Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૪૧ વર્ષ પહેલા રાકેશ શર્માએ સોવિયેટ યુનિયનના યાનમાં સ્પેસ ટૂર કરી હતી
નવી દિલ્હી તા. ૨૫: ભારત માટે આજ ગૌરવપૂર્ણ દિવસ છે. પાઈલટ શુભાંશુ શુકલા અંતરિક્ષની યાત્રાએ નીકળ્યા છે. જેઓ ચાર સહયોગી સાથે ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટરમાં પહોંચશે.
૨૫ જૂન, ૨૦૨૫નો એટલે કે આજનો દિવસ ભારત માટે ખૂબ જ ખાસ દિવસ છે કારણ કે આ દિવસે ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુકલા આઈએસએસ એટલે કે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની યાત્રા પર નીકળી ગયા છે. શુભાંશુ શુકલા નાસા અને ઈસરોના સંયુકત મિશનમાં એકસીઓમ-૪ હેઠળ અંતરિક્ષમાં જનારા પ્રથમ ભારતીય બનશે.
આ મિશન ભારત માટે ઐતિહાસિક છે. ૧૯૮૪માં રાકેશ શર્મા પછી આ બીજી વખત છે, જયારે કોઈ ભારતીય અંતરિક્ષમાં જશે. આ મિશન હેઠળ ૪ અંતરિક્ષયાત્રીને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલવામાં આવ્યા છે, જેમાં શુભાંશુ શુકલા પાઈલટ તરીકે અને મિશનનું નેતૃત્વ કમાન્ડર પૈગી વ્હિટસન કરી રહ્યા છે, હંગેરીના અંતરિક્ષયાત્રી ટિબોર કપુ અને પોલેન્ડના સ્લાવોજ ઉજ્નાન્સ્કી-વિસ્ની વસ્કી મિશન નિષ્ણાતો છે. એકસીઓમ-૪ બુધવારે ફલોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું છે.
શુભાંશુ શુક્લાને આ મિશનમાં પાઇલટ તરીકે આઈએસએસ મોકલવામાં આવ્યા છે. એટલે કે શુભાંશુ ડ્રેગન કેપ્સ્યુલનું માર્ગદર્શન કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે જેના દ્વારા એકસીઓમ-૪ મિશન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ) મોકલવામાં આવશે. અહીં, અંતરિક્ષયાનને આઈએસએસ પર ડોક કરીને અંતરિક્ષયાત્રીઓને સુરક્ષિત રીતે પહોંચાડવાની જવાબદારી શુભાંશુના ખભા પર રહેશે.
આ ઉપરાંત, જો આ કેપ્સ્યુલને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે, તો શુભાંશુ પાસે અંતરિક્ષયાનને નિયંત્રિત કરવાની અને કટોકટીના નિર્ણયો લેવાની જવાબદારી રહેશે. એવું કહી શકાય કે શુભાંશુ આ મિશનમાં સેકન્ડ-ઇન-કમાન્ડની ભૂમિકામાં રહેશે. પેગી વ્હિટસન પછી, તેઓ એકસીઓમ-૪ ના સૌથી મહત્ત્વપૂર્ણ વ્યક્તિ હશે.
એકસીઓમ સ્પેસની વેબસાઇટ અનુસાર, એકસીઓમ-૪ મિશન દરમિયાન, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ૬૦ થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગો કરવામાં આવશે. જેમાં ૩૧ દેશોના વૈજ્ઞાનિકો અને સંસ્થાઓનો સમાવેશ થાય છે. ભારત અને નાસા વચ્ચે સંયુક્ત સહયોગમાં ૧૨ પ્રયોગો કરવામાં આવશે, જેમાં ૭ પ્રયોગ ભારત દ્વારા કરવામાં આવશે. જેનો ઉદ્દેશ્ય ભારતમાં સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણ સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે. તેમજ ૫ અમેરિકન સંશોધન પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ પ્રયોગો મુખ્યત્વે જૈવિક વિજ્ઞાન, માનવ સ્વાસ્થ્ય, અંતરિક્ષ જીવન પ્રણાલીઓ અને મોર્ડન ટેકનોલોજી પર આધારિત હશે.
ભારત ૨૦૩૫ સુધીમાં પોતાનું અંતરિક્ષ મથક બનાવવાનું અને ૨૦૪૭ સુધીમાં ચંદ્ર પર અંતરિક્ષ યાત્રીઓ મોકલવાનું લક્ષ્ય ધરાવે છે. ભારતે તેના માટે તૈયારી શરૂ કરી દીધી છે. તેમજ શુભાંશુ શુક્લા ગગનયાન મિશનનો ભાગ ન હોવા છતાં, એકસીઓમ-૪ માંથી મેળવેલ તેમનો અનુભવ ગગનયાન અવકાશ યાત્રીઓની તાલીમ અને મિશન ડિઝાઇનમાં ઉપયોગી સાબિત થશે. આ મિશન ભારતને પોતાનું અંતરિક્ષ મથક બનાવવાની પણ મદદ કરશે.
એકસીઓમ-૪ મિશન ભારતની વૈશ્વિક વૈજ્ઞાનિક છબિને મજબૂત બનાવશે અને આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવામાં મદદ કરશે. શુભાંશુ શુક્લા રાકેશ શર્મા પછી ભારતના બીજા અંતરિક્ષયાત્રી બનશે, જે અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતની સાતત્ય અને વિકાસને સ્પષ્ટપણે દર્શાવે છે.
મિશન હેઠળ લોન્ચિંગ ૨૯ મેના રોજ થવાનું હતું, પરંતુ ફાલ્કન ૯ રોકેટના બૂસ્ટરમાં અને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના જૂના રશિયન મોડયુલમાં લીકવીડ ઓકિસજનનું લીકેજ જોવા મળ્યા બાદ, તેને પહેલા ૮ જૂન, પછી ૧૦ જૂન અને પછી ૧૧ જૂન સુધી મુલતવી રાખવામાં આવ્યું. આ પછી, લોન્ચિંગ યોજના ફરીથી ૧૯ જૂન સુધી મુલતવી રાખવામાં આવી અને પછી લોન્ચિંગ તારીખ ૨૨ જૂન નકકી કરવામાં આવી. ૨૨ જૂનના લોન્ચિંગને મુલતવી રાખવામાં આવ્યા બાદ, હવે આજે લોન્ચ કરાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial