Advertisement
Author: નોબત સમાચાર

રજતમઢીત પાલખી, મહાકાલ ગ્રુપનું ડમરૂવાદન, અદ્ભુત વેશભૂષા, સુશોભીત લાઈટીંગ, કેદારનાથની ઝાંખીના આકર્ષણો

મહાશિવરાત્રિ ૫ર્વ છોટીકાશીથી પ્રચલિત શિવશોભાયાત્રા દરમ્યાન ચાંદીથી મઢેલી પાલખી અને આશુતોષ  સ્વરૂપના શિવજીને સંપૂર્ણ સુવર્ણ અલંકારોથી સુશોભિત કરવામાં આવ્યા  હતા. સોનાની રૂદ્રાક્ષની માળા, ત્રિભુજ, ત્રિશુલ, ડમરૂં, કાનના કુંડળ, ચંદ્ર  ઉપરાંત સોનાનું છત્તર અને સુવર્ણ યજ્ઞોપવિત (જનોઇ) વગેરે સુવર્ણ  અલંકારોને લઇને ભગવાન શિવજીનો અલૌકિક નજારો દૃશ્યમાન થઇ રહ્યો હતો. ઉપરાંત આ વખતે ભગવાન શિવજીની સોનાથી મઢેલી પાઘડી તેમજ  ગળામાં પહરેલી ચાંદીની માળા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

આ ઉપરાંત સૌ પ્રથમ વખત ભગવાન શિવજીની પાલખીમાં ચાંદીથી મઢીત સિંહાસન પણ  આકર્ષણરૂપ બન્યું હતું. સમગ્ર પાલખીને એલઇડી  લાઇટોથી ઝળહળતી કરીને સુશોભીત કરવામાં આવી હતી. જેથી સર્વે નગરજનોએ ભગવાન શિવજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

આ યાત્રામાં બીજા વર્ષે આકર્ષણ ઉમેરવામાં આવ્યું હતું  અને ઉજજૈનથી મહાકાલ ગ્રુપના લકકી ગુરૂ અને તેમની ટીમના ૭૫ સદસ્યો  કે જેઓએ ડમરૂં વાદન, ઝાંઝ પખાલ અને ઢોલના તાલે મહાકાલની આરતી વગાડીને સમગ્ર જામનગરવાસીઓના મન મોહી લીધા હતા, તેમજ તેઓના  એક સભ્યાએ મહાદેવ અને પાર્વતીજીની અર્ધાંગિની ના સ્વરૂપ ની વેશભુષા ધારણ કરી હતી. નાગેશ્વર સ્થિત પુરાણ પ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ તેમજ નાગેશ્વર મહાદેવ  મંદિરમાં ડમરૂવાદન કરીને શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ શોભાયાત્રાના સમગ્ર રૂટ પર જુદા-જુદા અનેક વિસ્તારો-ચોકમાં ડમરૂવાદન કરીને તેમજ મહાકાલનો ભગવો ધ્વજ લહેરાવીને અનેક શિવભકતોને ડોલાવ્યા હતા. જેના કારણે સમગ્ર શોભાયાત્રા દરમિયાન શિવમય વાતાવરણ  બન્યું હતું. અનેક નગરજનોએ  આ ગ્રુપની સાથે તેમજ શિવજી અને  પાર્વતીજીની સાથે ફોટોગ્રાફ તેમજ સેલ્ફી પડાવી હતી.

જામનગરના ભગવા રક્ષક ગ્રુપ દ્વારા એકાવન થી વધારે તરવરીયા યુવાનો દ્વારા કેસરી સાફા અને સફેદ વસ્ત્રો ધારણ કરીને ભારે ઉત્સાહભેર જોડાયા હતા, અને મોટી ધ્વજાઓ લઇને હેરતભર્યા પ્રયોગો રજુ કર્યા હતા. જે સમગ્ર  શોભાયાત્રાના માર્ગ પર આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઉપરાંત ૧૯ ફૂટની વિશાળ કદવાળી ભગવાન મહાકાલની પ્રતિકૃતિ સાથેનો ફલોટસ તૈયાર કરાયો હતો, જે શિવલીંગના દર્શન કરવા અનેક લોકો જોડાયા હતા.

સેતાવાડ વિસ્તારના ગજકેસરી ગ્રુપ દ્વારા શોભાયાત્રાના સ્વાગત માટે લાઇટીંગનો ઝળહળતો નઝારો ઊભો કરાયો હતો. શિવ શોભાયાત્રા રૂટ પર ભગવાન શિવજીની પાલખીનું ઇલેક્ટ્રોનિક  આતશબાજી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું, અને સમગ્ર વિસ્તારને ઝળહળતો કરી દેવાયો હતો. જેથી અનેક શિવભકતો આ નજારો નિહાળીને  ભાવવિભોર બન્યા હતા. ભાટની આંબલી નજીક ગીરનારી ગ્રૂપ દ્વારા પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ ભગવાન શિવજીની આરાધના કરવા માટેનું વિશેષ આકર્ષણ ઊભું કરાયુ હતું. મુખ્ય ચોકમાં ભગવાન શિવજીની વિશાળ કદની પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી. જેના દર્શનનો લ્હાવો લેવા માટે શિવભકતો જોડાયા હતા. તેમજ ભગવાન શિવજીની સાથે પોતાના  મોબાઇલ ફોનમાં સેલ્ફી પડાવી હતી. ઉપરાંત શિવ દર્શને આવનારા અનેક શિવ ભકતોને સુરક્ષા કવચ તરીકેની શિવરક્ષા પોટલી બાંધવામાં આવી હતી.

જામનગરના મુસ્લિમ સમાજના અગ્રણી એવા નિવૃત્ત એ.એસ.આઈ. યુનુસભાઇ સમા તેમજ અલુભાઈ પટેલ બંને દ્વારા શોભાયાત્રા સ્વાગત માટે દિપક ટોકીઝ વિસ્તારમાં સ્થાનિક ફ્લોટ તૈયાર કરવામાં આવ્યો હતો અને શોભાયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા.  એટલૂં જ માત્ર નહીં, પ્રસાદ વિતરણની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. સાથે સાથે યુનુશભાઈ દ્વારા ભગવાન શિવજીને ૧૧,૦૦૦ રૂપિયાનો હાર  ચડાવાયો હતો. ઉપરાંત અલુભાઇ પટેલ દ્વારા પણ રૂા. ૫૧૦૦નો હાર ભગવાન શિવજીને ચડાવાયો હતો.

શિવ શોભાયાત્રામાં પ્રથમ વખત ભગવા યોદ્ધા ગ્રુપ  જોડાયું હતું, અને તેઓ દ્વારા કેદારનાથ સ્થિત ભગવાન શિવજીના મંદિરને અનુરૂપ આબેહૂબ મંદિરની પ્રતિકૃતિ બનાવાઈ હતી, અને ભવ્ય લાઇટીંગનો નજારો ઊભો કરાયો હતો. સાથે સાથે સમયાંતરે કેદારનાથ મંદિરની  પ્રતિકૃતિ પર ઇલેક્ટ્રોનિક મશીન વડે પુષ્પવૃષ્ટિ પણ કરવામાં આવતી હતી. જે સમગ્ર શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બની હતી, તેમજ શહેરના અનેક શિવ ભક્તોએ કેદારનાથના શિવ મંદિરની પ્રતિકૃતિ સાથે પોતાની સેલ્ફી પડાવી  હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh