Advertisement
Author: નોબત સમાચાર

લોન આપવા ઉપરાંત સબસિડી પણ મંજૂર કરાવી દેવા લાંચ માંગનાર બે બેંક ઓફિસર સહિત ત્રણ સામે ગુન્હો

પોણા બે વર્ષ પહેલાં ગોઠવાયેલુ એસીબીનું છટકુ ગયું હતું નિષ્ફળઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: જામનગરના એક આસામીએ પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ પોણા બે વર્ષ પહેલાં લોન મેળવવા માટે કરેલી તજવીજમાં પંજાબ નેશનલ બેંકની જે તે વખતની શાખાના બ્રાંચ મેનેજર તથા બેંક કર્મચારી અને એક વચેટીયા સામે લાંચની માગણી કર્યાનો આજે એસીબીએ ગુન્હો નોંધ્યો છે. જે તે વખતે રૂા.૪૦ હજાર માંગવામાં આવ્યા હતા અને તે રકમ વચેટીયાને આપી દેવાનું કહેવાયું હતું પરંતુ છટકાની ગંધ આવી જતા વચેટીયો પોબારા ભણી ગયો હતો અને છટકુ નિષ્ફળ ગયું હતું. તે પછી કોલ રેકોર્ડિંગ સહિતની વિગતો હસ્તગત કરી એસીબીએ તપાસ આગળ ધપાવી હતી. જેના અંતે આજે એસીબીએ ત્રણેય સામે લાંચની માગણીનો ગુન્હો નોંધ્યો છે.

જામનગરમાં વસવાટ કરતા એક આસામીએ વર્ષ ૨૦૨૪ના ફેબ્રુઆરી મહિનામાં જામનગર સ્થિત લાંચ-રૂશ્વત વિરોધી શાખામાં ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું હતું કે, જામનગરના રણજીત રોડ પર આવેલી પંજાબ નેશનલ બેંકની શાખામાં તે વખતે ઓફિસર તરીકે ફરજ બજાવતા સંજય રાજકુમાર મીણા, આ જ શાખાના બ્રાંચ મેનેજર મનોહરપ્રસાદ ગણેશપ્રસાદ રોય તથા ગિરીશ અરશીભાઈ ગોજીયા નામના ત્રણ આસામીએ બેંકને લગતા એક કામ માટે રૂા.૪૦ હજારની રકમ લાંચ પેટે માંગી છે.

ઉપરોક્ત ફરિયાદ પરથી એસીબીએ ગઈ તા.૧૩-ર-૨૪ના દિને રણજીત રોડ સ્થિત શાખા તેમજ ખંભાળિયા નાકા પાસે બજરંગ હોટલ સામે આવેલી પંજાબ નેશનલ બેંકની શાખા નજીક છટકુ ગોઠવ્યું હતું. તે દરમિયાન ફરિયાદીએ એસીબી સ્ટાફના સમજાવ્યા મુજબ લાંચની રકમ લઈ જવા બજરંગ હોટલ પાસે આવવાનું કહ્યંુ હતું પરંતુ પોતે લાંચના છટકામાં સપડાઈ જશે તેવી ગંધ આવી જતાં છટકુ નિષ્ફળ ગયું હતું.

વધુમાં જાણવા મળ્યા મુજબ ફરિયાદી બનેલા આસામીએ પોતાની એક લોન માટે પંજાબ બેંકમાં અરજી કરી હતી તે વખતે સંજય મીણાએ લોન પાસ થઈ જાય તો પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળની તેની સબસિડી પણ પાસ કરાવી દેવાનું કહી પોતાના ઉપરના સાહેબને રાજી કરવા પડશે તેમ કહેતા ફરિયાદીએ શું લેતીદેતી કરવાની છે તેમ પૂછતા રણજીત રોડ શાખાના બ્રાંચ મેનેજર મનોહરપ્રસાદને રૂા.૪૦ હજાર આપવાના થશે તેમ ફરિયાદીને જણાવ્યું હતું. લાંચ ન આપવા ઈચ્છતા ફરિયાદીએ જે તે વખતે એસીબીમાં ફરિયાદ નોંધાવતા છટકુ ગોઠવાયું હતું અને તે મુજબ તળાવની પાળના ઢાળીયા પાસેની શાખાએ ફરિયાદી એસીબી સ્ટાફની નીગરાની હેઠળ અને બે પંચની સાથે બેંકમાં ગયા હતા. તેઓએ ત્યાં હાજર મનોહર સાથે વાત કરતા તેણે સંજય મીણા સાથે વાત કરી લેવાનું કહ્યું હતું તેથી વીમાના કામકાજ સાથે સંકળાયેલા અને અવારનવાર બેંકની મુલાકાતે કામસર આવતા રહેતા ગિરીશ અરશીભાઈ ગોજીયાને તે રકમ આપી દેવા ફોનમાં જણાવાયું હતું અને ફરિયાદીએ એસીબી દ્વારા સમજાવાયા મુજબ તે રકમ સામે જ આવેલી ચાની હોટલે ચા પીને આપી દઉં તેમ કહેતા ગિરીશ ફરિયાદી સાથે હોટલે ગયો હતો.

જ્યાં ફરિયાદી તથા ગિરીશ વચ્ચે લોન બાબતે ઔપચારિક વાત થયા પછી કોઈ કારણથી ચેતી ગયેલા ગિરીશે તે રકમ (લાંચ) સ્વીકારી ન હતી અને હમણા આવું તેમ કહી સ્થળ પરથી ચાલ્યો જતા લાંચનું આ છટકુ નિષ્ફળ ગયું હતું.

તેમ છતાં બેંકમાં ધસી ગયેલી એસીબી ટીમે તપાસ હાથ ધરી હતી અને આ નિષ્ફળ છટકા અંગે ફોન, રેકોર્ડિંગ સહિતની વિગતો હસ્તગત કરી હતી. ત્યારપછી આજે એસીબીમાં આ બાબતનો કેસ નોંધાયો છે. લાંચ માંગવા અંગે એટલે કે લાંચની ડિમાન્ડનો કેસ નોંધી એસીબીએ સંજય રાજકુમાર મીણા, બ્રાંચ મેનેજર મનોહરપ્રસાદ ગણેશપ્રસાદ રોય તથા લાંચ લેવા ફરિયાદી સાથે હોટલ સુધી આવેલા અને તે સંલગ્ન વાત કરનાર ગિરીશ અરશીભાઈ ગોજીયા સામે કાર્યવાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે, જે તે વખતે જામનગરના રણજીત રોડ પરની પીએનબીની શાખામાં નોકરી કરતા સંજય મીણા હાલમાં જામખંભાળીયાની શાખામાં અને જે તે વખતના રણજીત રોડ શાખાના બ્રાંચ મેનેજર હાલમાં બેંગ્લોરની બેનરઘટા શાખામાં ફરજ બજાવી રહ્યા છે. ઉપરોક્ત ગુન્હો નોંધાતા ખળભળાટ મચી ગયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh