Advertisement
Author: નોબત સમાચાર

અમને જર્જરિત કાચા મકાનની જગ્યાએ પાકું ઘર મળ્યું એ જ અમારી દિવાળીઃ લાભાર્થી

ખંભાલીયા તાલુકાના કાકાભાઈ સિંહણ ગામના શ્રમિકનો પ્રતિભાવ

ખંભાળીયા તા. ૩૧: 'દુનિયાનો છેડો ઘર એમ' કહેવાય છે, કારણ કે, ઘર એ આરામ, શાંતી અને સ્નેહનું સરનામું છે. પરંતુ, જો ઘર પાકું ન હો તો તે ઘરના સરનામે જોખમ પણ દસ્તક દે છે. ભારે વરસાદ અને પવનની પરિસ્થિતિમાં દિવાલ નબળી પડવા, ઝુકી જવાની કે દીવાલનો આધાર જતાં ઘર પડી જવાની બીક સતત રહેતી હોય છે. દેશના તમામ ગામોમાં રહેતાં એવા પરિવારો કે જેમની પાસે રહેવા માટે પાકું મકાન નથી, તેમને ઘર બનાવવા માટે સહાય મળે અને 'સૌ ને માટે ઘર' થકી વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થાય તે હેતુથી સરકાર દ્વારા વિવિધ આવાસ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.   

પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ઘરવિહોણાં પરિવારોને પાકું મકાન બનાવવા માટે ૧.૨ લાખ જેટલી નાણાંકીય સહાય આપવામાં આવે છે. સરકાર દ્વારા સામાવેશી અભિગમ અપનાવીને 'સ્વરછ ભારત મિશન' હેઠળ શૌચાલય અને બાથરૂમ સહાય, મનરેગા અંતર્ગત મજુરીની રકમ તેમજ જમીનવિહોણા લોકોને જમીન ફાળવણી માટે 'ઘરથાળ યોજના' દ્વારા અથવા વિચરતી વિમુક્ત જાતિઓ માટે પ્લોટ વિતરણ યોજના અંતર્ગત સહાયને આ યોજના સાથે જોડીને ઘર બનાવવા માટે નાગરિકોને વધુમાં વધુ લાભ આપવા પ્રયત્ન કરવામાં આવે છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકામાં આવેલ કાકાભાઈ સિંહણ ગામના લાભાર્થી અમૃતલાલ ડગરા મજુરીકામ કરે અને તેમનો પુત્ર છુટક કલરકામ કરે. લાભાર્થીના પત્ની મલુબેન જણાવે છે કે, નળિયાવાળા મકાનમાં અમે રહેતાં, એ કાચા જુના મકાનમાં દર ચોમાસે ભેજ ઉતરે અને નળિયામાંથી પાણી પડે. વધારે વરસાદ હોય તો દીવાલ નમી જશે અને પડશે તેવા ડરથી રાત રાત જાગતી પસાર થાય અને ઉંઘ ન આવે. સતત ચિંતા રહે અને દર વર્ષે ભગવાનને પ્રાર્થના કરું કે આ ચોમાસું હેમખેમ પસાર થઈ જાય તો સારું. વળી, મકાન પણ ઘણાં વર્ષો પહેલાનું, એટલે નીચી જમીન. ચોમાસામાં પાણી અંદર ન આવે તે માટે પાળ કરવી પડે, વધારે વરસાદ આવે તો પાળ ઉપર થઈને પાણી ઘરમાં ભરાય.

આમારી સામાન્ય આર્થિક પરિસ્થિતિ જોતાં અમને પાકું મકાન બનાવી શકીશું એવી કોઈ આશા નહોતી. પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનામાં સહાય મળતાં નળિયાવાળા મકાન પાસેની જગ્યા પર અમે પાકું મકાન બનાવ્યું છે. ઓસરી, બેડરૂમ સાથે લગત બાથરૂમ, રસોડુ, શૌચાલયની સુવિધાવાળું પાકું મકાન બન્યું છે. આ મકાન બનાવવા માટે સરકારની લગભગ ૧.૫ લાખ જેટલી કુલ સહાય મળી છે. અમારા જેવા જે પણ ગામડાનાં પરિવારોને મકાનની જરૂર હોય તેમણે આ યોજનાનો લાભ લેવા મારી વિનંતિ છે.

સજળ નેત્રે તેમણે જણાવ્યું હતું કે, અમને ઘર બનાવવા માટે સહાયરૂપ થવા માટે સરકારનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. પાકું મકાન બન્યું તે અમારા માટે દિવાળી સમું છે.

આ યોજનાનો લાભ લેવા તેમજ વધુ માહિતી માટે ગ્રામ પંચાયતમાં તલાટી કે વી.સી.ઈ.નો સંપર્ક કરીને અરજી કરી શકાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh