Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈઝરાયેલની સરકાર સામે રોષઃ પ્રજાજોગ સંદેશ સમયે જ નારેબાજી
તેલઆવીવ તા. ર૮: ઈઝરાયેલમાં યુદ્ધથી કંટાળેલી નારાજ ઈઝરાયેલીઓએ નેતન્યાહૂ સામે નારેબાજી કરી હતી અને 'શેમ ઓન યુ'ના સૂત્રો પૂકાર્યા હતાં.
ગાગામાં હમાસના આતંકીઓ સામે ઈઝરાયેલનું યુદ્ધ મધ્ય-પૂર્વમાં વધુ વિસ્તર્યું છે અને હવે ઈરાન પણ ઈઝરાયેલના હુમલાની ઝપેટમાં આવી ગયું છે. ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂએ ઈરાન પર શનિવારે થયેલા હુમલાને સફળ ગણાવ્યા હતાં.
જો કે, આ અંગે ભાષણ આપતી વખતે નેતન્યાહૂ વિરૂદ્ધ જ ઈઝરાયેલની પ્રજાએ 'શેમ ઓન યુ'નો સૂત્રોચ્ચાર કરતા તેમણે ભાષણ પડતું મૂકવું પડ્યું હતું. બીજીબાજુ ઈરાનમાં પણ ટોચના ધાર્મિક વડા આયાતુલ્લાહ ખામનેઈ પદ પરથી દૂર થઈ રહ્યા હોવાના અહેવાલો છે.
આ માટે તેમની કટ્ટરવાદી વિચારસરણી સામે પ્રજાનો રોષ કારણભૂત હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
હમાસના આતંકીઓએ ગયા વર્ષે ઈઝરાયેલ પર અચાનક હુમલો કરીને ૧ર૦૦ લોકોને મારી નાખ્યા હતાં અને રપ૦ લોકોના અપહરણ કરી ગાઝામાં લઈ ગયા હતાં. એક વર્ષ થઈ જવા છતાં ઈઝરાયેલ હજુ સુધી તેના બંધક નાગરિકોને હમાસના આતંકીઓ પાસેથી છોડાવી શક્યું નથી. જો કે ઈરાનના ૧ ઓક્ટોબરના હુમલાના જવાબમાં ઈઝરાયેલે શનિવારે વહેલી સવારે ઈરાનના ત્રણ સ્થળો પર ૧૦૦ થી વધુ ફાઈટર જેટ્સથી હુમલા કરી મોટું નુક્સાન પહોંચાડ્યું હતું.
હમાસના આતંકીઓના ઈઝરાયેલ પર હુમલાને એક વર્ષ પૂરૃં થયું છે ત્યારે આ હુમલામાં માર્યા ગયેલા લોકોની યાદમાં યોજાયેલી સભાને વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ સંબોધન કરી રહ્યા હતાં. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ થઈ રહ્યું હતું. તેમણે કહ્યું, ઈરાન પર શનિવારે વહેલી સવારે થયેલા હુમલાએ તેનું લક્ષ્ય પૂરૃં કર્યું છે. ઈરાનને મોટાપાયે નુક્સાન થયું છે, જો કે આ જ સમયે કેટલાક લોકોએ 'શેમ ઓન યુ'નો સૂત્રોચ્ચાર કર્યો હતો. જેથી નેતન્યાહૂએ તેમનું ભાષણ અધવચ્ચે રોકવું પડ્યું હતું.
નેતન્યાહુ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરનારા લોકો હમાસના હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો હતાં. આ દેખાવોમાં હમાસના આતંકીઓએ અપહ્યત કરેલા ઈઝરાયેલી નાગરિકોના પરિવારજનો પણ જોડાયા હતાં. તેઓ હમાસના આતંકી હુમલાને રોકી નહીં શકવા માટે નેતન્યાહૂને જવાબદાર માને છે. હમાસના આતંકીઓએ જેમના અપહરણ કર્યા છે તે લોકોના પરિવારજનો પણ આ દેખાવોમાં જોડાયા હતાં. આમ, બંધકોને છોડાવવામાં નિષ્ફળતા બદલ નેતન્યાહૂ વિરૂદ્ધ પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે.
બીજી બાજુ ઈરાન પર ઈઝરાયેલના હુમલાના ર૪ કલાક પછી તહેરાનમાં તેના સુપ્રિમ લીડર આયાતુલ્લાહ ખામનેઈ નિવૃત્ત થઈ રહ્યા હોવાના સમાચારે ભારે હોબાળો મચાવી દીધો છે. એટલું જ નહીં, ઉતાવળે ખામનેઈના ઉત્તરાધિકારીની શોધખોળ પણ શરૂ કરી દેવાઈ છે. સૂત્રો મુજબ આયાતુલ્લાહ ખામનેઈની કટ્ટર વિચારસરણી મુદ્દે સ્થાનિક પ્રજામાં ભારે રોષ ફેલાયેલો છે, જો કે કેટલાક સૂત્રોનો દાવો છે કે ઈરાનના ૮પ વર્ષિય સુપ્રિમ લીડર આયાતુલ્લા ખામનેઈ ગંભીર રીતે બીમાર થઈ ગયા છે. તેથી તેમના ઉત્તરાધિકારીની શોધ કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial