Advertisement
Author: નોબત સમાચાર

'છોટી કાશી'માં પરશુરામ જયંતીના દિવસે પરંપરાગત ભવ્ય પરશુરામ શોભાયાત્રા નીકળશે

બ્રહ્મ સમાજના યુવાનો દ્વારા શોભાયાત્રાની તૈયારીને આખરી ઓપ અપાયો

જામનગર તા. ૯: જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મ સમાજ પરિવાર દ્વારા છેલ્લા ઘણાં વર્ષોથી પરશુરામ જન્મ જયંતીના દિવસે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તારીખ ૧૦ મે ૨૦૨૪ ને શુક્રવારના અખાત્રીજના શુભ દિને પરશુરામ જન્મ જયંતીના દિવસે પરંપરાગત ભવ્ય શોભાયાત્રા નીકળશે. શોભાયાત્રામાં અલગ અલગ કુલ ૩૦ જેટલા ફ્લોટ્સ જોડાશે જેમાં બ્રહ્મસમાજની ૧૩ વિવિધ પેટા જ્ઞાતિઓ અને ઘટકો દ્વારા ફ્લોટ્સમાં  ભગવાન શ્રી પરશુરામજી ના વિવિધ સ્વરૂપો રજૂ કરાશે.૧૮ ખુલ્લા ફ્લોટ્સમાં વિવિધ ધાર્મિક અવતારોમાં આશરે ૨૦૦ બાળકો અલગ અલગ વેશભૂષા સાથે જોડાશે. બ્રહ્મ સમાજની દીકરીઓ દ્વારા નવદુર્ગા ના  અવતાર નો ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર રહેશે. આ સાથે જ શણગારેલા ઘોડા, શણગારેલી સાયકલ, ચાર ડી.જે. સાઉન્ડ સાથે રહેશે.

શોભાયાત્રાના કન્વીનર નિલેશભાઈ ઓઝા, સહ કન્વીનર ચિરાગભાઈ પંડ્યા તથા ચિરાગભાઈ અસવાર તેમજ યુવા ટીમ શોભાયાત્રાનો વધુ સારી રીતે પ્રચાર અને પ્રસાર થાય, અને વધુ લોકો જોડાય તે માટે જહેમત લઈ રહ્યા છે.

શોભાયાત્રાના પહેલાં સવારે સોડશોપચાર પૂજાવિધિ થશે

પરશુરામ જયંતીના દિવસે સવારે બ્રાહ્મણોના ઇષ્ટદેવ શ્રી પરશુરામજી ની  સોડશોપચાર પૂજા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, કે.વી. રોડ પર સવારે ૯.૦૦ વાગ્યે થશે. જેનો દરેક ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા આયોજકો દ્વારા અપીલ કરાઇ છે. પરશુરામ શોભાયાત્રા બાલા હનુમાનજી મંદિર તળાવની પાળ થી પ્રસ્થાન કરીને હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, માંડવી ટાવર ,ચાંદી બજાર ,દીપક ટોકીઝ, પંજાબ બેંક ,વંડા ફળી જશે ત્યારબાદ પંચેશ્વર ટાવર પાસે પૂર્ણાહુતિ થશે.

બ્રહ્મ સમાજની અગિયાર દીકરીઓ દ્વારા શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવાશે

પરશુરામ શોભાયાત્રા નું શુક્રવારના સાંજે ૫.૦૦ કલાકે શ્રી બાલા હનુમાનજી મંદિર, તળાવની પાળે ખાતે સમસ્ત બ્રહ્મ સમાજની ૧૧ દીકરીઓ દ્વારા પ્રસ્થાન કરાવાશે જેમાં બ્રહ્મ સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહેશે. સાથે શહેરના આગેવાનો, શાસકો અને લોક પ્રતિનિધિઓ હાજરી આપશે. બ્રહ્મ સમાજના કોર્પોરેટર ભાઈઓ-બહેનો સ્વયંસેવક બનીને સાથે જોડાશે તેમજ સમાજના ડોક્ટર,વકીલ, પત્રકાર, સીએ, એન્જિનિયર, શિક્ષકો, પ્રાધ્યાપકો, યુવાનો અને  વિદ્યાર્થીઓ સાથે જોડાશે.

ભૂદેવો અને ધર્મ પ્રેમી જનતા મોટી સંખ્યામાં જોડાશેઃ ઠેર-ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરાશે

સહજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અલ્પેશ ત્રિવેદી દ્વારા શોભાયાત્રાનું સ્વાગત તથા ઠંડા પાણીનું વિતરણ કરાશે. સેન્ટ્રલ બેન્ક પાસે ત્યાંના ભૂદેવ મિત્ર મંડળ ઔદિચ્ય ગઢીયા બ્રહ્મ સમાજ અને સ્થાનિક વેપારીઓ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત તથા શરબત વિતરણ કરાશે. સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા માંડવી ટાવર પાસે શોભાયાત્રાનું સ્વાગત તેમજ શરબત વિતરણ કરાશે. એસબીવીપીના જયદેવભાઈ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા ચાંદી બજારમાં શોભાયાત્રાનું સ્વાગત તેમજ ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવશે. રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા પંજાબ બેંક પાસે શોભાયાત્રા નું સ્વાગત તેમજ શરબત વિતરણ કરવામાં આવશે. લીમડી બજરવાળા જાની મહારાજ તેમજ બેડી ગેઇટ બ્રહ્મ સમાજના લોકો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત તેમજ દૂધ કોલ્ડ્રીંક્સ વિતરણ કરવામાં આવશે. વંડાફળી મિત્ર મંડળ ગ્રુપ દ્વારા પંચેશ્વર ટાવર પાસે શોભાયાત્રાનું સ્વાગત તેમજ ભવ્ય આતિશબાજી કરવામાં આવશે. શોભાયાત્રામાં ભાગ લીધેલ તમામ બાળકોને કોર્પોરેટર ડિમ્પલબેન જગતભાઈ રાવલ તેમજ સી. વી.ઠાકર બુક સ્ટોર દ્વારા પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે. શ્રદ્ધા એન્ટરપ્રાઇઝ ના કિશનભાઇ જોશી દ્વારા શોભાયાત્રામાં ભાગ લીધેલ તમામ બાળકોને ફૂડ પેકેટ તેમજ એનર્જી ડ્રીંક આપવામાં આવશે.

પંચેશ્વર ટાવર પાસે શોભાયાત્રાની પૂર્ણાહુતિ બાદ બ્રાહ્મણ જ્ઞાતિની વાડીમાં બ્રહ્મ સમાજ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. પરશુરામ શોભાયાત્રામાં જિલ્લા તથા શહેર વિવિધ ઘટકો અને પેટા જ્ઞાતિના બ્રાહ્મણો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં ઉત્સાહ સાથે જોડાશે. પરશુરામ શોભાયાત્રામાં સમસ્ત બ્રહ્મ સમાજ અને ધર્મપ્રેમી જનતાને જોડાવા જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી નરેન્દ્ર ત્રિવેદી, જિલ્લા પ્રમુખ પ્રફુલ વાસુ અને શહેર પ્રમુખ આશિષ જોષીએ અપીલ કરેલ છે. પરશુરામ શોભાયાત્રામાં બ્રાહ્મણો સાથે શહેરના અન્ય સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકો ઉત્સાહ સાથે સહભાગી બનશે.

શોભાયાત્રામાં પરશુરામ ભગવાનની પાલખી સાથે સુંદર લાઇટિંગ સાથેની છત્રી આકર્ષણનું કેન્દ્ર રહેશે

પરંપરાગત રીતે યોજાતી ભગવાન શ્રી પરશુરામજી ની શોભાયાત્રામાં છેલ્લા ઘણા વર્ષોથી કોમી એકતા અને ભાઈચારાના સંદેશ સાથે અન્ય ધર્મ જ્ઞાતિના લોકો સાથે જોડાય છે.  શહેરના દિપક ટોકીઝ નજીક શોભાયાત્રાનું સ્વાગત અલ્લુભાઈ પટેલ, મુસ્લિમ ભાઈઓ દ્વારા કરવામાં આવશે અને મુસ્લિમ ભાઈઓ પરશુરામ શોભાયાત્રામાં સહભાગી બનશે તેમજ દૂધ કોલ્ડ્રીંકનું વિતરણ કરાશે.

શોભાયાત્રામાં આ વખત

અનેક વિશેષતાઓ જોવા મળશે

પરશુરામ ભગવાનનો ફ્લોટ્સ ખાસ ડેકોરેટિંગ અને લાઇટિંગ સાથે આકર્ષિત રીતે તૈયાર કરાશે. પાલખી માં મૂર્તિ સ્વરૂપે ભગવાનજી બિરાજશે. શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા બાદ કચરો ન રહે તે માટે ખાસ કામગીરી કરાશે.

બ્રહ્મ સમાજની મહિલાઓ દ્વારા ટ્રેડિશનલ ડ્રેસ સાથે રાસ રજૂ કરાશે. કુલ પાંચ ખુલ્લી બગી અને શણગારેલ રથ શોભાયાત્રામાં ખાસ આકર્ષણનું કેન્દ્ર રહેશે. કર્મકાંડી ભૂદેવ સમિતિ દ્વારા પરશુરામ ભગવાનનું સોડશોપચાર પૂજન કરાશે.

બ્રહ્મ સમાજની દીકરીઓ દ્વારા પ્રસ્થાન વખતે નવદુર્ગાની કૃતિ રજૂ કરાશે તેમ જ નારી સશકિતકરણ વિષયક કૃતિ રજૂ કરાશે. બ્રહ્મ સમાજના વિવિધ દાંડિયા ક્લાસ સંચાલકો અને તેમની ટીમ દ્વારા બાલા હનુમાનજી મંદિર પાસે ચાંદી બજાર દીપક ટોકીઝ તેમજ પંચેશ્વર ટાવર પાસે ટ્રેડિશનલ ડ્રેસમાં રાસનું આયોજન કરાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh