Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંજય આજે ઘણો મૂડમાં હતો, રોજ તો ઓફિસ જવા માટે ભાગમભાગ હોય પણ આજે નિરાંત હતી એનું કારણ એવું હતું કે જ્યારથી નોકરીએ લાગ્યો હતો ત્યારથી રોજ એને એક મિટિંગ હોય, એક ટેન્ડર ભરવાનું હોય, એની કંપની કોન્ટ્રાક્ટ લેવાના કામ કરતી હતી..અને એને એની કુશળતા ઉપરાંત ખાસ એના સ્વભાવ અને વાતચીતની શૈલીને કારણે નોકરી મળી ગઈ હતી... એ ઇન્ટરવ્યૂમાં આવ્યો ત્યારે જ કંપનીના ચેરમેનને એ ગમી ગયેલો.. કોઈપણ બાબતે સવાલ સામે એ જવાબ આપતા તો એના બધા પાસા વર્ણવતો હતો.. એને ડિરેક્ટર કહે કે તમે જે રીતે વિચારો છો એ રીતે તો કોઈ આપણને કામ આપે જ નહિ... તો સંજય સાબિત કરી આપતો, એની વાતચીત અને હળવી દલીલોથી... ચેરમેન ખાલી બેઠા હતા અને સાંભળતા હતા..બધું પત્યા પછી ચેરમેન કે જે ભાગ્યે જ નિમણૂંક બાબત બોલે એ બોલ્યા કે સંજય કુમાર, બધું બરાબર છે હવે તમે એમ કહો કે જો તમને આ કંપનીમાં હાયર કરવામાં આવે તો તમે શું વેતનની અપેક્ષા રાખશો.. એચ આર ઓફિસર અને બીજા ડાયરેક્ટર જોઈ જ રહ્યા કે બિગ બોસ ક્યારેય બોલે નહિ એ આજે અચાનક ? પછી ચેરમેન બોલ્યા કે મેં જોયું કે આ સાચું રતન ગુમાવાય એવું નથી... બધા ને ચેરમેનની પારખું નજર અને નિર્ણયો માટે માન તો હતું જ.. સંજયની નિમણૂંક થઇ ગઈ અને સંજયે બીજા જ અઠવાડિયાથી જે પરિણામ આપવા માંડયા એ આશ્ચર્યજનક હતા...
એક પછી એક મોટા કોન્ટ્રાકટ મળવા લાગ્યા.. આજે એ કંપની ક્યાં પહોંચી ગયેલી? રાષ્ટ્રીય સ્તરે નામના થઇ ગયેલી.. એમડી એ પૂછેલું એક વાર કે આ કુશળતા ક્યાંથી? તો એ કહે મહેરબાની અને આશીર્વાદ *ઈશ્વરના*, ચેરમેને કહેલું* આ રતન ગુમાવાય એવું નથી* એ સાર્થક થયું... હવે સંજયની એક ટીમ તૈયાર થઇ ગયેલી... એમના માર્ગદર્શનમાં કામ ચાલતું... અને એ હવે બોર્ડ ઓફ ડાયરેક્ટર માં આવી ગયેલો... હવે એનો બધો ભાર નવા નિમાયેલા ઓફિસરોએ લઈ લીધેલો.. છતાં બધું એની દોરવણી મુજબ થાય, પ્રપોઝલ એના કહેવા મુજબ થાય અને મિટિંગો, વાતચીત એ જ કરે.. એટલે જ આજે એ એકદમ રિલેક્ષ હતો... રોજ કારમાં ઓફિસ જતા કાર ડ્રાઇવર ચલાવતો હોય અને એ ફાઈલ ઉથલાવતો હોય... આજે શાંતિથી બેઠો હતો અને હાથમાં આઇપોડ હતું એમાં મ્યુઝિક સાંભળતો હતો... ડ્રાઇવર કનુભાઈ પણ ખુશ હતા. કારણ આજે સાહેબ રિલેક્ષ છે...
અહીં એક ખાસ વાત નોંધવા જેવી એ છે કે આ કનુભાઈ ડ્રાઇવર જ નહિ પણ કંપનીના પ્યુન, નાના વર્કર, ક્લેરિકલ સ્ટાફ બધાના પ્રિય હતા સંજય સર, એનું કારણ એક જ * સંજયનો માનવીય અભિગમ* બધાનું ધ્યાન રાખે... કોઈ સાજુ માંદુ હોય કોઈને કોઈ તકલીફ હોય ઘરમાં પ્રસંગ હોય તો એને કોઈ તકલીફ નથી ને ? એ જુવે અને મદદ કરે... એ ગમે એટલો વ્યસ્ત હોય ચિંતામાં હોય પણ એના સ્ટાફ પર ગુસ્સે ન થાય... બીજા ઓફિસર ગુસ્સે થાય તો કહે કે આવું વર્તન નહિ કરવાનું ,એ પણ માણસ છે.. એને પણ સન્માન વ્હાલું હોય... એટલે બધાને ગમે... કનુભાઈને તો ઘણાં અનુભવ થયા હોય, એકવાર સંજય સાથે એક કંપનીની મિટિંગમાં જતા હતા ત્યારે રસ્તામાં કાર ઊભી રાખી કહ્યું કે ક નુભાઈ બે મોટા તરબૂચ લઇ લો... લઈને ડિકીમાં મુકાવી દીધા... સાંજે ઘેર જતા ડિકીમાંથી એક લીધું અને કહ્યું કે *આ બીજું તમારા ઘર માટે.. કાલે તમને તમારી દીકરીએ કહેલુંને કે તે ક્યારેક તરબૂચ લાવોને.. તમે કહેલું કે સમય મળશે તો લાવીશ... * આવા અનુભવો તો કનુભાઈ ઉપરાંત ઘણાંને થયા હોય... આ સંજય...
આજે રિલેક્ષ... મૂડમાં સંગીત સાંભળતા જતા હતા અને ત્યાં સંજયના મોઢામાંથી નીકળી ગયું *અરે*... રસ્તામાં ફૂટપાથ પર એક મેલાં ઘેલાં કપડામાં ગભરુ ચહેરે ,આંખમાં આંસુ સાથે એક વડીલને બેઠેલા જોયા એમની નજરમાં ગભરાટ હતો... નિરાશા હતી... એ ચારે તરફ જોયા કરતા હતા જાણે પોતાની વેદના વ્યક્ત કરવા માંગતા હતા... સંજયની નજર એમના પર પડી... એ બોલ્યો *કનુભાઈ ઊભા રહો.. કાર એ વડીલ પાસે લઇ લો... કનુભાઈને થયું.. કંઈક લાગે છે.. નહીં તો સાહેબ આમ કાર વળાવે નહિ...
કાર ત્યાં ઊભી રાખી એટલે એ વડીલ ચમકી ગયા.. ગભરાઈને ઊભા થવા જતા હતા... ત્યાં સંજય એકદમ નીચે ઉતરી બોલ્યો... ઈસુ દાદા શું થયું? કનુભાઈને થયું કે નક્કી આ સાહેબના ઓળખીતા છે... ઈશુદાદા ગભરુ નજર સાથે જ સંજય સામે જોવા લાગ્યા... એમને એમ લાગ્યું કે *ઈશુદાદા* નામ ક્યાંક સાંભળ્યું છે... આ નામ તો એમનું જ હતું પણ એમના મગજની પરિસ્થિતિ એવી હતી કે પોતે પોતાને જ નહોતા ઓળખતા... કોઈ પૂછે કે શું નામ? ક્યાંથી આવો છો? તો જોયા કરે,,, આ પરિસ્થિતિમાં એ સંજયને કેમ ઓળખે? છતાં એક વાત સમજવા જેવી છે... યાદશક્તિ ચાલી જાય પણ હૃદય અને આંખો સામેના વ્યક્તિના ભાવ ઓળખે... એમને એટલું લાગ્યું કે કોક મારું છે... સંજયે એમને ઊંચકી ને કારમાં બેસાડ્યા અને કનુભાઈને કહ્યું કે ઘેર પાછા લઇ લો...ઓફિસે ફોન કરી દીધો કે હું બપોર પછી આવીશ.. અને સૂચનાઓ આપી દીધી... કાર ઘરે પહોંચી... સંજયની પત્ની નીલા સંજય જેવા જ માયાળુ સ્વભાવ.... એણે જોયું કે સંજય લોકોને લઈ પાછા આવ્યા છે.. એ દોડીને બહાર ગઈ.. સંજયે કહ્યું કે મેં તને ઈસુ દાદા ઘણી વાતો કરી છે ને? એ આ ઈસુ દાદા, નીલા કહે ઓહ શું થયું? એ પછી સંજય સાથે મળી ઈશુદાદાને હાથ પકડી ઘરમાં લઇ ગઈ... એક રૂમમાં પલંગ પર બેસાડયા.. એ પછી એને તરત એના એક મનોચિકિત્સક મિત્ર રાહીલને ફોન કર્યો, બીજા બે મિત્રોને ફોન કર્યા અને એ બધા અડધો જ કલાકમાં સંજયને ઘેર આવી ગયા.... એ બધા ઈશુદાદાને ઓળખતા હતા.., ઈશુદાદાને, દાઢી વાળ સરખા કરાવી નવડાવી સારા કપડાં પહેરાવ્યા... બધા સાથે બેસી ભોજન લીધું.. પછી કોણ જાણે કેમ? ઈસુ દાદાને થાક હશે કે મનથી હાશ-નિરાંત હશે, એ સુઈ ગયા... , બધા પોતપોતાના કામ પર ગયા.. નક્કી એ થયું કે યશુદાદા જાગે એટલે નીલા ફોન કરશે એ પછી તરત બધાએ અહીં હાજર થઇ જવાનું...
યશુદાદાને થાક કે મનની પરિસ્થિતિ શું હશે? કે એ બપોરે સુતા હતા એ બીજા દિવસે સવારે ઉઠ્યા... આંખ ખોલી તો સામે સંજય બેઠો બેઠો છાપું વાંચતો હતો... ઈશુદાદા બોલ્યા...*ભાઈ આ કઈ જગ્યા છે? તમે કંઈક જાણીતા લાગો છો... *સંજયને થયું કે હાશ.. આ થાકની ઊંઘ પછી મગજ થોડું સ્વસ્થ થયેલા લાગે છે...એણે નીલાને કહ્યું, નીલાએ ઈશુદાદાના ચરણ સ્પર્શ કર્યા.. ચા લઇ આવી અને પછી બધા મિત્રોને નક્કી થયેલ એમ ફોન કરી દીધા... એમાં મનોચિકિત્સક રાહીલને પહેલા આવવા કહ્યું, બીજા બે તો બીજા વ્યવસાયી હતા પણ પોતાના વ્યવસાયના માલિક.. અડધો કલાકમાં બધા હાજર ...રાહીલે એના ઈલાજ રૂપે સવાલ શરૂ કરી દીધા...
આ ઈશુદાદા એટલે તેમનું મૂળ નામ ઈશ્વર .. નાના ગામમાં એ પોતાનો ધંધો કરતા ,આમ તો લેથ મશીનનું કામ પણ એમની અંતર સૂઝ , આવડત, ભણ્યા વગર જોઈ જોઈને શીખીને નવું નવું કંઈક કરતા.. લોક ઉપયોગી પ્રોડક્ટ મૂકતા. એ સતત વાંચતા હોય... નવું નવું શીખતાં હોય... એમને પોતાના બે દીકરા પણ બેમાંથી એકેય એમની પાસે બેસે નહીં કે કંઈ જાણવા શીખવા પ્રયત્ન કરે નહિ.. હા એમના જ મહોલ્લામાં રહેતા છોકરાઓ.. સંજય... રાહીલ... બિપિન અને કિશોર આવે ઈશુદાદા એ લોકોને શીખવે... સંજયનું મગજ એન્જીનીયરીંગવાળું... એ શીખે એ સાથે બિપિન અને કિશોર.. આ ઈશ્વરલાલના અનુયાયીઓ કહો કે શિષ્યો વધી ગયા... કેટલા છોકરાઓ આવતા? ઈશ્વરલાલ હવે ઈશુ દાદા બની ગયેલા... આ ઈશ્વરલાલ માત્ર ટેકનિકલ નહિ વહેવારીક જ્ઞાન પણ આપતા... કામની અગત્યતા... નમ્રતાપૂર્વક વાતચીત, વહેવાર... સામે વાળાનું માન જાળવવું... વગેરે ઘણું... આ છોકરા બહુ જ તૈયાર થઇ ગયા.. ઈશ્વરલાલની પોતાની અને એમના ઉત્પાદનની લોકપ્રિયતા એટલે જ ઘણી હતી... એમની પ્રોડક્ટ તો અવ્વલ હતી જ સાથે તેમનો વહેવાર... શીખવા જેવું હતું.... આ સંજય. રાહીલ બિપિન કિશોર એમની પાસેથી જ શીખી આગળ વધ્યા... ઈશ્વરલાલના દીકરાઓને એમના પિતાની કશી જ કિંમત નહિ... એ હડધૂત જ કરે... એ લોકો કહેતા કે તમે લોક સેવા અને પંચાત જ કરો... લોકોને ભેગા કરી ચોવટ કરો... વર્ષો ગયા અને સંજય રાહીલ બિપિન કિશોર બધા આગળ ભણવા અને કમાવવા જતાં રહ્યા... ઈશ્વરલાલ એટલે કે ઈશુદાદા એકલા પડી ગયા.. તેમના દીકરાઓએ એમની પાસેથી બધી સત્તા લઇ લીધી, હવે પોતાની રીતે કરતા હતા.. ઈશ્વરલાલને આ ગમતું નહિ, એ લોકોને રોજ બોલવાનું થતું... દીકરાઓ આગળ ઈશ્વરલાલ હારી ગયા... દીકરાઓ એ બધું લખાવી લીધું અને ઈશ્વરલાલ સતત બોલ્યા કરતા હતા એટલે એક દિવસ ઈશ્વરલાલને એક રૂમમાં બંધ કરી દીધા... કોઈને ખબર ન પડી કે ક્યાં ગયા... બધું એમને એ રૂમની બારીમાંથી આપી દેતા... પછી બારી બારણાં બંધ... અંદર રૂમમાં સુવિધા બધી હતી... સંડાસ-બાથરૂમ વગેરે બધું જ.... ઈશ્વરલાલ માનસિક ખતમ થઇ ગયા... એક દિવસ વહેલી પરોઢે... અંધારામાં ઈશ્વરલાલને કારમાં લઇ ગયા અને સમજણ પણ ન પડે એવી સુમસામ જગ્યાએ હાઇવે પર મૂકી આવતા રહ્યા... ઈશ્વરલાલે ગામની બહાર ક્યાં શું? કાંઈ જોયેલું જ નહિ... શું ખબર પડે? રઝળતા ભટકતા ભૂખ્યા તરસ્યા અલગ અલગ લોકોને હાઇવે પર વિનંતી કરતા કરતા અહીં આ શહેરમાં પહોંચ્યા અને સંજયની નજર પડી... બસ અત્યારે એમના જ શિષ્યોના સાનિધ્યમાં છે...
રાહીલ મનોચિકિત્સક હતો... એણે કલાકો વાતચીત કરી.... ઈશુદાદાને માનસિક સ્વસ્થ કર્યા અને બધું જાણી લીધું... એમના દીકરાઓના વર્તન હરકતો, અહીં કેવી રીતે પહોંચ્યા વગેરે એમણે જ કહ્યું.... હવે એક મહિના પછી એ સંજય અને બિપિનની મદદથી કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે... એમની કુશળતાનો ઉપયોગ કરે છે... સંજય... બિપિન, કિશોરની કંપનીમાં સલાહકાર છે . રહે છે સંજય સાથે... ઇશ્વરલાલ એટલે ઈશુદાદા વિષે એમના દીકરાઓ સુધી વાત પહોંચી કે ઘણી ઇન્ડસ્ટ્રીમાં એમના જ પિતા સલાહકાર છે... એ લોકો તો વિચારી પણ ન શકે એમની સેવા લેવા માટે... એ હક્ક એ લોકો ખોઈ બેઠા... *પોતાના એ એમને લાત મારી.... પારકાઓએ એમની વાત માની પારકા તારી ગયા.. પોતા ના ડૂબી ગયા..., હવે એ લોકોને સફળતાનું પૂછો તો કહે છે ઈશ્વરની કૃપા* થાય એવું....
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial