવે ટૂંક સમયમાં આવી રહેલી ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોવાથી તેના સંદર્ભે પણ અલગથી ચોકઠાં ગોઠવાઈ રહ્યા છે.
મહાષ્ટ્રમાં મ્યુનિસિપલ કાઉન્સિલો અને પંચાયતો માટે શનિવારે મતદાન થયું હતું, જેમાં ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ અને ઉદ્ધવ ઠાકરે-કોંગ્રેસ અને શરદ પવારની એનસીપીના ગઠબંધન મહાવિકાસ અઘાડી વચ્ચે ફાઈટ હતી. મહાયુતિમાં શિવસેના (શિંદે) અને એનસીપી (અજીત પવાર) પણ સામેલ હતા. પરિણામો આવ્યા પછી એ પણ પૂરવાર થયું કે શિંદે અને અજીત પવારના પક્ષોને અસલ મૂળ પ્રાદેશિક પક્ષોની માન્યતાને જનતાની મ્હોર પણ લાગી ગઈ છે.
મીડિયા અહેવાલો મુજબ મહારાષ્ટ્રમાં મ્યુનિ. કાઉન્સિલો-પંચાયતોની ચૂંટણીમાં આવેલા પરિણામોના આંકડાઓ જોતા ભાજપનું વર્ચસ્વ વધ્યું છે, તો શિંદેની શિવસેના પણ મજબૂત બની ગઈ છે. અજીત પવારની એનસીપીએ પણ પોતાનો જનાધાર પૂરવાર કર્યો છે.
બીજી તરફ મહાવિકાસ અઘાડીમાં સૌથી વધુ બેેઠકો કોંગ્રેસને મળી છે., જ્યારે ઉદ્ધવ ઠાકરેની શિવસેના તથા શરદ પવારની એનસીપી તો સીંગલ ડિજિટમાં જ સંકોચાઈ ગઈ છે. અરૂણાચલ પ્રદેશમાં થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભાજપને વધુ બેઠકો મળી છે.
આ પરિણામો જોતા એક મોટા રાજ્ય જેવડું બજેટ અને દેશની આર્થિક રાજધાની સમા મુંબઈને સમાવતા બૃહદ મુંબઈ મ્યુનિ. કોર્પોરેશન (બીએમસી) ની આવી રહેલી ચૂંટણીઓમાં તમામ રાજકીય સમીકરણો બદલાઈ જશે તે નક્કી છે. આ પરિણામો પછી શિવસેના (યુબીટી) ના નેતા સંજય રાઉતે આ ચૂંટણીમાં નાણાની કોથળીઓ ખુલ્લી મુકાઈ હતી, તેવા આક્ષેપો કર્યા, તો ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે પર પ્રહારો કર્યા. જો કે, કોંગ્રેસ હવે "એકલા ચલો રે" ની નીતિ અપનાવી રહી હોવાથી "અઘાડી" નું અસ્તિત્વ જ હવે જોખમમાં મુકાઈ ગયું છે.
અરૂણાચલ પ્રદેશ, પંજાબ અને મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો જોતા એવો નિષ્કર્ષ પણ કાઢી શકાય કે, સામાન્ય રીતે રાજ્યમાં જેનું શાસન હોય, તે પક્ષ કે ગઠબંધનનો હાથ ઊંચો રહેતો હોય છે, પરંતુ દરેક વખતે તેવું થતુ હોતુ નથી. ભૂતકાળમાં ગુજરાતમાં ભાજપનું શાસન હોવા છતાં પાટીદાર આંદોલનની અસર હેઠળ પંચાયત-પાલિકાઓમાં ભાજપને જબરદસ્ત પછડાટ પડી જ હતી ને ?
જો કે, અત્યારે ભાજપ યુગ હોય તેમ મોટાભાગના રાજયોમાં ભાજપ કે ભાજપના સમર્થનવાળી સરકારો છે, જયારે અડધા ડઝનથી વધુ કેન્દ્ર શાસિત પ્રદેશો કેન્દ્ર સરકારના શાસન હેઠળ આવે છે. દિલ્હીમાં પણ ભાજપની ત્રિપલ એન્જિનની સરકાર છે, પરંતુ પ્રદુષણના મુદ્દે ત્રણેય એન્જિનો ફેઈલ ગયા હોવાના કટાક્ષો થઈ રહ્યા છે...ભાજપની મતપેટીઓ (ઈવીએમ) જ છલકાઈ રહ્યા છે, તેવું નથી, ભારતીય જનતા પક્ષની તિજોરીમાં પણ સખાવતોની સરવાણી વહેતી થતા છલકાવા લાગી હોવાના અહેવાલો છે. મીડિયા રિપોર્ટ મુજબ ચૂંટણીપંચમાં રજીસ્ટર્ડ ૧૯ ટ્રસ્ટોમાંથી ૧૩ ટ્રસ્ટોએ રાજકીય પક્ષોને કેટલું દાન આપ્યું છે તેની વિગતો ચૂંટણીપંચને આપી હતી. તે મુજબ વર્ષ ૨૦૨૪-૨૫માં આગળના વર્ષ કરતા ૨૦૦ ટકાથી વધુ દાન રાજકીય પક્ષોને મળ્યું છે, અને તેમાં પણ સર્વાધિક સખાવત ભાજપને મળી છે. કોઈપણ રીતે ભાજપનો પરચમ લહેરાઈ રહ્યો હોય, ત્યારે હવે ભાજપની જવાબદારી પણ વધી જાય છે. અને પ્રજાની અપેક્ષાઓ સંતોષાય નહીં, તો ગમે ત્યારે ગાદીએથી ઉતારી પણ શકે છે, તે કેજરીવાલના કિસ્સામાંથી ફલિત થાય છે... અત્યારે તો જો જીતા વોહી સિકંદર...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial