Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્રમંડળ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે સતત ૪૩મા વર્ષે
જામનગર તા. ૯ઃ હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના ઉપક્રમે છોટીકાશીમાં ચાર દાયકા પૂર્ણ કરનારી તેતાલીસમી શિવ શોભાયાત્રા ભારે ઉત્સાહ ભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ હતી.
જામનગર શહેરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ ના નેજા હેઠળ શુક્રવારે મહાશિવરાત્રિના પાવનકારી પર્વ નિમિતે પરંપરાગત રીતે તેતાલીસમી ભવ્ય શિવ શોભાયાત્રા યોજાઇ હતી. જે શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઇ હતી.
પ્રસ્થાન સમયે જામનગર મેયર વિનોદભાઈ ખિમસુર્યા, ધારાસભ્યો શ્રીમતી રીવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી, પૂર્વ રાજય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હુકભા), શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઇ કગથરા, સ્ટેન્ડીંગ ચેરમેન નિલેષભાઇ કગથરા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, હિન્દુ ઉત્સવ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ધીરૂભાઇ કનખરા, શહેર ભાજપના મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા-પ્રકાશભાઈ બાંભણિયા, શાસક પક્ષના નેતા આશિષભાઇ જોષી, શિક્ષણ સમિતિના ચેરમેન મનિષભાઈ કનખરા, શહેર ભાજપના પૂર્વ પ્રમુખો હસમુખભાઇ હિંડોચા, મુકેશભાઈ દાસાણી, એડવોકેટ હિતેનભાઈ ભટ્ટ અને એડવોકેટ અશોકભાઈ નંદા, પૂર્વ મેયરો પ્રતિભાબેન કનખરા, અમીબેન પરીખ, હસમુખભાઈ જેઠવા વગેરે ભગવાન શિવજીની રજત મઢિત પાલખીનું પૂજન-અર્ચન કરીને શિવ શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ વેળાએ જામનગરના યુવા વેપારી અગ્રણી મિતેશભાઇ લાલ, જામનગર જિલ્લાના પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ સહિતના અન્ય અગ્રણીઓ વગેરેએ પણ પાલખીનું પૂજન અર્ચન કર્યું હતું અને હર હર મહાદેવના નાદ સાથે પાલખીનું પ્રસ્થાન કરાવ્યું હતું.
તે પછી શિવ શોભાયાત્રા નાગેશ્વર મંદિર થઇ નાગનાથ ગેઇટ, કે.વી. રોડ, બેડી ગેઇટ, રણજીત રોડ, દિપક ટોકીઝ, મુખ્ય પોસ્ટ ઓફિસ, દરબારગઢ, બર્ધન ચોક, સેન્ટ્રલ બેંક રોડ, સેતાવાડ, હવાઇ ચોક, સત્યનારાયણ મંદિર રોડ, પંચેશ્વર ટાવર, નિલકંઠ ચોક થઇ ભીડભંજન મહાદેવના મંદિરે રાત્રે ૧ઃ૩૦ વાગ્યે પૂર્ણ થઇ હતી. જયાં મહાઆરતી સાથે પૂજન અર્ચન કરાયું હતું. શિવ શોભાયાત્રામાં ગઇકાલે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉપરાંત રોશનીથી ઝળહળીત અને સુવર્ણ અલંકારોથી સુશોભિત રજત મઢિત પાલખી નિહાળવા અને ભગવાન શિવજીના આસુતોષ સ્વરૂપના દર્શન કરવા માટે ભાવિકોએ ઠેર ઠેર ભીડ જમાવી હતી, અને મોડે સુધી દર્શન માટે રાહ જોતા ભકતજનોએ શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
શોભાયાત્રાના માર્ગ પર ઠેર ઠેર ભગવાન શિવજીની પાલખીનું પૂજન કરાયું હતું. બેડીગેઇટ પાસે ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું. આ સમયે જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઇ ખિમસુર્યા, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઇ કગથરા, સ્ટે. કમિટીના ચેરમેન નિલેશભાઇ કગથરા, ડે. મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોઢા, શાસક જુથ નેતા આશિષભાઇ જોષી, આ ઉપરાંત શહેર ભાજપ સંગઠનના મહામંત્રી વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બાંભણીયા, શહેર ભાજપના પૂર્વ પ્રમુખો હસમુખભાઈ હિંડોચા, મુકેશભાઈ દાસાણી, અશોકભાઈ નંદા, હિતેનભાઈ ભટ્ટ ઉપરાંત જામનગર શહેર ભાજપના કોર્પોરેટરઓ સુભાષ જોષી, પાર્થ કોટડીયા, પાર્થ જેઠવા, જયેન્દ્રસિંહ ઝાલા, પરાગભાઇ પટેલ, ડિમ્પલબેન રાવલ, આશાબેન રાઠોડ, ગીતાબા જાડેજા, તૃપ્તીબેન ખેતિયા, પાર્થ જેઠવા, મુકેશભાઈ માતંગ હર્ષાબા જાડેજા, મનિષભાઈ કટારીયા, મહિલા મોરચાના પ્રમુખ રીટાબેન જોટંગીયા, યુવા મોરચાના દિલીપસિંહ જાડેજા, મહામંત્રી વિરલભાઈ બારડ તેમજ શહેર ભાજપના અન્ય તમામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શિવ શોભાયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરી ભગવાન શિવજીની પાલખીનું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.
શોભાયાત્રાના પ્રારંભ પહેલાં જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન અને લોહાણા જ્ઞાતિના પ્રમુખ જીતુભાઈ લાલ, શ્રીમતી કમલબેન લાલે સજોડે પાલખીનું પૂજન કર્યું હતું. સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી ચતુર્ભુજદાસજી મહારાજે પણ ફૂલહારથી સ્વાગત કરી પાલખીનું પૂજન કર્યું હતું.
હાલાર હાઉસ પાસે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ગિરીશભાઇ બુદ્ધદેવ, કમલભાઈ દવે, બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત પ્રમુખ રવિરાજસિંહ જાડેજા, હિન્દુ જાગરણ મંચના અધ્યક્ષ ભરતભાઇ ફલીયા, વી.એચ.પી.ના સંત સંપર્ક પ્રમુખ વૃજલાલભાઈ પાઠક તેમજ અન્ય સ્વયંસેવકો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું. નાગનાથ ગેઇટ ચોકડી પાસે સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ પ્રફુલભાઇ વાસુ અને શહેર પ્રમુખ અને વોર્ડ નં. ૫ ના કોર્પોરેટર અને શાસક જુથના નેતા આશિષભાઇ જોષીની આગેવાની હેઠળ સમસ્ત બ્રહ્મ સમાજના હોદે્દારા-કાર્યકરો બ્રહ્મ સમાજની મહિલા પાંખના પ્રમુખ જાગૃતિબેન ત્રિવેદી તેમજ અન્ય મહિલા સદસ્યો વગેરે દ્વારા શોભાયાત્રાનું અનેરૂં સ્વાગત કરવામાં આવ્યું હતું, ઉપરાંત પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શિવ શોભાયાત્રામાં મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઇ વ્યાસ (મહાદેવ)ની રાહબરી હેઠળ ૭૧ થી વધુ સભ્યોની શિવભકતોની પાલખી સમિતિ દ્વારા એક સરખા ઝભ્ભા, પીતાંબરી અને કેસરી ખેસ સાથે ખુલ્લા પગે ચાલીને ભગવાન શિવજીની પાલખી ઉચકીને નગરના માર્ગો પર દર્શનાર્થે ફેરવી હતી. જેનો અનન્ય નજારો જોવા મળ્યો હતો. ઉપરાંત શોભાયાત્રાના સંચાલન માટે બનાવાયેલી ૪૯ સભ્યની સંકલન સમિતિ અને ૩૬ સભ્યની ફલોટ સમિતિના નેજા હેઠળ શોભાયાત્રાના કન્વીનર પી.એમ. જાડેજા તેમજ સહકન્વીનર મૃગેશભાઇ દવે અને ધવલભાઇ નાખવાની રાહબરી હેઠળ શિવ શોભાયાત્રાનું સંચાલન કરવામાં આવ્યું હતું. સફળ સંચાલનના કારણે શિવશોભાયાત્રા ઉલ્લાસભર્યા વાતાવરણમાં સંપન્ન થઇ હતી.
શોભાયાત્રામાં મહાદેવહર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલી ભગવાન શિવજીની સુવર્ણ અલંકારો સજીત ચાંદીની પાલખી સહિત ત્રણ ફલોટ તદ્ઉપરાંત શિવસેના (એક ફલોટ), સતવારા સમાજ (પાંચ ફલોટ), મહાસેના મિત્ર મંડળ (બે ફલોટ), મહાદેવ કલાસીસ (બે ફલોટ), ભગવા રક્ષક યુવા સંગઠન (બે ફલોટ), હિન્દુ સેના (બે ફલોટ), ભગવા યોદ્ધા સંઘ (બે ફલોટ), શિવ નાગેશ્વર મિત્ર મંડળ (બે ફલોટ), સિંધી ભાનુશાળી સમાજ (ભાનુ ગ્રૂપ) (બે ફલોટ), રાજા મેલડી ગ્રૂપ (એક ફલોટ), સમસ્ત રાજપૂત ખવાસ સમાજ (એક ફલોટ), ઓમ યુવક મંડળ (એક ફલોટ), ડીજે લાયન ગ્રુપ, મહાસેના મિત્ર મંડળ (બે ફલોટ), નાગેશ્વર મિત્ર મંડળ (બે ફલોટ), ખોડિયાર ગ્રુપ, સહિતના ૧૩ મંડળો દ્વારા ૨૮ જેટલા સુંદર અને આકર્ષક ફલોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા.
જામનગરના હવાઈ ચોક વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, પૂર્વ નેતા આનંદભાઈ રાઠોડ, તેમજ અન્ય કોંગી અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, અને શોભાયાત્રાનું સ્વાગત કરી પાલખી પૂજન કર્યું હતું. સમગ્ર શોભાયાત્રા દરમિયાન મહાદેવહર મિત્ર મંડળ દ્વારા સતત શિવ ભજનાવલિ-ધૂન રજૂ કરાઇ હતી. બેન્ડવાજા, ઢોલ, શરણાઇની સુરાવલી સાથે શ્રદ્ધાળુ ભાઇ-બહેનો વગેરે જોડાયા હતા. કેટલાક યુવક મંડળો દ્વારા તલવારબાજી, લાઠીદાવ, લેઝીમ, પીરામીડ તેમજ અંગ કસરતના કરતબોના કારણે શોભાયાત્રા ભવ્ય બની હતી. ઉપરાંત ડી. જે. સાથેના પણ કેટલાક ફલોટ્સ જોડાયા હતા. અને શોભાયાત્રાના રૂટ પર નગર ભ્રમણ કર્યું હતું,
ઉપરાંત ઉજ્જૈનથી પધારેલા લક્કી ગુરુ અને તેમના ૭૫ જેટલા ડમરૂ વાદકોની ટીમ દ્વારા ઠેર ઠેર રજૂ કરાયેલી ડમરુવાદનની કૃતિને નિહાળવા માટે શહેરના અનેક વિસ્તારોમાં ભાવિકોની ભીડ જોવા મળતી હતી, તેમજ ભગવાન શંકર અને માતા પાર્વતીના અર્ધાંગિનીના વેશભૂષામાં ઉજ્જૈનથી કલાકાર પધાર્યા હતા, જે શંકર પાર્વતીનું સ્વરૂપ નિહાળવા માટે પણ બપોરે સાડાત્રણ વાગ્યાથી રાત્રિના સાડા બાર વાગ્યા સુધી શોભાયાત્રાના તમામ રૂટ પર ભાવિકો જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial