Advertisement
Author: નોબત સમાચાર

હાલારની રાજપૂત સંસ્થાઓ દ્વારા વીર શિરોમણી મહારાણા પ્રતાપ જયંતીની ભવ્ય ઉજવણી

વિરાટ બાઈક રેલી, પ્રતિમાને પુષ્પાંજલિ, શૌર્ય પ્રદર્શન, જનસભા તથા પ્રિતી ભોજનનાં કાર્યક્રમ યોજાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.૩૦ : જામનગરમાં વીર શિરોમણી મહારાણા પ્રતાપની ૪૮૫ મી જન્મજયંતીની જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં રાજપૂત સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. હાલારના બંને જિલ્લાનાં રાજપૂત સમાજની તમામ સંસ્થાઓ દ્વારા ક્ષત્રિય કુળભૂષણ, મહાન રાષ્ટ્ર ભક્ત,  હિંદવા સૂરજ મહારાણા પ્રતાપ ની જન્મ જયંતિનાં ઉત્સાહ સભર અને હર્સોલ્લાસપૂર્ણ ઉજવણી માટે બાઇક રેલી, શૌર્ય પ્રદર્શન, મહારાણાની પ્રતિમાને પુષ્પાંજલિ અને સભા તથા  પ્રિતી ભોજન સહિતનાં  આયોજન કરવામાં આવ્યા હતાં.

 ગાંધીનગર મેઇન રોડ પર આવેલી વિશ્વકર્મા વાડીએથી અંદાજે ૫૦૦૦ જેટલા રાજપૂત વડીલો અને યુવાનો  એકઠા થઈને બાઈક રેલીમાં જોડાયા હતા.

એક બાઈક ઉપર બે વ્યક્તિ એમ અંદાજે ૨૫૦૦ બાઈક ઉપર સવાર રાજપુત વડીલો અને યુવાનો ની બાઈક રેલીમાં જોડાયા હતા

    જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ પી.એસ. જાડેજા, પૂર્વ રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા)જાડેજા અને જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ  પ્રસ્થાન કરાવી હતી. આ ત્રણેય મહાનુભાવો ઉપરાંત રાજપૂત સમાજનાં ઉપપ્રમુખ નવલસિંહ જાડેજા, માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન પ્રવીણસિંહ ઝાલા, દીપસિંહજી રાજપૂત છાત્રાલય, ધ્રોલના પ્રમુખ પી.એસ.જાડેજા, કરણી સેનાના દોલુભા જાડેજા અને કાન્તુભા જાડેજા સહિત અનેક આગેવાનો પણ બાઈક રેલીમાં જોડાયા હતા.

 બાઈક રેલી વિશ્વકર્મા વાડી થી પ્રસ્થાન કરીને ડી.કે.વી. કોલેજ, જી.જી. હોસ્પિટલ, અંબર ચોકડી,  ત્રણ બત્તી, સુપર માર્કેટ, ટાઉનહોલ તેમજ લાલ બંગલા  સર્કલ થઈને ક્રિકેટ બંગલા સામે, રાજપૂત સમાજ ભવન પાસે આવેલી મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થળે પહોંચી હતી.

 બાઇક રેલી દરમિયાન તમામ બાઈક સવાર વડીલો અને યુવાનોએ રાજપૂતી સંસ્કાર  અને સ્વયં શિસ્તનું દર્શન જામનગરની જનતાને કરાવ્યું હતું.

 ડીજેના તાલે શોર્ય ગીત સાથે રેલી પ્રસ્થાન થઈને પ્રતિમા સ્થળે પહોંચી એ દરમિયાન યુવાનો દ્વારા જોશભેર મહારાણા પ્રતાપનો જયઘોષ સતત પણે ઉત્સાહ અને ઉમંગથી કરવામાં આવી રહૃાો હતો.

 બાઈક રેલી જુના રેલવે સ્ટેશન પાસે પહોંચી ત્યારે વિશાળ સંખ્યામાં રાજપૂત યુવાનો અને વડીલો મહારાસ રમ્યા હતા  અને  વિશિષ્ટ પ્રકારની તેમજ રાજપૂત સંસ્કૃતિના દર્શન કરાવતી તલવારબાજીના વિવિધ પ્રકારના દાવો રજૂ  કરીને શૌર્ય પ્રદર્શન વડે લોકોને આશ્ચર્યચક કરીને અભિભૂત કર્યા હતા.

રેલી મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે પહોંચી ત્યારે અંદાજે ૫૦૦ જેટલા રાજપૂત સમાજના માતાઓ, બહેનો અને દીકરીબા પણ મહારાણા પ્રતાપને પુષ્પાંજલિ અર્પણ કરવા જોડાયા હતા.

પુષ્પાંજલિ કાર્યક્રમ પૂર્ણ કરીને તમામ બાઇક સવાર  યુવાનો વડીલો અને બહેનો સહિત અંદાજે ૫૫૦૦ જેટલા લોકો કષ્ટભંજન હનુમાનજી મંદિર, ગાંધીનગરમાં પહોંચ્યા હતા અને ત્યાં વિશાળ જગ્યામાં વિશાળ જન મેદનીની સભા યોજવામાં આવી હતી.

આ સભાને એડવોકેટ ગજેન્દ્રસિંહ ઝાલા, કરણી સેનાના કાંતુભા જાડેજા, મહિલા કરણી સેનાના અધ્યક્ષ અને કાર્યક્રમના પ્રિતી ભોજનના દાતા નૈનાબા જાડેજા, રાજપૂત સમાજના અગ્રણી ઉદ્યોગપતિ સી.આર. જાડેજા, ધારાસભ્ય રિવાબા જાડેજા, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા તેમજ સભાના અધ્યક્ષ અને રાજપૂત સમાજના પ્રમુખ પી. એસ. જાડેજા સહિતનાં વક્તાઓએ રાજપૂત સમાજના સાંપ્રત સમયમાં પ્રવર્તતા પ્રશ્નો અને તેના નિવારણ સંદર્ભમાં પોતાના અસરદાર વિચારો રજૂ કર્યા હતાં તથા સામાજિક કુરીવાજોને જડમૂળથી તિલાંજલિ આપવા, વ્યસન મુક્ત આદર્શ સમાજ, શૈક્ષણિક સ્તર ઉચુ લાવવા, સ્વરોજગારી, આર્થિક અને વ્યવસાયિક ક્ષેત્રે આત્મ નિર્ભર સમાજ, દાંપત્ય જીવન અને પારિવારિક તેમજ સામાજિક જીવનના પ્રશ્નો નિવારણ માટે મજબૂત વ્યવસ્થા તંત્રની રચના માટે કાર્ય કરવાના શુભ હેતુ સાથે આગામી સમયમાં વર્ષ દરમિયાન ત્રણથી ચાર ચિંતન શિબિરનું આયોજન કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.

સભા પૂર્ણ થયા બાદ ઉપસ્થિત લગભગ ૫૫૦૦ લોકોએ સામૂહિક મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે હાલારની તમામ સંસ્થાઓના જવાબદાર હોદ્દેદારો અને કાર્યકરોએ દિવસ રાત મહેનત કરી હતી, જે રંગ લાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh