Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિ પર હુમલાના કેસમાં કરાઈ સામસામી ફરિયાદ

પોલીસે એક મહિલા સહિત કુલ અગિયાર સામે કરી ગુન્હાની નોંધઃ

જામનગર તા. ૧૪: જામજોધપુરના શેઠવડાળામાં મંગળવારે સાંજે જામજોધપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ તેમજ તેમના પતિ સહિત વ્યક્તિઓ પર ચાર શખ્સે હુમલો કર્યાનો બનાવ બન્યો હતો. તેની ગઈકાલે બપોરે શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ થઈ છે. તેની સામે સામા પક્ષે પણ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં પ્રમુખના પતિ સહિતના છ અને એક મહિલાએ ઓફિસમાં ઘૂસી તોડફોડ કરવા ઉપરાંત ઢીકાપાટુ, ધોકાથી હુમલો કરી માર માર્યાનું જણાવાયું છે. પોલીસે એટ્રોસિટી એકટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં ભગવતી પાર્ક પાસે મંગળવારે સાંજે શેઠવડાળા ગામના જીતેન્દ્ર નારણભાઈ રાઠોડ નામના યુવાન સાથે પુષ્પદીપસિંહ જાડેજા નામના શખ્સને મોટર સાયકલ સાઈડમાં રાખવા મુદ્દે બોલાચાલી થઈ હતી. તે પછી શેઠવડાળાના નરેન્દ્રસિંહ ઉર્ફે રાહુભા, મયુર મારૂ તેમજ ભૂપત આંબરડી ગામના પુષ્પદીપસિંહ તથા વનરાજસિંહ જાડેજા ધસી આવ્યા હતા.

આ શખ્સોએ જીતેન્દ્ર રાઠોડ પર હુમલો કરી ધોકા વડે માર મારવા ઉપરાંત ગાળો ભાંડી જીતેન્દ્રભાઈને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા અને કાચના ટૂકડા વડે હુમલો કરી જીતેન્દ્રભાઈના પિતરાઈ અતુલ ચંદુભાઈ રાઠોડને ઈજા કરી હતી. પોલીસે તે ફરિયાદ પરથી એટ્રોસિટી, બીએનએસ તથા જીપી એકટની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

તે ફરિયાદની સામે ભૂપત આંબરડી ગામના પુષ્પદીપસિંહ હરીશચંદ્રસિંહ જાડેજાએ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ મંગળવારે સાંજે સાડા છએક વાગ્યે પુષ્પદીપ તથા વનરાજ સિંહ જાડેજા, ભગવતી પાર્ક પાસે જીજે-૧૦-સીએન ૬૩૦૩ નંબરની મોટરમાં આવ્યા હતા. તે પછી ભૂપત આંબરડી પરત જવા માટે નીકળતા હતા ત્યારે જીતેન્દ્ર નારણભાઈ રાઠોડને મોટર સાયકલ સાઈડમાં લેવાનું કહેતા જીતેન્દ્રએ ઝપાઝપી કરી ગાળો ભાંડી ઢીકાપાટુથી હુમલો કર્યાે હતો. તે પછી જીતેન્દ્ર ઉપરાંત તરૂણ નારણભાઈ રાઠોડ, અતુલ ચંદુભાઈ રાઠોડ, અભુભાઈ ચંદુભાઈ રાઠોડ, અંકિત ચંદુભાઈ, ચંપાબેન નારણભાઈ રાઠોડ નામના સાત વ્યક્તિ નરેન્દ્રસિંહની જાડેજાની ઓફિસમાં ઘૂસી ગયા હતા.

આ શખ્સોએ લાકડી વડે ઓફિસનું ફર્નિચર તોડી નાખ્યું હતું અને તરૂણે સળીયાથી હુમલો કરી વનરાજસિંહને માર મારવા ઉપરાંત ટેબલનો કાચ ફોડી નાખ્યો હતો. તે દરમિયાન જામજોધપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ જશુબેનના પતિ અતુલ ચંદુભાઈ રાઠોડે પોતાની જીજે-૧૦-ડીએન ૭૪ નંબરની મોટરમાંથી ધોકો કાઢી ઓફિસ માં ઘૂસી તોડફોડ કરવા ઉપરાંત નરેન્દ્રસિંહના હાથમાં અભુભાઈએ ધોકો ફટકાર્યાે હતો. ત્યાં હાજર મયુરને પણ ચંપાબેને પથ્થર ઝીંક્યો હતો.

ઉપરોક્ત બંને ફરિયાદ પીએસઆઈ પી.જી. પનારાએ નોંધી હતી. એસસીએસટી સેલના ડીવાયએસપીએ તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh