Advertisement
Author: નોબત સમાચાર

બીત ગઈ સો બાત ગઈ... નયે સાલ મેં લિખેંગે હમ મિલકર નઈ કહાની...

                                                                                                                                                                                                      

વર્ષ ર૦રપ પૂરૃં થયું અને તેમાં જે તકલીફો પડી હોય, આફતો આવી હોય, વિનાશ વેરાયો હોય કે ભૂલો થઈ હોય, તે ભૂલીને આગળ વધીએ અને નવા વર્ષમાં કાંઈક નવું કરીએ... નવા સોપાનો સર કરીએ... સપનાઓ સાકાર કરીએ અને ભૂતકાળની ભૂલોમાંથી શીખીને તથા અનુભવોના આધારે આપણી જિંદગી સુધારીએ, સંબંધો સુધારીએ અને સારા સંબંધોને વધુ મજબૂત કરીએ. 'નોબત' પરિવાર અને માધવાણી પરિવાર 'નોબત'ના પ્રિયા વાચકો, એડવર્ટાઈઝર્સ, વિતરકો, પત્રકારો, પ્રતિનિધિઓ તથા 'નોબત'ના સ્પશિયલ મીડિયાના વિવિધ પ્રકલ્પો સાથે સંકળાયેલા ફોલોઅર્સ તથા શુભેચ્છકોને નવા વર્ષની ખૂબ કામનાઓ પાઠવીએ...

એવું નથી કે વિતેલા વર્ષમાં બધું જ હાનિકારક અને નાકારાત્મક જ હતું. આપણે, આપણાં પરિવારે, સમાજે અને સરકારે જે સિદ્ધિઓ હાંસલ કરી હોય, પ્રગતિ કરી હોય, સત્કાર્યો કર્યા હોય, તેને સ્મરીને તથા મમળાવીને તે દિશામાં જ આગળ વધીએ. ગયા વર્ષે જે ગુમાવ્યું હોય, તે પુનઃ મેળવવાનો પ્રયાસ કરીએ અને જે મળ્યું નથી, તે આશા અને પ્રામાણિક રસ્તે મેળવવાનો પ્રયાસ કરીએ. બીત ગઈ સો બાત ગઈ... દુઃખદભરી યાદો ભૂલી જઈને નવા વર્ષે નવી કેડી કંડારીને તેને ધોરીમાર્ગ બનાવવાનો પ્રયાસ કરીએ, અને ગણગણીએ...

નયે સાલ મેં લિખેંગે હમ મિલકર નઈ કહાની,

હમ હિન્દુસ્તાની... હમ હિન્દુસ્તાની

આજથી યુપીઆઈ અને પાનકાર્ડ સંબંધિત નવા નિયમો અમલી બન્યા છે. પી.એમ. કિસાન યોજના માટે નિયત ઓળખપત્ર ફરજિયાત બનાવાયું છે, પરંતુ જે રાજ્યોમાં હજુ ઓળખપત્રો આપવાનું શરૂ થયું ન હોય ત્યાં હાલતુરત રજિસ્ટ્રેશનની છૂટ અપાઈ છે અને જંગલી પશુઓના કારણે ખેતીનો પાક બરબાદ થાય, અને તેની તત્કાળ જાણ કરવામાં આવે, તો તેની સહાયની પણ યોજના અમલમાં મૂકાઈ રહી હોય તો તેથી ખેડૂતોને રાહત થવાની છે. કર્મચારીઓ અને પેન્શનરોમાં આઠમા પગાર પંચને લને કુતૂહલ હતું, તો નવા વર્ષથી વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્ર પણ વધુ રાહતોની ઉમ્મીદ રાખી રહ્યું હતું, પરંતુ તે માટે હવે ફેબ્રુઆરીમાં કેન્દ્રનું બજેટ આવે, તેની રાહ જોવી પડશે, તેમ જણાય છે.

આ ઉપરાંત આજથી ક્રેડિટ કાર્ડના નિયમો, ઈન્કમટેક્સના નવા રિટર્ન ફોર્મ્સ તથા અન્ય પ્રક્રિયાત્મક ફેરફારો પણ થવા જઈ રહ્યા છે.

આજથી પાઈપલાઈન ગેસ (પીએનજી) ના ભાવોમાં ઘટાડો થયો છે, અને ઘરેલુ એલપીજીમાં ઘટાડાની ઉમ્મીદ પણ લોકોને હતી, પરંતુ તે યથાવત્ રહ્યા છે, જો કે કોમર્શિયલ એલપીજીમાં આજથી રૂ।. ૧૧૧ નો વધારો ઝીંકી દેવાયો છે.

આ ઉપરાંત ડિજિટલ પેમેન્ટના નિયમો પણ વધુ ચૂસ્ત અને સખ્ત બનશે, તેવી ધારણા પહેલીથી જ હતી. આજથી પાનકાર્ડ અને આધાર કાર્ડ લિન્ક કરેલા નહીં હોય, તેઓને નાણાકીય વ્યવહારોમાં મુશ્કેલી પડી શકે છે. તે ઉપરાંત વર્ષ ૧૯૬૧ ના કાયદાના સ્થાને નવો આવકવેરા કાયદો પણ આજથી લાગુ થવાની પૂરેપૂરી સંભાવના છે. આજથી બેન્કીંગ સેક્ટરના ક્રેડિટ સ્કોર, ટેક્સ વગેરેમાં બદલાવ થયા છે, કાર મોંઘી થઈ છે, નવી એમએએસ યોજના લાગુ થઈ છે.

ગુજરાત સરકારે નવા વર્ષના પહેલા જ દિવસથી લાગુ થાય તેવી રીતે કેટલાક આઈપીએસ તથા આઈએએસ અધિકારીઓને પ્રમોશન આપવાના આદેશ પણ કર્યા છે. કુલ ૧૯ ઉચ્ચ અધિકારીઓને બઢતી મળી છે. તે ઉપરાંત બીજા ૩પ જેટલા ગુજરાતના ઉચ્ચ અધિકારીઓને સિલેક્શન ગ્રેડ અથવા જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડમાં બઢતી મળી છે. આમ આ અધિકારી વર્ગ માટે નવું વર્ષ ખુશી લઈને આવ્યું છે, તેમ કહી શકાય, જો કે એક તરફ અધિકારીઓને પ્રમોશન અપાયા, તો બીજી તરફ હજારો પોલીસ કર્મીઓનો પગાર ગ્રાન્ટના અભાવે અટવાયો હોવાના અહેવાલો હતાં!

બીજી તરફ ગુજરાતની જનતા પર પણ નવા વર્ષના પ્રારંભે જ એસ.ટી. બસ ભાડામાં વધારાનો બોજ નંખાયો છે. થોડા મહિના પહેલા જ એસ.ટી.ના ભાડામાં ૧૦ ટકાનો વધારો કરાયો હતો, અને ગત્ મધ્ય રાત્રિથી જ (વર્ષ ર૦ર૬ ના પ્રારંભે જ) ફરીથી એસ.ટી.ના બસભાડામાં ત્રણ ટકાનો વધારો ઝીંકી દેવાયો છે. તે પહેલા રેલવે તંત્રે પણ રેલવેના કેટલાક ભાડામાં વધારો કરવાની વાત કરી હતી, જો કે નવ કિલોમીટર સુધી કોઈ વધારો લાગુ નહીં પડે, અર્થાત બસનો રૂટ જ્યાંથી શરૂ થાય તે બસસ્ટેન્ડ કે બસડેપો અથવા બસસ્ટોપથી ૯ કિલોમીટરના અંતર સુધી આ ત્રણ ટકાનો વધારો લાગુ નહીં પડે તેવા અહેવાલો હતાં, પરંતુ ગેસમાં રાહત આપીને પબ્લિક પરિવહનના ભાડાઓમાં વર્ષના પ્રારંભે જ વધારો ઝીંકી દેવાતા લોકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે.

બીજી તરફ ગુજરાત સરકારે રાજ્યની તમામ શાળાઓ, યુનિવર્સિટીઓ, શાળા-કોલેજો તથા ખાનગી કોચીંગ ક્લાસો વિગેરે માટે એક નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈન મેન્ટલ હેલ્થ પોલિસીના સંદર્ભે આપવામાં આવી હોય તેમ જણાય છે.

વિદ્યાર્થીઓની આત્મહત્યાઓ અટકાવવા રાજ્ય સરકારે તમામ પ્રકારની શૈક્ષણિક અને તાલીમી સંસ્થાઓને સાંકળીને આ ગાઈડલાઈન્સ જાહેર કરી હોવાનો દાવો કરાયો છે. કોલેજ અને યુનિવર્સિટીઓમાં દર ૧૦૦ વિદ્યાર્થી દીઠ ઓછામાં ઓછો એક ક્વોલિફાયડ કાઉન્સિલર રાખવો પડશે, અને તેથી ઓછી સંખ્યા હોય તો બાહ્ય માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો સાથે સંકલન કરીને ફરજિયાત વૈકલ્પિક રેફરલ વ્યવસ્થાઓ ઊભી કરવી પડશે. જ્યારે જ્યારે સિલેબસ. બદલે, અભ્યાસક્રમ કે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર થાય ત્યારે પૂરેપૂરી માહિતી અને માર્ગદર્શન પૂરા પાડવાની વ્યવસ્થાઓ અચૂક કરવી પડશે. બિનશૈક્ષણિક-સ્ટાફ સહિત તમામ શિક્ષકોને વર્ષમાં કમ-સે-કમ બે વખત માનસિક સ્વાસ્થ્યના લક્ષણોની ઓળખ કરવા માટે તાલીમ આપવી પડશે.

ખાનગી ટ્યુશન-કોચીંગ ક્લાસીસ માટે પણ અત્યંત કડક નિયમો બનાવાયા છે, અને મંજુરી વિના જ ધમધમતા કોચીંગ ક્લાસો પર સકંજો કસાવાનો છે.

શૈક્ષણિક સંસ્થાઓ, શાળા-કોલેજો-યુનિવર્સિટીઓને આત્મહત્યા નિવારણ માટે તત્કાળ રેફરલ પ્રોટોકોલ તૈયાર કરવા, અને તેને સંલગ્ન માળખું ઊભું કરીને તેને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવા, રેગિંગ, જાતીય સતામણી, દાદાગીરી, બ્લેકમેઈલીંગ, ગુંડાગર્દી કે કોઈપણ પ્રકારના ભેદભાવ અંગે ગુપ્ત ફરિયાદ કરવાની ચૂસ્ત વ્યવસ્થા ઊભી કરીને તત્કાળ એક્સન લેવાની વ્યવસ્થા ઊભી કરવા, હોસ્ટેલો, છાત્રાલયોમાં સુરક્ષા-સલામતી વધારવા, આત્મહત્યાનું માધ્યમ બનતા સીલીંગ ફેન, બાલ્કનીઓ વગેરેના સંદર્ભે વોચીંગ, નિયમન અને નિયંત્રણની વ્યવસ્થાઓ કરવા સૂચવાયુ હોવાના અહેવાલો છે.

ગુજરાતમાં પહેલેથી જ સહકાર ક્ષેત્ર મજબૂત છે. હવે આ માળખું વિસ્તારવા રાજ્ય સરકારે નવી ૯ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોનો મંજુરી આપી દેતા ખેડૂતોને નવા વર્ષથી સરળ ધિરાણ, ઘરઆંગણે બેન્કીંગ સુવિધા અને નજીકના સ્થળેથી જ નાના-મોટા નાણાકીય અને બેન્કીંગ કામકાજ સંપન્ન કરવાની સુવિધા મળશે, તેવો દાવો કરાયો છે.

આજથી જે ફેરફારો થઈ રહ્યા છે કે, નવી સુવિધાઓ ઊભી થઈ રહી છે, તે ઉપરાંત કેટલાક નવા નિયમો તથા ભાડાવધારાનો બોજ જનતા પર પડવા જઈ રહ્યો છે, અને કેટલીક બાબતોમાં રાહત પણ મળવા જઈ રહી છે, તેના ભલે મિશ્ર પ્રતિભાવો પડી રહ્યા હોય, પરંતુ નવા વર્ષમાં પડકારોને પહોંચી વળીને તથા સાથે મળીને પરિવાર, સમાજ અને દેશને નવી ઊંચાઈએ લઈ જવા તથા સપના સાકાર કરવાની મહત્ત્વાકાંક્ષી ઉમ્મીદો સાથે નવા વર્ષને વધાવીએ...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh