Advertisement
Author: નોબત સમાચાર

નગરથી નેશન સુધી એમએસએમઈનું ભવિષ્ય અને વર્તમાન... પ્રગતિ, પડકારો અને સમસ્યાઓ...

જામનગરના બ્રાસપાર્ટ ઉદ્યોગથી લઈને ટ્રેડીંગ-સર્વિસ સેક્ટર સુધી સુક્ષ્મ, લઘુ, મધ્યમ ઉદ્યોગોની સ્થિતિ

                                                                                                                                                                                                      

જામનગરનો બ્રાસપાર્ટ ઉદ્યોગ હોય કે મોરબીનો સિરામિક ઉદ્યોગ હોય કે પછી નાની-મોટી પલ્સમીલો કે ઓઈલમીલો હોય, તેને એમએસએમઈ કહેવામાં આવે છે, જેનું ફૂલફોર્મ 'માઈક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝ' છે, અને તેને ગુજરાતી ભાષામાં 'સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો' કહેવામાં આવે છે. આ ઉદ્યોગો ઔદ્યોગિક સાહસિકોને ટૂંકા અને મધ્યમ મૂડી રોકાણમાં સુક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો સ્થાપીને પોતાના અને પોતાના પરિવારના આર્થિક વિકાસની તકની સાથે સાથે સ્થાનિક લોકો સહિત ઘણાં લોકોને રોજી-રોટી પણ આપે છે.

એમએસએમઈનું ફૂલફોર્મ

કોઈ ઉદ્યોગ સાહસિક જો એક કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરે અને પાંચ કરોડ સુધીનું ટર્નઓવર કરે તો તેને સુક્ષ્મ ઉદ્યોગ કહેવાય છે. જો કોઈ ઔદ્યોગિક સાહસિક ૧૦ કરોડ રૂપિયા સુધીનું મૂડી રોકાણ કરે અને પ૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર હોય તો તેને લઘુઉદ્યોગ કહેવાય અને પ૦ કરોડ રૂપિયા સુધીનું મૂડીરોકાણ કરે અને રૂ।. રપ૦ કરોડ સુધીનું ટર્નઓવર હોય તો તેને મધ્યમ ઉદ્યોગ કહેવામાં આવે છે.

એમએસએમઈ એક્ટ

અને સુધારાઓ

એમએસએમઈ એક્ટ-ર૦૦૬ અમલમાં આવ્યા પછી તેમાં વખતોવખત સુધારા-વધારા થતા રહ્યા છે. વર્ષ ર૦ર૬ માં થયેલા સુધારા પછી 'ઉદ્યમ રજિસ્ટ્રેશન' પોર્ટલમાં નોંધણી કરાવવી ફરજિયાત છે. આ રજિસ્ટ્રેશન પછી બેંકલોન, ટેન્ડરપ્રક્રિયા, સરકારી યોજનાઓ તથા સબસિડીના લાભો મેળવવા તથા વીજબીલમાં રાહત તથા પરવાનો મેળવવામાં સરળતા રહે છે. એમએસએમઈ એક્ટ વર્ષ ર૦૦૬ માં અમલી બન્યા પછી વર્ષ ર૦ર૦ અને ર૦ર૩ સહિતના સુધારાઓ અને વર્ષ ર૦ર૩-ર૪ ના બજેટની જોગવાઈઓ પછી રાજ્યના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું હોવાની સાથે કેટલાક પ્રશ્નો-સમસ્યાઓને લઈને પણ ચર્ચાઓ થતી રહેતી હોય છે. રાજ્યમાં એમએસએમઈ એક્ટને કેન્દ્રમાં રાખીને પ્રેસ-મીડિયા, સોશિયલ મીડિયા ઉપરાંત રાજ્ય-કેન્દ્ર સરકારના વિભાગોમાં પણ હંમેશાં સૂચનો અને ફિડબેક રજૂ થતા રહેતા હોય છે.

ભારતમાં એમએસએમઈ

ભારતીય અર્થતંત્રમાં તો એમએસએમઈનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે જ, સાથે સાથે સ્થાનિક રોજગારી અને લોકોના ઉત્થાનમાં પણ આ ઉદ્યોગોનું મહત્ત્વનું યોગદાન છે. એવું કહેવાય છે કે એમએસએમઈ ભારતની ઈકોનોમીની કરોડરજ્જૂ છે, અને દેશના જીટીપીમાં એમએસએમઈનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે, જે અંદાજે ૩૦ ટકા જેટલું છે. દેશની નિકાસમાં તો એમએસએમઈનું યોગદાન ૪૮ ટકા એટલે કે લગભગ અડધોઅડધ છે. આપણો દેશ કૃષિપ્રધાન હોવાથી મહત્તમ રોજગારી તો, કૃષિ અને પશુપાલન તથા સંલગ્ન વ્યવસાયો દ્વારા જ થાય છે, પરંતુ તે પછીના ક્રમે સૌથી વધુ રોજગારી એમએસએમઈ સેક્ટર જ આપે છે, જે લગભગ ૩ર કરોડ છે. મતલબ કે દેશના ૩ર કરોડથી વધુ લોકોને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો રોજગારી પૂરી પાડે છે. એક અહેવાલ મુજબ દેશમાં એમએસએમઈની નોંધણીમાં યુ.પી., તમિલનાડુ અને મહારાષ્ટ્ર અગ્રીમ હરોળમાં છે. 'ઉદ્યમ' હેઠળ દેશમાં નોંધાયેલા ૮.૭ કરોડથી વધુ એમએસએમઈની નોંધણીમાંથી ૯૭ ટકા સુક્ષ્મ ઉદ્યોગો હોવાનું કહેવાય છે.

નોંધાયેલા એમએસએમઈમાં ૪૩ ટકા ટ્રેડીંગ સેક્ટર અને ૩૬ ટકા સર્વિસ સેક્ટર તથા ર૧ ટકા મેન્યુફેઠક્ચરીંગ સેક્ટરના છે. એમએસએમઈમાં મહિલાઓની સહભાગિતા નોંધપાત્ર રીતે વધી રહી છે, તે એક હકારાત્મક પ્રોગ્રેસ છે.

ગુજરાતમાં નોંધાયેલા એમએસએમઈ

ગુજરાતમાં સવા પચીસ લાખથી વધુ નોંધાયેલા સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો છે, જેમાં પોણાપચીસ હજાર જેટલા માઈક્રો, ત્રેપન હજારથી વધુ સ્મોલ અને ચાર હજારથી વધુ મધ્યમ કક્ષાના ઉદ્યોગો છે. ગુજરાતના કુલ ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો લગભગ ૪૦ ટકા જેટલો છે. ગુજરાતમાંથી થતી નિકાસમાં એમએસએમઈનું યોગદાન ૪પ ટકા જેટલું છે. ગુજરાતમાંથી થતી નિકાસમાં મુખ્યત્વે પ્રોસેસ્ડ ફૂડ, ફાર્માસ્યુટિકલ્સ, ઓટો પાર્ટસ, જ્વેલરી, એન્જિનિયરીંગનો સામાન વગેરે મુખ્ય છે. રાજ્યમાં જામનગર, રાજકોટ, ભાવનગર, અમદાવાદ, વડોદરા, વલસાડ, સુરત અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં એમએસએમઈના મોટા કલસ્ટર્સ છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની પ્રોત્સાહક યોજનાઓ ઉપરાંત ગુજરાતીઓમાં રહેલી નૈસર્ગિક સાહસિક્તા પણ ગુજરાતમાં એમએસએમઈનું પ્રેરક બળ છે.

જામનગરમાં એમએસએમઈ

(ઊડતી નજરે)

જામનગર બ્રાસ ઉદ્યોગ, બાંધણી, સુડી-ચપ્પુ અને અત્તર માટે પ્રખ્યાત છે. તેમાં પણ બ્રાસનો ઉદ્યોગ અહીં ઘણો જ ફાલ્યોફૂલ્યો છે. આખા દેશના બ્રાસ ઉત્પાદનોમાં મોટો હિસ્સો જામનગરનો છે. બ્રાસના નાના-નાના યુનિટો દ્વારા થતું ઉત્પાદન પ્રખ્યાત છે. તેથી જ જામનગરને 'બ્રાસસિટી' પણ કહેવામાં આવે છે. એમએસએમઈના યુનિટો દ્વારા બ્રાસપાર્ટસ, બિલ્ડીંગ હાર્ડવેર, બાંધણી, ઈલેક્ટ્રીકલ એસેસરીઝ, ઓટોમોટિવ કોમ્પોનન્ટ્સ, મશીનરી પાર્ટસ, વ્હીકલ પાર્ટસ તથા વુડન અને ધાતુના ફર્નિચરને લગતી ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે.

જો કે, જામનગર જિલ્લામાં એમએસએમઈનો ૬૮ ટકા હિસ્સો સેવાક્ષેત્રનો છે. જામનગરમાં લાખો લોકોને એમએસએમઈ હેઠળ પ્રત્યક્ષ અને સંખ્યાબંધ લોકોને પૂરક રોજગારી એમએસએમઈ હેઠળ મળે છે. આ આંકડાઓમાં અડપેટને લક્ષ્યમાં લેતા જામનગરમાં એમએસએમઈનો વ્યાપ તો વધી રહ્યો છે, પરંતુ કેટલીક મૂળભૂત સમસ્યાઓ અને જટિલ પ્રશ્નો ઝડપથી ઉકેલાય તો આ સેક્ટર અહીં હજુ વધુ ઝડપથી પ્રગતિ કરી શકે છે.

પ્રાપ્ત આંકડાઓ મુજબ જામનગર જિલ્લામાં ૯૭૦૦ થી વધુ કુલ એમએસએમઈ નોંધાયા છે, જેમાં આઠ હજારથી વધુ સુક્ષ્મ કક્ષાના, દોઢ હજારથી વધુ લઘુ ઉદ્યોગો અને ૮૦ થી વધુ મધ્યમ કક્ષાના એમએસએમઈ છે. જામનગરમાં મુખ્યત્વે ઓઈલ-પેટ્રોકેમિકલ્સ, ટેક્ષ્ટાઈલ્સ અને બ્રાસ આધારિત એમએસએમઈ છે, જેમાં કેટલાક નવા પ્રોડક્ટ્સ પણ ઉમેરાયા છે.

જામનગર શહેર અને જિલ્લો તથા દેવભૂમિ દ્વારકા જિલ્લો અત્યારે ઔદ્યોગિક ક્ષેત્રે પણ ગ્લોબલ મેપમાં છે. હાલારમાં એમએસએમઈ ઉપરાંત મોટા ઔદ્યોગિક ઘરાનાઓ પણ હોવાથી આ ક્ષેત્ર હવે ગ્લોબલ ઈન્ડસ્ટ્રીયલ મેપમાં પણ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. હાલારમાં હજુ પણ એમએસએમઈના વિકાસ અને વિસ્તરણની વિપુલ શક્યતાઓ રહેલી છે અને રાજ્ય-કેન્દ્ર સરકાર તથા જાયન્ટ ઈન્ડસ્ટ્રીયાલિસ્ટો આ દિશામાં આગળ વધી રહ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એમએસએમઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સાડાછસ્સો જેટલા સુક્ષ્મ, ર૦૦ થી વધુ લઘુ અને ડઝનેક મધ્યમકક્ષાના એમએસએમઈ છે, જેમાં મીઠા ઉદ્યોગ, મેન્યુફેક્ચરીંગ, મત્સ્યોદ્યોગ તથા માઈનીંગ આધારિત યુનિટો મુખ્ય છે. આ જિલ્લામાં સર્વિસ સેક્ટરના એમએસએમઈ ૮૪ ટકા જેટલા છે. મહત્ત્વપૂર્ણ એ છેકે આ જિલ્લામાં 'એક જિલ્લો-એક ઉત્પાદન'ના અભિગમ હેઠળ મરીન અને ફિશરીઝને પસંદ કરવામાં આવ્યા છે. જિલ્લામાં સાડાઆઠસોથી વધુ કુલ રજિસ્ટર્ડ એમએસએમઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઝડપભેર વિક્સેલા પ્રવાસન ઉદ્યોગ તથા ઊભા થયેલા લોકલ અને ભાતીગળ માર્કેટને અનુરૂપ એમએસએમઈનો વ્યાપ ઝડપભેર વધી શકે છે, તેમાં પણ સૌથી વધુ સંભાવનાઓ સંખ્યાબંધ સુક્ષ્મ કક્ષાના ઉદ્યોગો માટે છે, જે ટુરિઝમ અને કલ્ચરલ ક્ષેત્રે ઊભા થયેલા નવા માર્કેટને અનુરૂપ રહીને ઝડપથી વિક્સી શકે છે.

એમએસએમઈ સેક્ટરની સમસ્યાઓ

દેશમાં એમએસએમઈ સેક્ટરમાં વર્કીંગ કેપિટલ મેળવવું મુશ્કેલ છે. લોન માટે ગેરંટીઓ માંગવામાં આવે છે. જટિલ પ્રક્રિયાઓ હોય છે. કેટલીક કચેરીઓમાંથી સમયસર ચૂકવણી નહીં થતી હોવાની ફરિયાદ પણ સામાન્ય બની ગઈ છે. કેશ ફ્લોની સમસ્યા પણ છે. તે ઉપરાંત કેટલાક ક્ષેત્રોમાં કુશળ કારીગરોની અછત પણ એક અવરોધ પરિબળ છે. વિદેશી બ્રાન્ડો સાથે સ્પર્ધામાં ઘણો જ સંઘર્ષ કરવો પડે છે. આ સમસ્યાઓના સમાધાન માટે સરળતાથી સસ્તા અને કોર્પોરેટ ક્ષેત્રના ખરીદારો વધુમાં વધુ ૪પ દિવસમાં પેમેન્ટ કરે, લાયસન્સ રાજ તદ્ન ખતમ થાય અને તમામ મંજુરીઓ મેળવવી સરળ બને. એટલું જ નહીં, કાચા માલમાં ભાવબાંધણું કરીને નફાખોરી અંકુશમાં રખાય તથા સરકારી ક્ષેત્રની ખરીદીઓમાં અગ્રતા અને આરક્ષણ મળે, તે પ્રકારની માંગણીઓ હંમેશાં ઊઠતી રહે છે. સરકાર રાહતદરે મશીનરી અપાવે તથા સ્થાનિક કૌશલ્ય માટે સ્થાનિક કક્ષાએ તાલીમ કેન્દ્રો તથા તકનીકી કેન્દ્રો વિસ્તારે તેવી માંગણીઓ ઊઠતી રહે છે. જે પૈકી કેટલીક માંગણીઓ સરકારે સ્વીકારીને જરૂરી કદમ ઊઠાવ્યા હોવાનો દાવો પણ થાય છે.

અહીં રજૂ થયેલી વિગતો ઉપલબ્ધ જાણકારી અને પ્રાપ્ત માહિતી પર આધારિત હોવાથી અંતિમ આધાર સંબંધિત વિભાગોને જ ગણવાનો રહેશે.

વિનોદ કોટેચા, એડવોકેટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh