Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા ફરિયાદ-સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય હેમત ખવાએ રજૂ કરી થોકબંધ સમસ્યાઓ

કેટલાક પ્રશ્નો પરત્વે અધિકારીઓને સૂચના આપી સ્થળ પર જ નિકાલ કરાયો

જામનગર તા. ર૧: જામનગર કલેક્ટર કચેરી જિલ્લા ફરિયાદ અને સંકલનની બેઠક યોજાઈ હતી, જેમાં જામજોધપુર-લાલપુર મત વિસ્તારના ધારાસભ્ય હેમંતભાઈ ખવા ઉપસ્થિત રહ્યા હતાં. તેમણે અનેક પ્રશ્નો રજૂ કરી સચોટ દલીલો કરી હતી. અંતે અધિકારીઓને જરૂરી નિર્દેશો કરી પ્રશ્નોના નિવારણ લાવવામાં સફળ રહ્યા હતાં.

જામજોધપુર તાલુકાના બમથિયા ગામે છેલ્લા ઘણાં સમયથી ગૌચરની જમીનના ૭-૧ર તથા ૮-અ નીકળવાના બંધ થઈ ગયા હતાં. આ બાબતે ગ્રામજનો દ્વારા હેમંતભાઈને રજૂઆત કરતા આ પ્રશ્ન સંકલનમાં લેવાયો હતો. ડિસેમ્બર મહિનામાં રજૂ કરેલ આ પ્રશ્નનું ધારદાર રજૂઆત પછી નિરાકરણ મળ્યું હતું અને જમીનના ૭-૧ર તથા ૮-અ નીકળવાના ચાલુ કરાવ્યા હતાં. વધુમાં ધારાસભ્યએ તંત્રને ટકોર કરી હતી કે કોઈ ગામની ગૌચરની જમીનના રેકર્ડ બંધ થઈ જાય એ તપાસવાની જવાબદારી તંત્રની છે. આથી આ સિવાયના કોઈ ગામમાં આવા પ્રશ્ન હોય તો તાત્કાલિક તેનું નિરાકરણ લાવવા અધ્યક્ષ દ્વારા સૂચના અપાઈ હતી.

જામજોધપુર તાલુકાના બાવડીદળ ગામે વર્ષો પહેલા એરફોર્સ દ્વારા ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી હતી. એરફોર્સ દ્વારા ઉક્ત ખેડૂતોને વળતર આપવામાં ના આવતા આ સમગ્ર મામલો ધારાસભ્ય પાસે પહોંચ્યો હતો. આ બાબતે ડિસેમ્બર મહિનાની બેઠકમાં આ પ્રશ્ન કર્યો હતો. અંતે કોર્ટનો નિર્ણય આવી જતા આ તમામ ખેડૂતોને વળતર ચૂકવવા માટે આદેશ કરવામાં આવ્યો હતો.

લાલપુર તાલુકાના સણોસરી ગામે ર૪ વર્ષ પહેલા વર્ષ ર૦૦૦ માં હોમિયોપેથી દવાખાનું મંજુર થયું હતું, પરંતુ તંત્રની બેદરકારીના લીધે હજુ સુધી આ દવાખાના માટે જમીન ફાળવવામાં આવી નથી. આ બાબતે ગ્રામજનો દ્વારા હેમંતભાઈને રજૂઆત કરતા આ બાબતે સંકલનમાં પ્રશ્ન રજૂ કરી તંત્રની પોલ ખોલી હતી. આ બાબતે ઉગ્ર રજૂઆત કરતા હેમંત ખવાએ જણાવ્યું હતું કે જો આપણે એક મંજુર થઈ ગયેલા દવાખાના માટે ર૪ વર્ષમાં સરકારી જમીન ના ફાળવી શકીએ તે ખૂબ જ ગંભીર બાબત છે. અધ્યક્ષ દ્વારા તાત્કાલિક આ બાબતે કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી.

જામજોધપુર-લાલપુર તાલુકાના ગામોમાં જંગલી પશુઓના ત્રાસના કારણે ખેડૂતોને રાત્રે પાણી વાળવામાં ખૂબ જ અગવડતા થતી હોય, આ બાબતે ખેડૂતોએ પીજીવીસીએલની કચેરીમાં રજૂઆત કરતા પીજીવીસીએલના અધિકારીઓએ ખેડૂતોને આ બાબતે વનવિભાગનો દાખલો લઈ આવવા જણાવ્યું હતું, જેથી સમગ્ર મામલો હેમંત ખવા પાસે પહોંચ્યો હતો. આ બાબતે સંકલનમાં પ્રશ્ન રજૂ કરી પીજીવીસીએલના અધિકારીઓનો ઉધડો લીધો હતો. વન વિભાગાનો દાખલો લેવો એ ખેડૂતોની જવાબદારી નથી. પીજીવીસીએલના અધિકારીઓને ચીમકી આપતા જણાવ્યું હતું કે જો આગામી દિવસોમાં જે-જે ગામોમાં જંગલી પશુઓના ત્રાસ છે તેવા ગામોમાં દિવસે વીજળી આપવામાં નહિં આવે તો ગ્રામજનોને સાથે રાખી સામૂહિક બીલ ના ભરવાનું આંદોલન કરવાની ફરજ પડશે.

જામજોધપુર-લાલપુર તાલુકાના પરા વિસ્તારોમાં ગ્રામ જ્યોતિ અંતર્ગત ઘર વપરાશના વીજજોડાણો આપવા માટે હેમંત ખવાએ ધારદાર રજૂઆત કરી હતી, જેમાં જામજોધપુર તાલુકાના બુટાવદર અને તરસાઈ તેમજ લાલપુર તાલુકાના પડાણા (શિવપરા), સરઘુના વાડી વિસ્તાર તથા ખડખંભાળિયાનો ઉલ્લેખ કરાયો હતો. આ બાબતે પીજીવીસીએલના અધિકારીઓએ જણાવ્યું હતું કે, શિવપરામાં ૩૩ અરજીઓ પૈકી ર૮ અરજીઓમાં વીજ જોડાણ અપાઈ ગયા છે કી રહેલા પરા વિસ્તારોમાં તાત્કાલિક કાર્યવાહી કરવા ખાતરી આપી હતી.

ગામડાઓમાં વાડી વિસ્તારની સરકારી શાળાઓમાં ગ્રામ જ્યોતિ યોજના હેઠળ કનેક્શન આપવા બાબતે પ્રશ્ન રજૂ કર્યો હતો, જેમાં પીજીવીસીએલ દ્વારા એવો જવાબ આપી દેવામાં આવ્યો હતો કે જામજોધપુર-લાલપુર તાલુકાની કોઈ અરજી હાલ પડતર નથી ત્યારે હેમંત ખવાએ વિરેશ્વર વાડી શાળા-વાવડી અને ગોવાણા શાળાની અરજીઓ રજૂ કરી અધિકારીઓની પોલ ખોલી હતી. અધ્યક્ષે આવા ખોટા જવાબો રજૂ કરવા બાબતે પીજીવીસીએલના અધિકારીઓને કડક સૂચના આપી હતી અને પડતર અરજીઓના તાત્કાલિક નિકાલ માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh