Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઊંઘમાંથી ઉઠીને બાથરૂમ જતાં મહિલા પટકાઈ પડ્યાઃ સારવારમાં થયું મૃત્યુ
જામનગર તા. ૧૫: જામનગરના હાપા નજીક આવેલા ટ્રેક્ટરના શોરૂમમાં બુધ વારે સાંજે કામ કરી રહેલા એક શ્રમિકને જોરદાર વીજ આંચકો લાગતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ધ્રોલના લૈયારામાં ખેતરમાં મગફળીના થ્રેસર નીચેથી ધૂળ ઉપાડવા જતાં શ્રમિક તરૂણીની ચુંદડી સાફ્ટીંગમાં ફસાઈ હતી અને તે તરૂણીને ગળાટૂંપો આવી ગયો હતો. ઉંઘમાંથી ઉઠીને બાથરૂમ તરફ જતા કલ્યાણપુરના ખાખરડા ગામના મહિલા ચક્કર આવતા પડી ગયા પછી ઈજા થવાથી મોતને શરણ થયા છે.
જામનગર-રાજકોટ માર્ગ પર આવેલા હાપા નજીક ભગીરથ ટ્રેક્ટર નામના શો રૂમમાં બુધવારે સાંજે ગુલાબ નગરના અખાડા ચોકમાં રહેતા જલાલખાન નિઝારખાન બ્લોચ (ઉ.વ.૨૧) નામના શ્રમિક કામ કરતા હતા ત્યારે તેઓને વીજળીનો જોરદાર કરંટ લાગતા આ યુવાન ફેંકાઈ ગયા હતા. તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા છે.
મૃતકના પિતા નિજારખાન મહોબતખાન બ્લોચે પોલીસને જાણ કરી છે. શો રૂમમાં બનાવની સાંજે જલાલખાન કામ કરી રહ્યા હતા ત્યારે ઉપરોકત બનાવ બન્યો છે. તેની જાણ થતાં મૃતકના પરિવારના વ્યક્તિઓ દોડી આવ્યા હતા. બેડી મરીન પોલીસે અપમૃત્યુની નોંધ કરી છે.
જામનગર-રાજકોટ માર્ગ પર આવેલા ધ્રોલના લૈયારા ગામની સીમમાં રમેશભાઈ માવજીભાઈ વારોદરીયા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના મેંેંઢા ગામના વતની બાનુભાઈ વસુનીયાની પંદર વર્ષની પુત્રી અનીતા ગઈકાલે સવારે ખેતરમાં મગફળી ઉપાડવાનું કામ કરતી હતી ત્યારે થ્રેસરની સાફટીંગ નીચે નીકળતી ધૂળનું તગારૂ ઉંચકવા જતા તેણીના પહેરેલા ડ્રેસની ચુંદડી થ્રેસર તથા સાફ્ટીંગમાં વીંટળાઈ ગઈ હતી અને અનીતાબેનને ગળાટૂંપો આવી ગયો હતો. આ તરૂણીને સારવાર માટે લઈ જવા ૧૦૮ને કોલ કરવામાં આવ્યો હતો. દોડી આવેલી એમ્બ્યુલન્સના સ્ટાફે તેણીને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. મૃતકના મોટાભાઈ સતિષ બાનુભાઈએ પોલીસને જાણ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામમાં રહેતા નિમુબેન લાખાભાઈ પરમાર (ઉ.વ.૩૦) નામના મહિલા ગઈ તા.પની રાત્રે સાડા બારેક વાગ્યે ઉંઘમાંથી ઉઠીને બાથરૂમ તરફ જતા હતા ત્યારે અચાનક ચક્કર આવી જતા ઢળી પડ્યા હતા. આ વેળાએ તેમને કપાળ તથા આંખ પાસે ઈજા થઈ હતી. સારવાર માટે દવાખાને લઈ જવાયેલા નિમુબેનને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેણીનું ગઈકાલે મૃત્યુ થયું છે. પતિ લાખાભાઈ નાથાભાઈ પરમારે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial