Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાણાવાવમાં ૧૦, પાટણ, વેરાવળ, કેશોદમાં ૭, કુતિયાણામાં પાંચ ઈંચ વરસાદઃ અનેક ગામો સંપર્ક વિહોણા
પોરબંદર તા. ૧૯: પોરબંદરમાં જાણે આભ ફાટ્યું હોય તેમ ર૪ કલાકમાં ૧૮ ઈંચ વરસાદ થતા જળબંબાકાર થયું છે, તો જિલ્લામાં પણ ભારે વરસાદ થતા લોકોમાં ઉચાટ જોવા મળે છે.
ગઈકાલે બપોર પછી મેઘરાજા અનરાધાર વરસી પડતા આજે સવાર સુધીમાં ર૪ કલાકમાં પોરબંદરમાં ૧૮ ઈંચ વરસાદ પડી ગયો હતો. રાણાવાવમાં ૧૦ ઈંચ, કેશોદ, પાટણ, વેરાવળમાં ૭ ઈંચ, કુતિયાણામાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો.
પોરબંદરમાં વર્ષ ૧૯૮૩ માં ર૪ કલાકમાં ર૪ ઈંચ વરસાદ પડી ગયો હતો. ગઈકાલે મેઘતાંડવ પછી ર૪ કલાકમાં ૧૭ ઈંચ વરસાદ વરસી જતાં લોકોના જીવ ઉંચા થઈ ગયા હતાં. ઠેર ઠેર ગોઠણબૂડથી વધારે પાણી ભરાયા હતાં. રોડની ફૂટપાથો વરસાદના પાણીમાં અદૃશ્ય બની ગઈ હતી.
શહેરમાં વરસાદના પાણી નિકાલનો મુખ્ય માર્ગ ગણાતા ખીજડા પ્લોટમાં જાહેર બગીચો બની જતા જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી. લોકો ભારે વરસાદમાં ઘરની બહાર નીકળી શક્યા ન હોતા. ધોધમાર વરસાદમાં વીજતંત્રની બેદરકારીની પોલ ખૂલી ગઈ હતી. રાત્રિના વીજ પુરવઠો ઠપ્પ થઈ જતા લોકો અકળાય ઊઠ્યા હતાં.
જિલ્લા કંટ્રોલરૂમ મુજબ પોરબંદર ૪ર૩ (૭૩૦ મી.મી.), રાણાવાવ ર૪૩ (૬૩૧ મી.મી.), કુણિયાણા (૧૪પ (પ૭૦ મી.મી.) નોંધાયો છે. આજે સવારે ધૂપ-છાંવ અને વરસાદના છાંટા પડ્યા હતાં.
ગુજરાતમાં કચ્છ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પોરબંદર ઉપરાંત પણ જૂનાગઢ જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા હતાં. પોરબંદરમાં તો આકાશી આફતથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદને પગલે જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા થયા હતાં, તો બીજી તરફ ભારે વરસાદના સમયે જ અનેક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો.
ભારે વરસાદના પગલે ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતાં. કેટલાક વિસ્તારોમાં તો એટલા પાણી ભરાય ગયા હતાં કે લોકો પોતાના ઘરના ધાબે જવા મજબૂર બન્યા હતાં. નિચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ જાણે નદી બની ગયા હોય તેવા દૃશ્યો સર્જાયા હતાં. ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા હતાં, તો પાણીના વહેણમાં પશુઓ તણાયા હતાં. પોરબંદર ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો.
જૂનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામતો જોવા મળી રહ્યો છે. પંદર દિવસ પછી ફરી એક વખત જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદનું આગમન થયું હતું, જેને લઈને જૂનાગઢ શહેરના મોટાભાગના માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા હતાં. વહેલી સવારે શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે વરસાદના પાણી જૂનાગઢ શહેરના માર્ગો પરથી વહેતા થયા હતાં. પંદર દિવસ પછી પડેલા વરસાદને કારણે જૂનાગઢ શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
શરીરને દઝાડે તેવા તાપની વચ્ચે આજે ધોધમાર વરસાદ જૂનાગઢવાસીઓ માટે રાહતના સમાચાર લઈને આવ્યો હતો. વરસાદ પડવાથી મોટાભાગના વિસ્તારમાં વરસાદનું પાણી વહેતું થયું જોવા મળ્યું હતું. જેને કારણે સમગ્ર જૂનાગઢ શહેરમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં જૂનાગઢમાં અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. પાછલા ર૪ કલાકથી જૂનાગઢની સાથે સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. આજે જૂનાગઢના વંથલીમાં ૬૩ એમએમ વરસાદ નોંધાયો હતો, તો બીજી તરફ સોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં ૩૦ એમએમ વરસાદ નોંધાયો છે.
જૂનાગઢ જિલ્લામાં વર્તમાન ચોમાસાનો સરેરાશ વરસાદ રપ ઈંચની આસપાસ નોંધાઈ ચૂક્યો છે. તેવી જ રીતે સોમનાથ જિલ્લામાં પણ વર્તમાન ચોમાસાનો સરેરાશ વરસાદ ૧૭ ઈંચની આસપાસ નોંધાયો છે. હજુ પણ હવામાન વિભાગ દ્રારા અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. જેને લઈને પણ આગામી દિવસોમાં જૂનાગઢ અને સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
ગીર સોમનાથના વેરાવળમાં વરસાદ આવ્યો છે, જેમાં વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ શરૂ થતા ૧૧ કેવીના વીજપોલ ધરાશાયી થયા છે. પોલ ધરાશાયી થતાં વીજ પુરવઠો ખોરવાયો છે. ડારી, છાત્રોડામાં વીજ પુરવઠો ખોરવાયો છે તેમજ અલગ-અલગ વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા છે ત્યારે વેરાવળમાં પણ વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ આવ્યો છે. રેયોન કંપનીના ગેટ પાસે મહાકાય વૃક્ષ ધરાશાયી થયું છે. ૧૧કેવીના ૭ વીજ પોલ ધરાશાયી થયા છે.
વેરાવળ સોમનાથમાં વરસાદ પડતા શહેરના મુખ્ય માર્ગો પર ભારે પાણી ભરાયા હતાં, જેમાં સટ્ટાબજાર, સુભાષ રોડ, લોહાણા હોસ્પિટલ રોડ સહિતમાં પાણી ભરાયા હતાં. તપેશ્વર રોડ પર આવેલ તપેશ્વર મહાદેવના મંદિરમાં પાણી ઘૂસી ગયા હતાં. મુખ્ય માર્ગોની ગટરમાંથી પાણીનો નિકાલ ન થતા મુખ્ય બજારોમાં પાણી ભરાયા છે.
ગીર જંગલ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરસ્વતી નદીમાં પૂર આવતા માધવરાયજી પાણીમાં જળમગ્ન થયા છે. માધવરાય મંદિરની પૂર્ણ સપાટી સુધી પાણીમાં ગરકાવ થયું છે. પ્રાચી તીર્થની સરસ્વતી નદી હાલ બે કાંઠે વહી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial