Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુરતના વેપારી દ્વારા સોના-ચાંદીના તથા હીરાના આભૂષણો ચાર્ટર પ્લેનથી મોકલાયાઃ લખનૌની સંસ્થાએ પ્રસાદના પેકેટ પહોંચાડયા
અયોધ્યા તા. ૫:અયોધ્યામાં રામલલ્લાની ગર્ભગૃહની ઉપર પહેલા માળે રામ દરબારની પ્રાણપ્રતિષ્ઠા વૈદિક મંત્રો સાથે પૂર્ણ થઈ છે. પ્રાણપ્રતિષ્ઠાના આ ખાસ કાર્યક્રમમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતા અને સૌ પ્રથમ મુખ્યમંત્રી યોગીએ ભગવાનના દરબારમાં માથું ટેકવ્યું હતું.
આજે અયોધ્યા રામ મંદિરમાં રામ દરબારની અભિજીત મુહૂર્તમાં પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થઈ છે. સીએમ યોગીએ રામ દરબારની પૂજા કરી હતી. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સવારે ૧૧.૨૫ થી ૧૧.૪૦ વાગ્યા સુધી ચાલ્યો હતો. રામ દરબાર રામલલ્લાના ગર્ભગૃહની ઉપર એટલે કે પહેલા માળે બનાવવામાં આવ્યો છે.
ભગવાન રામ, માતા સીતા, ત્રણ ભાઈઓ- લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન તેમજ હનુમાનજીની મૂર્તિઓની કાશીના પૂજારી જય પ્રકાશ ત્રિપાઠીએ ૧૦૧ પંડિતોની મદદથી પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. મંત્રોચ્ચાર પછી મૂર્તિઓની આંખો પરની પટ્ટીઓ ખોલવામાં આવી હતી અને તેમને અરીસો બતાવવામાં આવ્યો હતો.
સુરતના ઉદ્યોગપતિ મુકેશ પટેલે રામ દરબાર માટે હીરા, સોના અને ચાંદીના ઘરેણાંનુ દાન કર્યું છે. આ આભુષણો ચાર્ટર પ્લેનથી અયોધ્યા લાવવામાં આવ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નાવાડિયાએ જણાવ્યું હતું કે દાનમાં મળેલા ઘરેણાંમાં ૧૧ મુગટ એક હજાર કેરેટના હીરા, ૩૦ કિલો ચાંદી, ૩૦૦ ગ્રામ સોનું, ૩૦૦ કેરેટ રૂબીમાંથી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, ચારેય ભાઈઓ માટે ગળાનો હાર, કાનના કુંડળ, કપાળનું તિલક, ધનુષ્ય-બાણ છે.
ઉલ્લેખનિય છે કે, રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ એટલે કે ૪૯૮ દિવસ પહેલા થઈ હતી. આજે રામ દરબાર ઉપરાંત, મંદિરના ગ્રાઉન્ડ ફલોર પર બનેલા ૬ મંદિરોમાં પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જેમાં ભગવાન શિવ, શ્રી ગણેશ, હનુમાન, સૂર્ય ભગવાન, મા ભગવતી, મા અન્નપૂર્ણાની મૂર્તિઓનો પણ સમાવેશ થાય છે.
ગયા વર્ષે, રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠામાં દેશભરના મોટા ઉદ્યોગપતિઓ અને ફિલ્મ હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આજે, રામ દરબારની પ્રાણપ્રતિષ્ઠામાં ૩૫૦ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાંના મોટાભાગના ટ્રસ્ટના અધિકારીઓ અને સંતો છે.
જયપુરમાં રામ દરબારની મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે. આ મૂર્તિઓ મકરાણાના સફેદ આરસપહાણની બનેલી છે. ભગવાન શ્રી રામ અને સીતા સિંહાસન પર બિરાજમાન છે. ભરત અને હનુમાનજી ભગવાન શ્રી રામના ચરણ પાસે બેઠા છે.
શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના જણાવ્યા મુજબ, રામ મંદિર ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં પૂર્ણ થઈ જશે. આવી સ્થિતિમાં, રામ મંદિરમાં શું બાંધકામ બાકી છે તે જાણવું મહત્ત્વપૂર્ણ છે. વાસ્તવમાં, રામ મંદિરની બહાર બનેલા કિલ્લા વચ્ચેનો રસ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે નવેમ્બર ૨૦૨૫ સુધીમાં પૂર્ણ થશે. આ પરિક્રમા માર્ગ લગભગ ૮૦૦ મીટર લાંબો છે.
આ ઉપરાંત, રામ મંદિરની આસપાસ ૪ કિમી લંબાઈની સુરક્ષા દિવાલનું બાંધકામ હજુ બાકી છે. રામ મંદિર તરફ આવવા માટે લગભગ ૧૧ દરવાજા બનાવવાના છે, જેમાંથી રામ જન્મભૂમિ માર્ગ પર ફકત ૧ દરવાજો બનાવવામાં આવ્યો છે. ગેટ નંબર ૧૧ કુબેર ટીલા નજીક ક્ષીરેશ્વર મંદિરની સામે છે, અહીંથી હાલમાં વીઆઈપી પ્રવેશ કરવામાં આવે છે. ગેટ નંબર ૩ નિર્માણાધીન છે અને લોકો ગેટ નંબર ૨ થી દર્શન માટે જાય છે, પરંતુ તેને પણ શરૂઆતથી ભવ્ય બનાવવો પડશે.
ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું હતું કે શેષાવતાર મંદિર હજુ નિર્માણાધીન છે જેનું સમગ્ર બાંધકામ જુલાઈ સુધીમાં જ પૂર્ણ થશે, પરંતુ ગર્ભગૃહનું નિર્માણ થઈ ગયું છે, તેથી ટ્રસ્ટે વૈદિક વિદ્ધાનોની સલાહ લીધા પછી તેમાં લક્ષ્મણજીની પ્રતિમા સ્થાપિત કરી છે.
રામ દરબાર અને કિલ્લા વચ્ચે બનેલા ૬ દેવી-દેવતાઓના મંદિરોની સાથે, શેષવતાર મંદિરમાં લક્ષ્મણજીની પણ પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવશે. જો કે આ મંદિર હજુ નિર્માણાધીન છે, પરંતુ ગર્ભગૃહનું બાંધકામ પૂર્ણ થઈ ગયું હોવાથી, ટગ્રસ્ટે લક્ષ્મણજીની પ્રતિમાને વનવાસીની મુદ્રામાં સ્થાપિત કરી છે. આ મંદિરનું શિખર હજુ સુધી બનાવવામાં આવ્યું નથી, તેનું લગભગ ૧૦% કામ હજુ બાકી છે.
પ્રસાદ વિતરણ
લખનઉની મીઠાઈ સંસ્થા છપ્પન ભોગ એ રામ દરબાર માટે પ્રસાદના ૬૨ હજાર પેકેટ મોકલ્યા છે, જે સામાન્ય ભકતોમાં વહેંચવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં, ૧૦૧ વૈદિક આચાર્યોએ દિવસ-રાત વૈદિક મંત્ર જાપ સાથે ધાર્મિક વિધિઓ કરી છે. પ્રસાદમાં દેશી ઘી બુંદી અને બરફીના પ્રસાદના પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. દરેક પેકેટ ખાસ ડિઝાઈન કરેલા બોકસમાં પેક કરવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial