Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિધાનસભાની ચૂંટણીના મતદાન વેળાએ બન્યો બનાવઃ ઉમેદવારની ધર૫કડ પછી મામલો બીચક્યોઃ
જયપુર તા. ૧૪: રાજસ્થાનના ટોંક જિલ્લામાં ગઈકાલે ચાલી રહેલા વિધાનસભા ચૂંટણીના મતદાન વેળાએ એક અપક્ષ ઉમેદવારે ટોંક જિલ્લાના એસડીએમને સરા જાહેર ફડાકો ઝીંકી દેતા ચકચાર જાગી છે. આ અધિકારી દ્વારા નકલી મતદાન તથા પોલીસને દમન ગુજારવાની મંજૂરી આપવામાં આવી હોવાનો આક્ષેપ કરી આ ઉમેદવારે પોતાનો બચાવ કર્યાે છે. તે દરમિયાન આ ઉમેદવારની ધરપકડ કરી લેવાતા સમગ્ર જિલ્લામાં તોફાન થયા છે. તેની સાથે જ કેટલાક અધિકારીઓ પણ ફડાકાકાંડનો વિરોધ કરી હડતાળ પર ઉતરી ગયા છે.
આ ચકચારી કિસ્સાની વધુ વિગત મુજબ રાજસ્થાન રાજ્ય ના ટોંક જિલ્લાના સમરાવતા ગામના રહેવાસીઓએ પોતાના ગામને ઉનિયારા તાલુકામાં સમાવિષ્ટ કરવાની માગણી ઉઠાવ્યા પછી ચૂંટણીના બહિષ્કારનું એલાન કર્યું હતું. તે દરમિયાન ટોંક જિલ્લામાં ગઈકાલે ચાલી રહેલા મતદાન વેળાએ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.
આ ચૂંટણીમાં નરેશ મીણા નામના ઉમેદવાર અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. તેઓએ સમરાવતા ગામના નાગરિકોની માગણીને સમર્થન જાહેર કર્યું હતું. આ જિલ્લાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અમિત ચૌધરી લોકોને મતદાન કરવા માટે પ્રેરી રહ્યા હતા. ત્યારે અપક્ષ ઉમેદવાર નરેશે તેમનો વિરોધ કરી લાફો ઝીંકી દીધો હતો અને પોતાના સાગરિતો સાથે મળી તોડફોડ કરી હતી.
ઉપરોક્ત બનાવ પછી નરેશ મીણાએ સમગ્ર બનાવમાં પોલીસ જવાબદાર હોવાનું જણાવી ઉમેર્યું છે કે, મતદાન ચાલી રહ્યું હતું. ત્યારે પત્રકારો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસે તેઓને ભોજન લેતા અટકાવ્યા હતા અને તે જિલ્લાના એસપીએ નરેશ મીણાનો હાથ પકડી લઈ તમારી સાથે વાત કરવી છે તેમ કહેતા નરેશે હું કલેક્ટર સિવાય કોઈ સાથે વાત નહીં કરૃં તેમ જણાવતા ગુસ્સે ભરાયેલા એસપીએ ફડાકો ઝીંકયો હતો અને તેઓને જીપમાં બેસાડી દેતા સાથે રહેલા અન્ય વ્યક્તિઓએ નરેશને છોડાવ્યો હતો. આ વેળાએ પોલીસને તેઓને અને અન્ય ગ્રામજનોને પણ માર માર્યાે હતો તેમજ ટીયર ગેસ, મરચાના બોમ્બ પણ ફેક્યા હતા. ગ્રામજનો પર દમન કરી રહેલી પોલીસે મહિલાઓને પણ છોડી ન હતી અને કેટલાક ઘરમાં ભાંગફોડ કરી હતી.
એસડીએમને લાફો મારવા બાબતે નરેશ મીણાએ જણાવ્યું છે કે, મતદાન મથક પર ગેરરીતિ આચરાઈ રહી હતી. જાણે કે પોલીસને દમન ગુજારવા માટે મંજૂરી આપવામાં આવી હતી. તેથી નકલી મતદાન અને પોલીસની કાર્યવાહીની તપાસ યોજી એસપી સામે પણ કાર્યવાહી કરવી જોઈએ. અંતમાં નરેશ મીણાએ ઉમેર્યું છે કે, સવારે મતદાન શરૂ થયા પછી તેઓએ પોલીસને રજૂઆત કરી હતી અને કલેક્ટરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યાે હતો પરંતુ ત્યાંંથી ૪૫ કિ.મી. દૂર રહેલા કલેક્ટર ન આવતા આ પ્રકારનો બનાવ બન્યો છે.
ઉપરોક્ત બનાવના પગલે મચેલા ખળભળાટ વચ્ચે ગઈકાલે અપક્ષ ઉમેદવાર નરેશ મીણાની ધરપકડ કરી લેવામાં આવી છે. જેના પગલે સમગ્ર ટોંક જિલ્લામાં મચેલા ઉત્પાતમાં પથ્થરમારા સહિતના બનાવો નોંધાયા છે. જ્યારે એસડીએમને ફડાકો ઝીંકી લેવામાં આવ્યો હોવાથી કેટલાક અધિકારીઓએ વિરોધ પ્રદર્શીત કરી હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial