Advertisement
Author: નોબત સમાચાર

અફઘાનિસ્તાનના બર્મલ જિલ્લામાં પાકિસ્તાનની એરસ્ટ્રાઈકઃ ૧પ ના મૃત્યુ

અફઘાન તાલીબાનોએ વળતો હુમલો કરવાની પ્રતિજ્ઞા લીધીઃ ઊંડી તપાસ શરૃઃ નવાજુનીના એંધાણઃ મૃતાંક વધી શકે

કાબુલ તા. રપઃ પાકિસ્તાને અફઘાનિસ્તાનના બર્મલ જિલ્લામાં હવાઈ હુમલાઓ કરતા ૧પ ના મોત થયા પછી અફઘાનિસ્તાનની તાલીબાન સરકારે તપાસ આદરી છે અને બદલો લેવા વળતા હુમલાની પ્રતિજ્ઞા પણ લીધી હોવાથી નવાજુનીના એંધાણ વર્તાઈ રહ્યા છે. મૃતાંક વધી શકે છે.

પાકિસ્તાને અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતના બર્મલ જિલ્લામાં મોડી રાતે અચાનક હવાઈ હુમલા કરી દેતા ફરી ટેન્શન વધી ગયું છે. આ હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા ૧પ લોકો માર્યા ગયા હતાં. મૃત્યુઆંક વધવાની આશંકા છે.

સ્થાનિક અહેવાલ મુજબ ર૪ ડિસેમ્બરની રાત્રે પાકિસ્તાની હવાઈ હુમલામાં લમાન સહિત સાત ગામોને નિશાન બનાવવામાં આવ્યા હતાં, જ્યાં એક જ પરિવારના પાંચ સભ્યો સહિત ૧પ લોકો માર્યા ગયા હતાં. સ્થાનિક સૂત્રોએ દાવો કર્યો છે કે આ હવાઈ હુમલા માટે પાકિસ્તાની જેટ જવાબદાર હતાં.

અહેવાલો દર્શાવે છે કે બર્મલના મુર્ગ બજાર ગામ સંપૂર્ણપણે નાશ પામ્યું છે. હુમલામાં ઘણાં લોકો ઘાયલ થયા છે. આ હવાઈ હુમલાની તપાસ કરવામાં આવી રહી છે અને તેની પુષ્ટિ કરવા અને હુમલાની જવાબદારી સ્પષ્ટ કરવા માટે વધુ તપાસની જરૂર છે.

તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે પક્તિકાના બર્મલ પર હવાઈ હુમલા પછી જવાબી કાર્યવાહી કરવાની પ્રતિજ્ઞા લીધી છે. મંત્રાલયે કહ્યું કે, 'તેમની જમીન અને સાર્વભૌમત્વની રક્ષા કરવાનો તેમનો કાયદેસરનો અધિકાર છે અને અમે આ હુમલાની ટીકા કરીએ છીએ.'

પાકિસતાની અધિકારીઓએ સત્તાવાર રીતે હવાઈ હુમલાની પુષ્ટિ કરી નથી, પરંતુ સૈન્યની નજીકના સુરક્ષા સૂત્રોએ સૂચવ્યું હતું કે આ હવાઈ હુમલા સરહદ નજીક તાલિબાન સ્થાનોને ટારગેટ પર રાખીને કરવામાં આવ્યા હતાં. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વાધી રહેલા તણાવ વચ્ચે આ હવાઈ હુમલો થયો છે.

પાકિસ્તાની તાલિબાન અથવા તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને તાજેતરના મહિનાઓમાં પાકિસ્તાની દળો પર તેના હુમલામાં વધારો કર્યો છે. પાકિસ્તાને અફઘાન તાલિબાન પર આ આકંતવાદીઓને આશ્રય આપવાનો આરોપ મૂક્યો છે.

ઈસ્લામાબાદથી મળતા અહેવાલો મુજબ પાકિસ્તાનમાં આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાન ખુલ્લેઆમ પાક આર્મીની કત્લેઆમ કરી રહ્યું છે. સુરક્ષા દળો માટે તહરીક-એ-તાલિબાન કાળ બની ગયો છે. ક્યારેક બોમ્બ વિસ્ફોટો તો ક્યારેક ગોળીબાર કરીને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાની સેનાના જવાનોને મારી રહી છે. પાકિસ્તાનના લોકો ઉપરાંત સેનાના જવાનો પણ ટીટીપીથી ડરે છે. હવે પાકિસ્તાનમાં તહરીક-એ-તાલિબાનનો ડર વધી રહ્યો છે.

ટીટીપીના ડરને નકારી કાઢવા માટે પાકિસ્તાને હવે અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો છે. પાકિસ્તાનના હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ૧પ લોકોના મોત થયા છે. પાકિસ્તાનના આ પગલાંથી અફઘાન તાલિબાન લાલધૂમ થઈ ગયા છે. હવે તેણે બદલો લેવાના શપથ લીધા છે.

વાસ્તવમાં પાકિસ્તાને મંગળવારે દાવો કર્યો હતો કે તેણે અફઘાનિસ્તાનની અંદર અનેક તાલિબાન સ્થાનોને નિશાન બનાવ્યા હતાં, અને હવાઈ હુમલા કર્યા હતાં. પાક સેનાનો દાવો છે કે આ હુમલાઓમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનનું એક ટ્રેનિંગ સેન્ટર નષ્ટ કરવમાં આવ્યું હતું અને ઘણાં આતંકવાદીઓ માર્યા ગયા હતાં, જ્યારે તાલિબાનના સૂત્રોએ દાવો કર્યો છે કે પાકિસ્તાનના હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ૧પ લોકો માર્યા ગયા છે.

પાકિસ્તાને તેની સરહદે આવેલા પક્તિકા પ્રાંતમાં સ્થિત પહાડી વિસ્તારમાં આકાશમાંથી બોમ્બ ફેંક્યા હતાં, જો કે એ સ્પષ્ટ નથી કે પાકિસ્તાની જેટ અફઘાનિસ્તાનની અંદર ક્યાં સુધી ગયા અને કેવી રીતે હુમલા કરવામાં આવ્યા હતાં. આ કારણે હવે આ બન્ને દેશો વચ્ચે તંગદિલી વધી જતા નવાજુનીના એંધાણ જોવા મળી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh