Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આપણામાંથી મોટાભાગના લોકો માટે રોજ સવારે કે સાંજે ચાલવું એ સામાન્ય બાબત છે. શાળાએ જતા બાળકો હોય, ઓફિસે જતા કર્મચારીઓ હોય, વૃદ્ધ નાગરિકો હોય કે સામાન્ય રાહદારીઓ રસ્તા પર સુરક્ષિત રીતે ચાલવું એ દરેક વ્યક્તિની રોજિંદી જરૂરિયાત છે. પરંતુ ભારતના મોટાભાગના શહેરોમાં ફૂટપાથ ક્યાં તો અસ્તિત્વમાં જ નથી, ક્યાંક દબાણો હેઠળ ગાયબ થઈ ગયા છે, તો ક્યાંક વાહન પાર્કિંગ અથવા વેપારીઓના કબજામાં ફેરવાઈ ગયા છે. પરિણામે સામાન્ય નાગરિકને રસ્તા પર વાહનો વચ્ચે ચાલવાની ફરજ પડે છે, જે અનેક અકસ્માતોનું કારણ બને છે.
પરંતુ પ્રશ્ન માત્ર ફૂટપાથનો નથી. પ્રશ્ન છે આપણા બંધારણે આપેલા મૂળભૂત અધિકારોનો. ભારતનું બંધારણ દરેક નાગરિકને કેટલાક એવા અધિકારો આપે છે જેને મૂળભૂત અધિકારો તરીકે ઓળખવામાં આવે છે. આ અધિકારો માત્ર કાયદાના પુસ્તક સુધી મર્યાદિત નથી, પરંતુ સામાન્ય નાગરિકના ગૌરવપૂર્ણ જીવનનું સંવિધાનિક રક્ષણ કરે છે.
બંધારણના ભાગ-૩ હેઠળ સમાવિષ્ટ આ અધિકારોમાં સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરુદ્ધનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર તથા બંધારણીય ઉપચારનો અધિકાર જેવા મહત્વપૂર્ણ અધિકારોનો સમાવેશ થાય છે. આ અધિકારોનો મૂળ હેતુ રાજ્ય અને તેની સંસ્થાઓની સત્તા પર બંધારણીય નિયંત્રણ લાવવાનો છે, જેથી દરેક નાગરિક સુરક્ષિત, સ્વતંત્ર અને ગૌરવપૂર્ણ જીવન જીવી શકે.
આ તમામ અધિકારોમાં સૌથી વ્યાપક અને સતત વિકસતો અધિકાર છે બંધારણની કલમ ૨૧ હેઠળનો જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર. કલમ ૨૧માં માત્ર એટલું જ લખવામાં આવ્યું છે કે કાયદા દ્વારા નિર્ધારિત પ્રક્રિયા સિવાય કોઈ વ્યક્તિને તેના જીવન અથવા વ્યક્તિગત સ્વતંત્રતાથી વંચિત રાખી શકાય નહીં. પરંતુ વર્ષો દરમિયાન સર્વોચ્ચ અદાલતે આ એક જ કલમને વિસ્તૃત અર્થ આપીને તેને અસંખ્ય માનવીય અધિકારોનું મૂળ સ્ત્રોત બનાવી દીધું છે.
આજે કલમ ૨૧નો અર્થ માત્ર જીવિત રહેવાનો અધિકાર નથી. તેમાં ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર, સ્વચ્છ પર્યાવરણનો અધિકાર, શિક્ષણનો અધિકાર, આરોગ્યનો અધિકાર, ગોપનીયતાનો અધિકાર, સ્વચ્છ પીવાનું પાણી મેળવવાનો અધિકાર, પ્રદૂષણમુક્ત વાતાવરણમાં જીવવાનો અધિકાર અને સુરક્ષિત જાહેર માળખાનો ઉપયોગ કરવાનો અધિકાર પણ સમાવિષ્ટ માનવામાં આવે છે. સમય અને સમાજની બદલાતી જરૂરિયાતો અનુસાર સર્વોચ્ચ અદાલતે કલમ ૨૧ને સતત જીવંત રાખી છે.
તાજેતરમાં ભારતના સર્વોચ્ચ અદાલતે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે સુરક્ષિત અને નિર્ધારિત ફૂટપાથ પર ચાલવાનો અધિકાર ભારતના બંધારણ હેઠળનો મૂળભૂત અધિકાર છે, અને આ અધિકાર મોટર વાહનોના હિત કરતાં પણ પ્રાથમિકતા ધરાવે છે.
આ ચુકાદો માત્ર એક માર્ગ અકસ્માત વળતર કેસ પૂરતો મર્યાદિત નથી. સર્વોચ્ચ અદાલતે આ પ્રસંગે ભારતીય શહેરોની વિકાસ નીતિ, નગર આયોજન અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની જવાબદારી અંગે પણ મહત્વપૂર્ણ સિદ્ધાંતો સ્થાપિત કર્યા છે.
અદાલતે જણાવ્યું કે ભારતીય બંધારણની કલમ ૧૯(૧)(ડ) દરેક નાગરિકને દેશના કોઈપણ ભાગમાં મુક્તપણે અવરજવર કરવાનો અધિકાર આપે છે. પરંતુ જો વ્યક્તિ માટે રસ્તા પર સુરક્ષિત રીતે ચાલવાની વ્યવસ્થા જ ઉપલબ્ધ ન હોય, તો આ અધિકારનો વાસ્તવિક ઉપયોગ કેવી રીતે શક્ય બને? આ કારણસર અદાલતે જણાવ્યું કે ચાલવાનો અધિકાર માત્ર રસ્તા પર હાજર રહેવાનો અધિકાર નથી, પરંતુ સુરક્ષિત, સ્પષ્ટપણે નિર્ધારિત અને જાળવેલા ફૂટપાથનો અધિકાર પણ તેમાં સમાવિષ્ટ છે.
આ ચુકાદાની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે શહેરોના વિકાસ દરમિયાન વર્ષોથી વાહન વ્યવહારને પ્રાથમિકતા આપવામાં આવી છે, જ્યારે રાહદારીઓના હકોની સતત અવગણના કરવામાં આવી છે. પહોળા રસ્તા, ફ્લાયઓવર અને એક્સપ્રેસવેના નિર્માણમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ ફૂટપાથ ઘણીવાર તૂટેલા, દબાણગ્રસ્ત અથવા સંપૂર્ણપણે ગાયબ જોવા મળે છે. અદાલતના મતે આ માત્ર વહીવટી ખામી નથી, પરંતુ નાગરિકોના મૂળભૂત અધિકારોને અસર કરતો પ્રશ્ન છે.
સુપ્રીમ કોર્ટે વધુમાં નોંધ્યું કે જ્યાં રસ્તો બનાવવામાં આવે છે ત્યાં યોગ્ય ફૂટપાથની વ્યવસ્થા કરવી એ માત્ર વિકાસનું કામ નથી, પરંતુ સંબંધિત નગરપાલિકા, મહાનગરપાલિકા, વિકાસ સત્તામંડળો અને અન્ય સ્થાનિક સંસ્થાઓની બંધારણીય ફરજ છે. ફૂટપાથનું નિર્માણ, જાળવણી, દબાણમુક્ત રાખવાની કાર્યવાહી અને રાહદારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી હવે માત્ર નીતિગત પસંદગી નહીં પરંતુ જાહેર સત્તાધિકારીઓની જવાબદારી તરીકે જોવામાં આવશે.
આ ચુકાદાની બીજી મહત્વપૂર્ણ અસર એ છે કે ભવિષ્યમાં જો કોઈ નાગરિકને ફૂટપાથના અભાવ, તેની ખરાબ સ્થિતિ અથવા ગેરકાયદે દબાણને કારણે નુકસાન પહોંચે, તો તે માત્ર અકસ્માત વળતર પૂરતો મર્યાદિત નહીં રહે. યોગ્ય સંજોગોમાં સંબંધિત સત્તાધિકારીઓની બેદરકારી સામે બંધારણીય અને કાનૂની ઉપાયો પણ ઉપલબ્ધ થઈ શકે છે. આ અભિગમથી નાગરિકોના અધિકારોને વધુ અસરકારક સુરક્ષા મળશે.
પ્રથમ દ્રષ્ટિએ કોઈ વ્યક્તિ વિચારે કે ફૂટપાથ અને બંધારણીય અધિકાર વચ્ચે શું સંબંધ હોઈ શકે? પરંતુ કાનૂની દૃષ્ટિએ આ સંબંધ અત્યંત ગાઢ છે. જો કોઈ વ્યક્તિને રસ્તા પર સુરક્ષિત રીતે ચાલવાની જ વ્યવસ્થા ઉપલબ્ધ ન હોય, તો તેના માટે શિક્ષણ, રોજગાર, આરોગ્યસેવાઓ અથવા અન્ય મૂળભૂત સુવિધાઓ સુધી પહોંચવું પણ જોખમપૂર્ણ બની જાય છે. એટલે કે, સુરક્ષિત અવરજવર વિના વ્યક્તિ પોતાના અન્ય ઘણા અધિકારોનો અસરકારક ઉપયોગ કરી શકતી નથી.
સર્વોચ્ચ અદાલતે આ જ દૃષ્ટિકોણ અપનાવી જણાવ્યું કે શહેરોનું આયોજન માત્ર વાહનવ્યવહારને ધ્યાનમાં રાખીને નહીં પરંતુ સામાન્ય રાહદારીઓને કેન્દ્રમાં રાખીને થવું જોઈએ. વિકાસનો સાચો અર્થ ત્યારે જ સાકાર થાય જ્યારે બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને દિવ્યાંગ નાગરિકો પણ નિર્ભય રીતે જાહેર રસ્તાઓનો ઉપયોગ કરી શકે.
ગુજરાત સહિત દેશના અનેક શહેરોમાં આજે પણ ફૂટપાથ પર દુકાનો, લારીઓ, પાર્ક કરાયેલા વાહનો અને અન્ય દબાણો સામાન્ય દૃશ્ય છે. પરિણામે બાળકો, વૃદ્ધો, દિવ્યાંગ નાગરિકો અને મહિલાઓ માટે રસ્તા પર ચાલવું જોખમી બની જાય છે. આ ચુકાદો સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટે એક સ્પષ્ટ સંદેશ છે કે શહેરોની પ્રગતિનો માપદંડ માત્ર પહોળા રસ્તાઓ કે ઊંચા ફ્લાયઓવર નથી, પરંતુ સામાન્ય નાગરિક સુરક્ષિત રીતે ચાલી શકે તેવું જાહેર માળખું પણ એટલું જ આવશ્યક છે.
ભારતનું બંધારણ માત્ર વ્યક્તિને જીવવાનો અધિકાર જ આપતું નથી, પરંતુ ગૌરવપૂર્ણ, સુરક્ષિત અને માનવોચિત જીવન જીવવાનો અધિકાર પણ આપે છે. સુરક્ષિત ફૂટપાથ એ આ ગૌરવપૂર્ણ જીવનનો અભિન્ન ભાગ છે. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો આપણને યાદ અપાવે છે કે શહેરો માત્ર વાહનો માટે નહીં, પરંતુ સૌથી પહેલાં માણસો માટે બનાવવામાં આવે છે. જ્યારે રાહદારીઓના અધિકારોનું રક્ષણ થશે, ત્યારે જ શહેરો સાચા અર્થમાં સર્વસમાવેશક, સુરક્ષિત અને બંધારણીય મૂલ્યોને અનરૂપ બની શકશે.
ભારતીય ન્યાયતંત્રે છેલ્લા કેટલાક દાયકાઓમાં કલમ ૨૧ના વ્યાપને સતત વિસ્તૃત કર્યો છે. ક્યારેક ગોપનીયતાના અધિકારને જીવનના અધિકારનો ભાગ માનવામાં આવ્યો, તો ક્યારેક સ્વચ્છ પર્યાવરણ, શુદ્ધ હવા અને પીવાના પાણીના અધિકારને પણ જીવન સાથે જોડવામાં આવ્યા. હવે સુરક્ષિત ફૂટપાથ અને રાહદારીઓ માટે યોગ્ય જાહેર સુવિધાઓને પણ તે જ બંધારણીય દૃષ્ટિકોણથી જોવામાં આવી રહી છે. આ દર્શાવે છે કે બંધારણ એક સ્થિર દસ્તાવેજ નથી, પરંતુ સમયની જરૂરિયાતો સાથે વિકસતું જીવંત દસ્તાવેજ છે.
ધ્વનિ લાખાણી એડવોકેટ, ગુજ. હાઈકોર્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial