Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં દેશનું પ્રથમ વિશ્વ કક્ષાનું બોટલ આર્ટ મ્યુઝીયમ ખુલ્લુ મુકાશે

ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે

જામનગર તા. ૨૫: દ્વારકામાં તા. ૨૮મી માર્ચને શુક્રવારે બપોરે ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે દેશનું પ્રથમ વિશ્વકક્ષાનું બોટલ આર્ટ મ્યુઝીયમ ખુલ્લુ મુકાશે.

દ્વારકા-વરવાળા હાઈ-વે પર હોટલ ઓનેસ્ટની પાછળ વિશ્વકક્ષાનું અને કદાચ દેશનું પ્રથમ બોટલ આર્ટ મ્યુઝીયમ ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે ખુલ્લુ મુકાશે.

આ મ્યુઝીયમના આર્ટ કયુરેટર વરવાળાના યુવાન અલ્પેશભાઈ કંસારા જયારે ગામમાં નાનકડી દુકાનમાં પિતાને મદદ કરતા કરતા અભ્યાસ સાથે પોતાની નેચરલ કલાસાધના કરી રહ્યા હતા અને શોખથી કાચની બોટલોમાં દ્વારકાધીશ મંદિર, તાજમહેલ, એફિલ ટાવર વગેરે ડઝનેક કૃતિઓ માચીશના ખોખાં, દિવાસળી જેવી વેસ્ટ ચીજોને રંગીને કલાત્મક રીતે શીશાની અંદર ઈમારતોના સ્વરૂપમાં તૈયાર કરી હતી, ત્યારે તેમનો સંપર્ક તે સમયના દ્વારકાના માહિતી ખાતાના અધિકારી વિનોદભાઈ કોટેચા સાથે થયો હતો અને તે પછી તેઓના સહયોગથી અલ્પેશભાઈની આ બોટલ આર્ટનું પ્રદર્શન દ્વારકાના માહિતી-સહ - પ્રદર્શન કેન્દ્રમાં થયું હતું. રાજ્યના માહિતી ખાતા દ્વારા સંચાલિત આ કેન્દ્રમાં પ્રદર્શન રજૂ થયા પછી વિવિધ  સંસ્થાઓ- શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ ઉપરાંત અન્ય શહેરોમાં પણ અલ્પેશભાઈના બોટલ આર્ટના એક્ઝિબિશન ગોઠવાયા હતા, તે પછી માહિતી અધિકારી વિનોદભાઈ કોટેચા, સ્થાનિક અખબારી પ્રતિનિધિઓ અને પ્રાદેશિક ન્યુઝ ચેનલોના જામનગરના પ્રતિનિધિઓ દ્વારા આ બોટલ આર્ટને વ્યાપક પ્રસિદ્ધિ મળી હતી. જે રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી હતી. તે પછી અલ્પેશભાઈએ પાછુ વાળીને જોયુ નહીં, અને વિવિધ મહાનગરો તથા શહેરોમાં પણ તેમની બોટલ આર્ટના એક્ઝિબિશનો તબકકાવાર ગોઠવાયા હતાં.

જેમ સમય વિતતો ગયો, તેમ તેઓ વધુને વધુ બોટલ આર્ટની આ કલા વિસ્તારતા ગયા. અલ્પેશભાઈની કલા તે પછી સાત સમંદર પાર પહોંચી અને વિદેશી પર્યટકો અલ્પેશભાઈની મુલાકાતે આવવા લાગ્યા, અને રાષ્ટ્રીયકક્ષાની પ્રસિદ્ધિ પણ થવા લાગી. તેઓની આ કલા તરફ વૈશ્વિક સંસ્થાઓનુ ધ્યાન ખેંચાયુ, અને ગ્લોબલ વેબસાઈટ્સ તથા ઓનલાઈન મેગેઝિનમાં પણ તેને સ્થાન મળ્યુ, અને હવે તેઓ અંક આંતરરાષ્ટ્રીય કક્ષાના બોટલ આર્ટ કયુરેટર બન્યા છે, જે તેમના જીવનની ઝળહળતી સિદ્ધિ છે.

અત્રે ઉલ્લેખનિય છે કે બોટલ આર્ટ તદ્દન સરળ નથી. એક બોટલના નાના નાળચામાંથી અંદર એક કલાત્મક ઈમારત ખડી કરવી કે વિવિધ રંગબેરંગી કૃતિઓ રચવી, તે માટે અખૂટ એકાગ્રતા, ધીરજ અને પરિશ્રમ કરવો પડે. દિવસોના દિવસો સુધી એક જ કૃતિ માટે કામ કરવું પડે, જે તપશ્ચર્યા કરીને અલ્પેશે વધુને વધુ બોટલ આર્ટસ કૃતિઓ ઊભી કરી છે, અને તેને સંખ્યાબંધ પ્રમાણપત્રો, સન્માનો તથા દ્વારકાથી દિલ્હી સુધી અને ઈન્ટરનેશનલ કક્ષાના પ્રશંસનિય પ્રતિભાવો મળ્યા છે. અલ્પેશની તે સમયે તૈયાર થયેલી ૩૫ જેટલી બોટલ આર્ટસને ઈન્ટરનેશનલ ફોક આર્ટ બોટલ્સમાં સ્થાન મળ્યુ અને યુ-ટયુબ પર રસપ્રદ માહિતી મુકાઈ. ખુશ્બુ ગુજરાત કી ના કામે ગુજરાતમાં આવેલા અમિતાભ બચ્ચનને તેઓની માતા સાથેની તસ્વીરની બોટલ આર્ટની અજોડ ભેટ અલ્પેશે આપી. ત્યારે તેઓ પણ પ્રભાવિત થયા હતા અને ઓટોગ્રાફસ આપ્યા હતાં.

હવે જયારે દ્વારકાના આંગણે આ વિશ્વકક્ષાનું બોટલ આર્ટ મ્યુઝીયમ ખુલવા જઈ રહ્યું છે, ત્યારે યાત્રાધામ દ્વારકાની જેમ જ ગ્લોબલ લેવલનું આ મ્યુઝીયમ આર્ટ અને એડવેન્ચર્સની દિશામાં યુવાવર્ગ માટે પણ પ્રેરક બનશે, તે પ્રકારના પ્રતિભાવો સાંપડી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh